Gujarat News/ યુસુફ પઠાણને સરકારી જમીન આપવાના નિર્ણય પર વિવાદ: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર લગાવ્યા બેવડા ધોરણોના આરોપ

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરાના વતની અને જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણે (Yusuf Pathan)માર્ચ 2012માં પોતાના ઘરની બાજુની સરકારી જગ્યા રહેણાંક હેતુ માટે ફાળવવા વડોદરા કોર્પોરેશન પાસે માંગણી કરી હતી

Gujarat
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરાના વતની અને જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણે (Yusuf Pathan)માર્ચ 2012માં પોતાના ઘરની બાજુની સરકારી જગ્યા રહેણાંક હેતુ માટે ફાળવવા વડોદરા કોર્પોરેશન (Vadodara Municipal Corporation)પાસે માંગણી કરી હતી
Gujarat News : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય જનતા અને ગરીબ પરિવારો માટે કાયદાના કડક નિયમો લાગુ કરવામાં આવે છે, પરંતુ શાસક પક્ષના માનીતાઓ અને રાજકીય ફાયદા માટે તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવામાં આવે છે. રાજ્યમાં કોઈ સામાન્ય કે બીપીએલ પરિવારને 100 ચોરસવારનો પ્લોટ લેવો હોય તો તેના પગના ચપ્પલ ઘસાઈ જાય અને પેઢીઓ વીતી જાય છતાં પ્લોટ મળતો નથી.
શૈક્ષણિક કે સામાજિક કાર્ય માટે પણ રાહત દરે પ્લોટ માંગવામાં આવે તો સરકાર બજાર કિંમત કરતાં વધારે ભાવની નોટિસો આપે છે અને જો કોઈ નાગરિક સરકારી જગ્યા પર સારા કામ માટે પણ નાનું બાંધકામ કે કબજો કરે તો તેની સામે તાત્કાલિક લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જો સરકારના માનીતાઓ સાથે ગોઠવણ થઈ જાય તો બધા જ કાયદા નેવે મૂકાઈ જાય છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરાના વતની અને જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણે (Yusuf Pathan)માર્ચ 2012માં પોતાના ઘરની બાજુની સરકારી જગ્યા રહેણાંક હેતુ માટે ફાળવવા વડોદરા કોર્પોરેશન (Vadodara Municipal Corporation)પાસે માંગણી કરી હતી. તે સમયે 21 માર્ચ 2012ના રોજ જમીનનું વેલ્યુએશન પ્રતિ ચોરસ મીટર રૂ. 52,270 નક્કી થયું હતું અને ભાજપ શાસિત સ્ટેન્ડિંગ કમિટીએ જૂન 2012માં તેઓ ક્રિકેટર હોવાના નાતે દેશનું નામ રોશન કર્યું હોવાનું કારણ આગળ ધરી જમીન આપવાની ભલામણ કરી હતી. જોકે, તે સમયે યુસુફ પઠાણ (Yusuf Pathan)કોઈ રાજકીય પક્ષમાં નહોતા કે સાંસદ નહોતા, તેથી જૂન 2014માં શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્ત નામંજૂર કરીને પરત મોકલી હતી અને વર્લ્ડ કપ સહિતની મેચો રમવા છતાં ત્યારે ભાજપ સરકારે તેમને કોઈ સન્માન આપ્યું નહોતું.
વર્ષ 2014માં દરખાસ્ત નામંજૂર થયા બાદ 2024 સુધી આ જમીન પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. પરંતુ, જેવા યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સાંસદ બન્યા અને ભાજપ-એનડીએ સરકારની (BJP Government)વિરુદ્ધમાં હતા ત્યારે કોર્પોરેશને 2024માં ગેરકાયદેસર કબજો ખાલી કરવા અને લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવાની નોટિસ ફટકારી હતી. આ નોટિસ સામે યુસુફ પઠાણે હાઈકોર્ટમાં અપીલ કરતા સિંગલ અને ડબલ બંને બેન્ચે તેમની અપીલ ફગાવી દઈને જંત્રી મુજબ આશરે 20 કરોડ રૂપિયાની કિંમત વસૂલવા અને તાત્કાલિક જમીનનો કબજો ખાલી કરાવવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો.
પરંતુ રાજકીય સમીકરણો બદલાતા અને યુસુફ પઠાણ (Yusuf Pathan) ટીએમસી સાથે છેડો ફાડીને મોદી સરકાર તથા એનડીએના સમર્થનમાં આવતા જ ભાજપના ‘વોશિંગ મશીન’માં તેમના તમામ ગેરકાયદેસર કૃત્યો માફ થઈ ગયા છે. હાઈકોર્ટે જે 20 કરોડની જમીનનો કબજો લેવા આદેશ કર્યો હતો અને જે જમીન ખેડૂતની 40% કપાતમાંથી શાળા, બાગ કે હોસ્પિટલ જેવા લોકઉપયોગી હેતુઓ માટે અનામત રખાઈ હતી, તે જમીન હવે શહેરી વિકાસ વિભાગે ઠરાવ કરીને યુસુફ પઠાણને ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું છે.
આ માટે 500 ચોરસ મીટર જમીન ગીફ્ટમાં આપવાની અને બાકીની 478 ચોરસ મીટર માત્ર 55% બજાર કિંમતે આપવા માટે કોર્પોરેશન આવતીકાલે બોર્ડ બેઠક બોલાવીને ઠરાવ કરવા જઈ રહી છે. અન્ય અર્જુન એવોર્ડ ક્રિકેટરોને આ ઠરાવનો લાભ મળી શકશે નહી, આ ઠરાવ ફક્ટ યુસુફ પઠાણ પુરતો જ કરવામાં આવ્યો છે. એવુ ઠરાવમાં સ્પષ્ટ પણે દર્શાવવામાં આવેલ છે. યુસુફ પઠાણે 2024માં લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભર્યું તેમાં આ ટી.પી. 22, એફ.પી. 90, વડોદરાનું પ્લોટ જે કોર્પોરેશનની માલીકીનું છે.
આ પ્લોટ સોગંદનામાં પોતાનો દર્શાવેલ છે જે ગંભિર બાબત છે. 2014માં આ જ પ્લોટ ગુજરાત સરકારે યુસુફ પઠાણને નહીં ફાળવવા માટે પત્ર મોકલેલ હતો. તો 2024માં લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભર્યું તેમાં આ પ્લોટ યુસુફ પઠાણે (Yusuf Pathan)કઈ રીતે દર્શાવેલ તે જાહેર કરવામાં આવે. ગુજરાત સરકાર અને વડોદરા કોર્પોરેશન પ્લોટ પરનો ગેરકાયદેસરનો કબજો, તેનો દંડ વગેરે માફ કરીને પ્લોટ યુસુફ પઠાણને ભેટ ધરી રહી છે.
અમિત ચાવડાએ (Amit Chavda)ગુજરાત અને વડોદરાની જનતાને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક માટે આ સરકારમાં એક ફૂટ જગ્યા લેવી પણ હિમાલય ચડવા બરાબર છે, જ્યારે મળતિયાઓ માટે પ્રજાના ટેક્સના પૈસાની તિજોરી ખુલ્લી મૂકી દેવામાં આવી છે. જો આ જ રીતે ચાલશે તો પ્રજાની મિલકતો લૂંટાઈ જશે અને તિજોરી ખાલી થઈ જશે. આવતીકાલે બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો આ દરખાસ્તનો સખત વિરોધ કરશે અને તેમ છતાં સરકાર આગળ વધશે તો સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે જનજાગૃતિ ફેલાવી ભાજપ સરકારના બેવડા ધોરણો અને પ્રજાના નાણાંની ખુલ્લેઆમ લૂંટ સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા  હેમાંગ રાવલ, નાગજી દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ પંકજ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રૂત્વિક જોષી, વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, આશીષ જોશી, ડીબેટ પેનાલીસ્ટ મુકેશ પંચાલ સહિતના આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પણ વાંચો: ક્રિકેટર ભાઇઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે રાજકોટમાં ક્રિકેટ એકડમી શરૂ કરી

આ પણ વાંચો: વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ આપવાની દરખાસ્ત મંજૂર, કોંગ્રેસનો વિરોધ; ₹20.53 કરોડની જમીન પર વિવાદ

આ પણ વાંચો: યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાંથી અપીલ કેમ પાછી ખેંચી? વડોદરા જમીન વિવાદમાં આવ્યો મોટો વળાંક