India News: રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે અપ્રમાણસર સંપત્તિના આરોપ લગાવનાર ભાજપ નેતા વિગ્નેશ શિશિરને CBIએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજી અને તપાસ પ્રક્રિયા અંગે જાણો સમગ્ર માહિતી.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાના આરોપ લગાવનાર ભાજપ નેતા વિગ્નેશ શિશિરને કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.
વિગ્નેશ શિશિરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમને CBI ઓફિસમાં હાજર થવા માટે બોલાવવામાં આવ્યા છે. જોકે, તેમણે કેસ સંબંધિત વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મામલો હાલમાં કોર્ટમાં વિચારાધીન છે.
આ સમગ્ર મામલો અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ સમક્ષ પહોંચ્યો હતો. 12 મેના રોજ જસ્ટિસ આર.એસ. ચૌહાણ અને જસ્ટિસ બી.આર. સિંહની બેન્ચે આ કેસની લગભગ બે કલાક સુધી સુનાવણી કરી હતી. ત્યારબાદ 14 મેના રોજ જાહેર કરાયેલા આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે, CBIને ફરિયાદ મળી છે અને તે અંગેનો જવાબ આઠ સપ્તાહમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વિગ્નેશ શિશિરે હાઈકોર્ટમાં ફોજદારી રિટ અરજી દાખલ કરીને રાહુલ ગાંધી સામે આવક કરતાં વધુ સંપત્તિના આરોપોની તપાસ કરવાની માંગ કરી હતી. અરજીમાં CBI તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરાવવાની માગ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે અગાઉના આદેશમાં જણાવ્યું હતું કે, જો ફરિયાદમાં દર્શાવાયેલા આરોપો સંબંધિત પ્રાથમિક માહિતી ઉપલબ્ધ હોય તો કાયદા મુજબ તેની તપાસ કરી શકાય છે.
કોર્ટ દ્વારા CBI અને ED ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT), મહેસૂલ વિભાગ, નાણા મંત્રાલય, કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO)ને પણ આરોપો અંગે આઠ સપ્તાહમાં જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સોનમ વાંગચુક પર લાઠીચાર્જ અને રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં માંગરોળમાં પ્રદર્શન
આ પણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીના પેલેટ ગન આરોપથી હોબાળો, કિરેન રિજિજુએ કહ્યું- ‘આદેશની નકલ બતાવો’
આ પણ વાંચો: રાહુલ ગાંધીનો અમિત શાહને પુછ્યા સવાલ, વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કેમ થયો?
