Vadodara News: ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ફ્રોડમાં લોકો પાસેથી પડાવેલી રકમની હેરાફેરી કરવા માટે મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના કેસમાં વડોદરા પોલીસે બ્રિજેશ પટેલની ધરપકડ (Mule Account Fraud) કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બ્રિજેશ આર્કિટેક્ચરમાં ડિપ્લોમા ડિગ્રી ધરાવે છે અને કથિત રીતે કમિશન લઈને સાયબર ઠગો માટે બેન્ક ખાતાં ખોલાવવામાં મદદ કરતો હતો. વડોદરા અને કચ્છના ચાર કેસમાં આ ટોળકીએ રૂ. 1.73 કરોડથી વધુના વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
Mule Account Fraud: ત્રણ બેન્કમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો
પોલીસ તપાસ મુજબ, વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી કર્ણાટક બેન્કમાં ખોલાવવામાં આવેલા મ્યુલ એકાઉન્ટમાં શ્રવણકુમારનું નામ સામે આવ્યું હતું. આ ખાતું કમિશન આપીને ખોલાવવામાં આવ્યું હોવાની તપાસ દરમિયાન બ્રિજેશ રામચંદ્ર પટેલની ભૂમિકા સામે આવી હતી. બ્રિજેશ મકરપુરા એરફોર્સ પાછળ આવેલી નીલકંઠ રેસિડેન્સીનો રહેવાસી છે.
આ ઉપરાંત, વાઘોડિયા રોડ પર આવેલી એક્સિસ બેન્કમાં આરપીસીએલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે ખોલાયેલા ખાતામાં સાયબર ફ્રોડની આશરે રૂ. 1.20 કરોડની રકમના વ્યવહારો થયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ખાતા સાથે પણ બ્રિજેશ અને તેના પિતા રામચંદ્ર પટેલનું નામ જોડાયું છે.
તપાસમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ બ્રિજેશે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું હોવાની વિગતો સામે આવી (SBI Mule Account) છે. આ મામલે પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
કચ્છના બે કેસમાં પણ સંડોવણી
કચ્છમાં ડિજિટલ અરેસ્ટ અને કાર વેચાણના નામે થયેલી છેતરપિંડીના બે કેસમાં ટોળકીએ બોગસ બેન્ક ખાતાંનો ઉપયોગ કરીને રૂ. 41 લાખથી વધુની રકમ પડાવી હતી. આ ખાતાં ખોલાવવામાં પણ બ્રિજેશની સંડોવણી સામે આવતાં વડોદરા પોલીસે તેને વાસદ પાસેથી ઝડપી પાડ્યો હતો.
સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, બ્રિજેશ મ્યુલ એકાઉન્ટ ખોલાવનાર લોકોને કમિશન આપતો હતો અને પોતે પણ આ કામમાંથી કમિશન મેળવતો (Vadodara Cyber Crime) હતો.
બ્રિજેશ તપાસમાં રાજસ્થાનના મનોજનું નામ આપે છે
પોલીસ હવે તપાસ કરી રહી છે કે બ્રિજેશ કોના કહેવાથી બેન્ક ખાતાં ખોલાવતો હતો અને આ ખાતાંમાં આવતી લાખોની રકમ કોણ ઉપાડતું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ટોળકીઓને સ્થાનિક બેન્ક ખાતાંની જરૂર પડતી હોવાથી તેઓ કમિશન આપીને અન્ય લોકોનાં ખાતાં મેળવતા હતા.
પૂછપરછ દરમિયાન બ્રિજેશ તરફથી સંતોષકારક વિગતો મળી નથી. તેણે રાજસ્થાનના મનોજનું નામ આપીને પોતાના નામે તે કામ કરતો હોવાનું જણાવ્યું છે. આથી પોલીસે મનોજ અને અન્ય સંભવિત સાગરીતોની તપાસ શરૂ કરી છે.
અકોટાના કેસમાં જેલમાં, બીજા કેસમાં ધરપકડની તૈયારી
અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મ્યુલ એકાઉન્ટના કેસમાં બ્રિજેશની ધરપકડ (Digital Arrest Scam) કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો. હવે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આશરે રૂ. 1.20 કરોડના વ્યવહારોના કેસમાં તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: હિંમતનગરમાં સાયબર ઠગોના નેટવર્કનો પર્દાફાશ, 12 એકાઉન્ટમાં કરોડોની લેવડદેવડ આવી સામે
આ પણ વાંચો: નકલી CJI, નકલી CBI; કેવી રીતે સાયબર ઠગોએ ઉદ્યોગપતિ એસપી ઓસવાલ સાથે 7 કરોડની કરી છેતરપિંડી
આ પણ વાંચો: ઓપરેશન મ્યૂલ હન્ટ : સાયબર ઠગોના આકાઓ સુધી પહોંચશે ગુજરાત પોલીસ!
