Ahmedabad News/ અમદાવાદમાં નશાની હાલતમાં સ્કોર્પિયો ચાલકે XUV અને 2 બાઇકને ટક્કર મારી, આરોપીને લઈ જતાં પોલીસ સાથે બબાલ

Naroda Scorpio Accident: અમદાવાદના નરોડાના હંસપુરામાં સ્કોર્પિયો ચાલકે XUV કાર અને બે બાઇકને ટક્કર મારી હોવાનો આરોપ છે. સ્થાનિકોએ ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો, પરંતુ તેને પ્રાઇવેટ કારમાં લઈ જતાં પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.

Top Stories Ahmedabad Gujarat
Naroda Scorpio Accident: અમદાવાદમાં નશાની આશંકા વચ્ચે સ્કોર્પિયોનો અકસ્માત, પોલીસ સાથે સ્થાનિકોની બબાલ

Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં નશાની હાલતમાં હોવાની આશંકા ધરાવતા સ્કોર્પિયો ચાલકે એક XUV કાર અને બે બાઇકને ટક્કર મારતાં હોબાળો (Naroda Scorpio Accident) થયો હતો. 16 નવેમ્બરની મોડી રાત્રે હંસપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોએ કારચાલકને પકડીને બહાર કાઢ્યો હતો. તે લથડિયા ખાતો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. બાદમાં પોલીસકર્મીઓ તેને પ્રાઇવેટ કારમાં લઈ જવા લાગતાં લોકો રોષે ભરાયા હતા અને પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.

Naroda Scorpio Accident: પાર્ક કરેલી XUVને સ્કોર્પિયોએ મારી ટક્કર

ફરિયાદી જય સોનારાના જણાવ્યા મુજબ, તે દહેગામનો રહેવાસી છે અને GLS યુનિવર્સિટીમાં ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે. 16 નવેમ્બરે રાત્રે આશરે 9 વાગ્યે તેણે નરોડાના હંસપુરા વિસ્તારમાં વિઠ્ઠલ પ્લાઝા ખાતે દીપિકા સાડીની દુકાન સામે પોતાની XUV કાર પાર્ક કરી હતી. તે સમયે તે કારની વચ્ચેની સીટ પર બેઠો હતો.

આ દરમિયાન સ્કોર્પિયો કાર (GJ 18 BR 8182)ના ચાલકે પૂરઝડપે આવીને તેની કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં પાછળ પાર્ક કરેલી લલિત ગૌતમભાઈ મેસરિયાની બાઇકને પણ નુકસાન થયું હતું.

સ્થાનિકોએ કારચાલકને પકડી બહાર કાઢ્યો

અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિકોએ સ્કોર્પિયો ચાલકને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે લથડિયા ખાતો હોવાનું જણાવાયું છે. પૂછપરછ દરમિયાન તેનું નામ આકાશ અમરતભાઈ સથવારા (ઉંમર 27 વર્ષ) હોવાનું અને તે ખોડિયારનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદ મુજબ, કારચાલકના મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ (Drunk Driving Allegation) આવતી હતી. તપાસમાં સ્કોર્પિયો ચાલકે નરોડા GEB પાસે આવેલા HP પેટ્રોલ પંપ સામેના રોડ પર નિખિલભાઈ ઉતેકરની બાઇકને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

આરોપીને પ્રાઇવેટ કારમાં લઈ જતાં લોકોનો વિરોધ

ઘટનાસ્થળે પહોંચેલા બે પોલીસકર્મીઓએ કારચાલકને કબજામાં લીધો હતો. જોકે, તેને પ્રાઇવેટ કારમાં લઈ જવાની તૈયારી થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. લોકોએ કારનો દરવાજો જોરથી બંધ કરીને પોલીસકર્મીઓને સવાલ કર્યા હતા કે આરોપીને પોલીસની પીસીઆર વાનમાં લઈ જવાને બદલે ખાનગી કારમાં કેમ લઈ જવાઈ રહ્યો છે.

પોલીસકર્મીઓએ કાર પોતાની હોવાનું કહેતાં લોકોએ આ રીતે કાર્યવાહી ન ચાલે તેમ કહી પીસીઆર વાનમાં જ આરોપીને લઈ જવાની માગ કરી હતી. આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.

જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો

આ ઘટનાના મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે આકાશ સથવારા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી (Gujarat Crime News) છે. અકસ્માત સમયે કારચાલક નશામાં હતો કે નહીં તે અંગે સત્તાવાર તપાસ અને મેડિકલ રિપોર્ટની વિગતો સામે આવે તે જરૂરી છે.

XUVમાં ‘પોલીસ’નું પાટિયું, નંબર પ્લેટ પણ નહોતી

આ ઘટનામાં ફરિયાદીની XUV કારમાં નંબર પ્લેટ ન હોવાનું અને તેમાં ‘પોલીસ’ લખેલું પાટિયું લગાવેલું હોવાનું પણ સામે આવ્યું છે. થોડા સમય પહેલાં ગાંધીનગરથી પોલીસના લોગો, ‘P’ સહિતનાં પ્રતીકોનો ઉપયોગ કરતાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં વાહનમાં પોલીસ લખેલું પાટિયું લગાવેલું હોવાનો મુદ્દો પણ ચર્ચામાં (Police Vehicle Controversy) આવ્યો છે.


આ પણ વાંચો: લીંબડી-અમદાવાદ હાઈવે પર દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને ટ્રકની ટક્કર, 1નું મોત અને 7 ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: અમદાવાદના રબારી કોલોની પાસે હિટ એન્ડ રન, આઈસરની ટક્કરે 50 વર્ષીય આનંદ સક્સેનાનું મોત

આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ભીષણ ટક્કર, 10 મુસાફરો ઈજાગ્રસ્ત