Amreli News: ગામમાં પાણી જેવી પાયાની સુવિધા માટે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને ગામના ઉપસરપંચ વચ્ચેનો વિવાદ હવે પોલીસ કાર્યવાહી સુધી પહોંચ્યો (Adtala Water Dispute) છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની ફરિયાદ દરમિયાન થયેલી બોલાચાલી બાદ મારામારીના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. વીડિયોમાં ઉપસરપંચ જીતુ વાળા એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો પકડેલા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Adtala Water Dispute: પાણીની સમસ્યાની રજૂઆત કરવા પહોંચ્યા હતા ગ્રામજનો
મળતી માહિતી મુજબ, અડતાળા ગામ (Adtala Village)ના કેટલાક ગ્રામજનોના પ્લોટ વિસ્તારમાં પાણી આવતું ન હોવાથી તેઓ આ સમસ્યાની રજૂઆત કરવા ઉપસરપંચ જીતુ વાળા પાસે પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે રજૂઆત દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જીતુ વાળાએ અપશબ્દો બોલી ધોકો અને રિવોલ્વર સાથે તેમની સામે આવ્યા હતા. આ દરમિયાન મારામારી થઈ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
એક હાથમાં રિવોલ્વર, બીજા હાથમાં ધોકો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જીતુ વાળા એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને જોવા મળતા હોવાનો દાવો છે. ધોકા વડે હુમલો કરવાના દૃશ્યો પણ વીડિયોમાં હોવાની માહિતી સામે આવી છે. વીડિયો વાયરલ થયા બાદ પાણીની સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે થયેલા વર્તનને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ગ્રામજનો પહોંચ્યા પોલીસ સ્ટેશન, પાંચ સામે ફરિયાદ
ઘટનાથી નારાજ ગ્રામજનો મોટી સંખ્યામાં લાઠી પોલીસ (Lathi Police) સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે સમગ્ર મામલે રજૂઆત કરીને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ મામલે લાઠી પોલીસે ઉપસરપંચ જીતુ વાળા સહિત પાંચ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ત્રણ આરોપીઓ ઝડપાયા, બેની શોધખોળ
મળતી માહિતી મુજબ, પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી (Gujarat Crime News) છે. જોકે, મુખ્ય આરોપી જીતુ વાળાની ધરપકડ અંગેના અહેવાલોમાં અલગ-અલગ માહિતી સામે આવી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પાણી જેવી પાયાની સુવિધા અંગેની રજૂઆતથી શરૂ થયેલો આ વિવાદ હવે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: પોઈચાની સુદીપ ન્યુટ્રિશન કંપની સામે મહીસાગર નદીમાં પ્રદૂષિત પાણી છોડવા બદલ કાર્યવાહી
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સુશીયા ગામ પાસે માઇનોર કેનાલમાં ગાબડું, 500 વીઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યાં
આ પણ વાંચો: ચોમાસામાં પાણી ભરાયા બાદ AMC જાગ્યું, સાબરમતી રિવરફ્રન્ટ લાઇનનો કાંપ કાઢવા 10.46 કરોડ મંજૂર
