Madhya Pradesh News/ મધ્ય પ્રદેશમાં ડેપ્યુટી ડાયરેક્ટરને ત્યાં લોકાયુક્તના દરોડા, 7.6 કરોડની અપ્રમાણસર સંપત્તિ મળી

મધ્ય પ્રદેશ લોકાયુક્તે(Lokayukta) સાતપુડા ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માને ત્યાં દરોડા પાડ્યા, આવક કરતાં 560% વધુ સંપત્તિ, 2.5 કિલો સોનું અને 2 રિસોર્ટ મળ્યા

Breaking News India
Lokayukta

Madhya Pradesh News: મધ્ય પ્રદેશમાં લોકાયુક્ત (Lokayukta)એ વન વિભાગના એક અધિકારી સામે મોટી કાર્યવાહી કરી છે. સાતપુડા ટાઈગર રિઝર્વ (Satpura Tiger Reserve)ના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માના ભોપાલ, પંચમઢી અને છિંદવાડા સ્થિત રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં તેમની આવક કરતાં આશરે 560 ટકા વધુ, એટલે કે લગભગ 7.6 કરોડ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે. દરોડામાં 3.5 કરોડ રૂપિયાનું સોનું, રોકડ, બે રિસોર્ટ અને વાહનો સહિતની મિલકતો મળી છે.

ત્રણ શહેરોમાં એકસાથે Lokayuktaના દરોડા

મધ્ય પ્રદેશ લોકાયુક્તના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (SPE) દ્વારા શનિવારે આ કાર્યવાહી કરાઈ હતી. ભોપાલની પ્રોફેસર કોલોની ઉપરાંત પંચમઢી અને છિંદવાડામાં આવેલી સરકારી તથા ખાનગી મિલકતો પર એકસાથે તપાસ હાથ ધરાઈ હતી. ગુપ્ત માહિતી અને કોર્ટ પાસેથી મેળવેલા સર્ચ વોરંટના આધારે દરોડા પડાયા હતા. પ્રાથમિક તપાસમાં સંપત્તિ આવક કરતાં 228 ટકા વધુ હોવાનો અંદાજ હતો, પરંતુ તપાસ આગળ વધતાં આંકડો 560 ટકા એટલે કે આશરે 7.6 કરોડ રૂપિયા થયો. તપાસમાં પોતાના, પત્ની અને અન્ય લોકોનાં નામે સંપત્તિ એકઠી કરાઈ હોવાની વિગતો પણ સામે આવી છે.

3.5 કરોડનું સોનું અને બે રિસોર્ટ

દરોડા દરમિયાન અધિકારીનાં ઠેકાણેથી 26,36,800 રૂપિયા રોકડા મળ્યા હતા. આ ઉપરાંત 2.528 કિલો સોનું(Gold), જેની કિંમત આશરે 3.5 કરોડ રૂપિયા છે, અને 1.656 કિલો ચાંદી (કિંમત આશરે 2.94 લાખ રૂપિયા) મળી હતી. તપાસમાં આશરે 2 કરોડ રૂપિયાનો ‘ઇકોટેલ રિસોર્ટ’ અને 1 કરોડ રૂપિયાનો ‘સેરેનિટી ધ વિલા’ પણ મળી આવ્યા છે. ચાર વાહનોમાં મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા KUV, રોયલ એનફિલ્ડ બુલેટ અને સ્કૂટરનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત આશરે 31.2 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 50 લાખ રૂપિયાની ઘરવપરાશની વસ્તુઓ અને જમીનના ખરીદ-વેચાણ સંબંધિત 28 દસ્તાવેજો પણ મળ્યા છે. દસ્તાવેજોના મૂલ્યાંકન બાદ સંપત્તિનો આંકડો વધી શકે છે.

ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ

લોકાયુક્તના ડિરેક્ટર જનરલ યોગેશ દેશમુખના નિર્દેશ અને ડીઆઈજી મનોજ કુમાર સિંહના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ હતી. અધિકારી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988ની કલમ 13(1)(B) અને 13(2) હેઠળ ગુનો નોંધાયો છે.

અગાઉ 4 નવેમ્બરે પણ કાર્યવાહી થઈ હતી

આ પહેલાં 4 નવેમ્બરે લોકાયુક્તે ધાર જિલ્લાના નાલચામાં આદિમ જાતિ સેવા સહકારી સમિતિના મેનેજર શેર સિંહ ઠાકુર(Sher Singh Thakur) સામે પણ કાર્યવાહી કરી હતી. 20 વર્ષની નોકરીમાં આશરે 65 લાખ રૂપિયાનો પગાર મેળવ્યો હોવા છતાં તેમની પાસે 2.41 કરોડ રૂપિયાની મિલકતો મળી આવી હતી. તેમાં મકાન, કોમર્શિયલ બિલ્ડિંગ, ખેતીની જમીન, અર્થ-મૂવિંગ મશીન અને શંકાસ્પદ બેનામી ઇમારતનો સમાવેશ થાય છે. તેમની સામે પણ ભ્રષ્ટાચાર (Corruption)નિવારણ કાયદા હેઠળ કેસ નોંધાયો છે.


આ પણ વાંચો: રાહુલ ગાંધી સામે અપ્રમાણસર સંપત્તિના આરોપ મામલે ભાજપ નેતા વિગ્નેશ શિશિરને CBIનું સમન્સ

આ પણ વાંચો: અપ્રમાણસર સંપત્તિના કેસમાં Custom ઈન્સ્પેક્ટરને 5 વર્ષની કેદ: પત્નીને પણ સજા

આ પણ વાંચો: AMC અધિકારી વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી: રૂ.67 લાખની અપ્રમાણસર સંપત્તિનો કેસ