New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) દેશમાં યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના વ્યસન અંગે ઊંડી ચિંતા (Drug Addiction in India) વ્યક્ત કરી છે. બુધવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરતી વખતે PM મોદી ભાવુક થઈ ગયા હોવાનું સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે દેશના યુવાનોને કોઈપણ કિંમતે ડ્રગ્સના ચુંગાલમાંથી બચાવવા જ જોઈએ. નક્સલવાદ સામે મળેલી સફળતાનો ઉલ્લેખ કરતાં તેમણે ડ્રગ્સની સમસ્યાને પણ સંપૂર્ણપણે નાબૂદ કરવાની હાકલ કરી હતી.
PM Modi: ‘નક્સલવાદ નાબૂદ થઈ શકે તો ડ્રગ્સની સમસ્યા પણ દૂર કરી શકાય’
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં (Cabinet Meeting) યુવાનો પર ડ્રગ્સના વ્યસનની વધતી અસર અંગે ચર્ચા થઈ ત્યારે વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દેશની યુવા પેઢીને ડ્રગ્સના વ્યસનથી બચાવવી જરૂરી છે. નક્સલવાદ સામે મળેલી સફળતાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે જો દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરી શકાય છે, તો ડ્રગ્સની સમસ્યાને પણ જડમૂળથી દૂર કરી શકાય છે.
આ સાથે જ તેમણે મંત્રીઓ અને અધિકારીઓને નક્સલવાદ સામે મળેલી સફળતાને જાળવી રાખવા અને આ સમસ્યા ફરી માથું ન ઊંચકે તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.
‘50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, હવે ફરી ગરીબ ન બને’
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ગરીબી નાબૂદીના (Drug Abuse Among Youth) મુદ્દે પણ ચર્ચા કરી હતી. તેમણે 2014માં પ્રથમ વખત સરકાર બનાવ્યા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં આપેલા ભાષણને યાદ કરતાં કહ્યું કે તેમણે પોતાની સરકારને ગરીબો પ્રત્યે સમર્પિત ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે દેશમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. હવે આ લોકો ફરી ગરીબીના ચક્રમાં ન ફસાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
આ માટે તેમણે લોકોમાં બચત કરવાની આદતને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને કહ્યું કે ભારતીય સમાજમાં બચતની પરંપરા અને આદત મહત્વપૂર્ણ રહી છે, જેને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન રજૂ કરાયાં
લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં સરકારની યોજનાઓ, અત્યાર સુધીની સિદ્ધિઓ અને ભવિષ્યની વ્યૂહરચના અંગે ત્રણ મુખ્ય પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં.
પ્રથમ પ્રેઝન્ટેશન ગરીબી નાબૂદી પર હતું. તેમાં વિશ્વ બેંકના અહેવાલને ટાંકીને દેશમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. નાણા, આર્થિક બાબતો, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને મત્સ્યઉદ્યોગ સહિત 11 મંત્રાલયો તથા વિભાગોના સચિવોએ આ પ્રેઝન્ટેશન આપ્યું હતું.
આ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના, હર ઘર જળ યોજના, ઉજ્જવલા યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ડિજિટલ સેવાઓ, બેંકિંગ સુવિધાઓ અને માળખાગત વિકાસને ગરીબી ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવ્યાં હતાં.
બીજું પ્રેઝન્ટેશન નક્સલવાદ મુક્ત ભારત પર હતું. તેમાં નક્સલવાદ સામે અત્યાર સુધી લેવાયેલા પગલાં, મળેલી સફળતા અને ભવિષ્યની વ્યૂહરચના અંગે માહિતી આપવામાં આવી હતી. જ્યારે ત્રીજું પ્રેઝન્ટેશન પ્રધાનમંત્રી જન ધન યોજના પર કેન્દ્રિત હતું, જેમાં સામાન્ય નાગરિકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવા અને નાણાકીય રીતે સશક્ત બનાવવાનાં પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.
સપ્ટેમ્બરની ચિંતન બેઠકના લક્ષ્યોની પણ સમીક્ષા
કેન્દ્રીય મંત્રી પરિષદે સપ્ટેમ્બરમાં યોજાયેલી ચિંતન બેઠક દરમિયાન નક્કી કરાયેલા લક્ષ્યોની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વહીવટી અને આર્થિક સુધારા માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આસિયાન સમિટમાં ભાગ લઈને મનીલાથી પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદીએ બુધવારે સવારે 10:30 વાગ્યે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં ડ્રગ્સની સમસ્યા, ગરીબી નાબૂદી, નક્સલવાદ, નાણાકીય સશક્તિકરણ અને વહીવટી સુધારા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ASEAN સમિટમાં PM મોદીનો સંદેશ, સ્પર્ધા નહીં સહયોગ જરૂરી
આ પણ વાંચો: મનીલાના 100 વર્ષ જૂના ગુરુદ્વારામાં PM મોદીએ કરી કાર સેવા, પુનર્વિકાસ કાર્યનો કર્યો શુભારંભ
આ પણ વાંચો: ગઢચિરોલીમાં PM મોદીની મોટી જાહેરાત, ₹3,000 કરોડના 246 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
