Jamnagar News: જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા ‘પાપા લુઈસ પિઝા’ (Papa Louis Pizza) રેસ્ટોરન્ટમાં (Jamnagar Pizza Restaurant) પીરસવામાં આવેલા પિઝામાંથી વાળ (Hair in Pizza) અને જીવડું નીકળ્યાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. અનલિમિટેડ પિઝા ખાવા ગયેલા ગ્રાહક શિવરાજસિંહ સોલંકીએ રેસ્ટોરન્ટના સ્ટાફના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવા માટે રાત્રે આશરે 11 વખત ફોન કરવા છતાં સંપર્ક ન થતાં તેમણે પોલીસની મદદ લેવી પડી હતી. બીજા દિવસે સવારે ફૂડ શાખાની કચેરીએ પહોંચ્યા ત્યારે પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
Jamnagar Pizza Restaurant: અનલિમિટેડ પિઝામાં પહેલાં વાળ, પછી જીવડું દેખાયું
શિવરાજસિંહ સોલંકી બે મિત્રો સાથે ગત રાત્રે આશરે 8 વાગ્યે રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ પિઝા ખાવા ગયા હતા. જમતી વખતે પિઝામાંથી વાળ નીકળતાં તેમણે સ્ટાફને જાણ કરી હતી. જોકે, સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારી ન હોવાનું ગ્રાહકનો આક્ષેપ છે.
ત્યારબાદ પીરસવામાં આવેલા અન્ય પિઝા પર જીવડું (Insect in Pizza) દેખાતાં ગ્રાહકોએ ફરી સ્ટાફને ફરિયાદ કરી હતી. આ વખતે સ્ટાફે જીવડું પોતાની તરફથી આવ્યું ન હોવાનું જણાવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મેનેજરે પેમેન્ટ ન આપવાનું કહ્યું હોવાનો આક્ષેપ
મામલો વધતાં રેસ્ટોરન્ટના સ્ટાફે ફોન પર મેનેજર સાથે ગ્રાહકોની વાત કરાવી હતી. ગ્રાહકના જણાવ્યા અનુસાર, મેનેજરે પેમેન્ટ ન આપવા જણાવ્યું હતું. આ અંગે શિવરાજસિંહે સવાલ ઉઠાવ્યો હતો કે ગ્રાહકોને જીવજંતુવાળું અને એક્સપાયરી ડેટવાળું ભોજન પીરસવામાં આવતું હોય તો તે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા સમાન છે.
11 વખત ફોન કરવા છતાં ફૂડ શાખાનો સંપર્ક ન થયો
શિવરાજસિંહના જણાવ્યા મુજબ, તેમણે ગત રાત્રે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવા માટે આશરે 11 વખત ફોન કર્યો હતો. જોકે, તમામ નંબર બિઝી આવતા કોઈની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. આખરે તેમણે 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માગી હતી. પોલીસે તેમને સવારે ફૂડ શાખાની કચેરીએ જઈ લેખિત ફરિયાદ કરવાની સલાહ આપી હતી.
ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે અધિકારી હાજર ન હોવાનો આક્ષેપ
આજે સવારે શિવરાજસિંહ ફૂડ શાખાની કચેરીએ ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કચેરીના પટાવાળાએ અધિકારી આવશે ત્યારે વાત કરાવવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે શિવરાજસિંહે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ફરિયાદ કરવા છતાં ફૂડ શાખાના અધિકારીઓનો સંપર્ક ન થઈ શકતાં અને કચેરીએ પહોંચ્યા ત્યારે પણ અધિકારી હાજર ન હોવાથી તેમણે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ગાર્લિક બ્રેડમાં જીવડું : પીઝા શોપ વિરૂધ્ધ ફરિયાદ
આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ સેફ્ટી ટીમનો મોટો દરોડો: પીઝા પાર્લરમાં ગંદકી, વાસી ખોરાક અને જીવાતોનો ભંડાફોડ
