Apple Services Down: વિશ્વભરમાં એપલની વિવિધ ડિજિટલ સેવાઓમાં ટેક્નિકલ ખામી સર્જાતાં આઈફોન, મેકબુક સહિતનાં ઉપકરણો વાપરતા યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો (Apple Outage) હતો. બુધવારની રાતે સર્જાયેલા આ આઉટેજની અસર ભારત સહિત અનેક દેશોમાં જોવા મળી હતી. આ દરમિયાન આઈક્લાઉડ, એપ સ્ટોર, એપલ પે, એપલ મ્યુઝિક અને સપોર્ટ જેવી સેવાઓ ખોરવાઈ હોવાની ફરિયાદો સામે આવી હતી.
Apple Outage: આ સેવાઓમાં સર્જાયો અવરોધ
આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર પર મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાઈ હતી. યુઝર્સે (iPhone Users) એપલની વિવિધ સેવાઓ (Apple Services)નો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોવાની જાણ કરી હતી.
આઈક્લાઉડ: કેટલાક યુઝર્સે એકાઉન્ટમાંથી આપમેળે લોગઆઉટ થવાની અને ફરીથી લોગિન કરવામાં મુશ્કેલી આવતી હોવાની ફરિયાદ કરી હતી.
એપ સ્ટોર: એપ્લિકેશન ડાઉનલોડ અને અપડેટ કરવામાં અડચણો આવી હતી.
એપલ પે: ડિજિટલ પેમેન્ટ કરતી વખતે કેટલાક ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો (Apple Pay) હતો.
એપલ મ્યુઝિક: કેટલાક દેશોમાં યુઝર્સ સંગીત સ્ટ્રીમ કરી શક્યા નહોતા.
ડિવાઇસ એક્ટિવેશન અને ડેવલપર ટૂલ્સ: નવા ડિવાઇસ એક્ટિવેટ કરવામાં તેમજ એપલના ડેવલપર પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલીઓ નોંધાઈ હતી.
એક અઠવાડિયામાં ચોથો મોટો આઉટેજ હોવાનો દાવો
આ ઘટનાને છેલ્લા એક અઠવાડિયામાં ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓ સાથે જોડાયેલી ચોથી મોટી ખામી તરીકે રજૂ કરવામાં આવી છે. અગાઉ માઇક્રોસોફ્ટની સેવાઓમાં આઉટેજ, એરલાઇન્સની સંચાર વ્યવસ્થામાં અવરોધ અને અમેરિકાની બેન્કિંગ સિસ્ટમમાં ટેક્નિકલ સમસ્યાઓ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
ધીમે-ધીમે સેવાઓ થઈ પૂર્વવત
આઉટેજ બાદ એપલની ટેક્નિકલ ટીમે સમસ્યા દૂર કરવા કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ સેવાઓ ધીમે-ધીમે ફરી શરૂ થઈ હોવાનું જણાવાયું હતું. જોકે, આ ટેક્નિકલ ખામી પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે કંપનીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હોવાનું આપેલી માહિતીમાં જણાવાયું છે.
આ ઘટનાએ ફરી એકવાર ડિજિટલ સેવાઓ પર વધતી નિર્ભરતા અને ટેક્નિકલ ખામીઓના કારણે ઊભી થતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું છે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટના આઉટેજથી વિશ્વમાં 7 અબજ ડોલરના નુકસાનનો અંદાજ, 74 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ
આ પણ વાંચો: WhatsApp Web ડાઉન: iPhone યુઝર્સને લોગ-ઇન કરવામાં મુશ્કેલી, જાણો ક્યાર સુધી રહેશે આ સમસ્યા?
આ પણ વાંચો: X (Twitter) ડાઉન: વિશ્વભરના યુઝર્સને આવી મુશ્કેલી
