Bangladesh News: બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વચ્ચે ફરી હિંસા ફાટી (Bangladesh Violence) નીકળી છે. નરાઇલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લાના બેન્દર ચાર ગામમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનાં (Sheikh Hasina Supporters) આશરે 50 ઘર અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. શુક્રવારે બપોરથી મોડી રાત સુધી હુમલાખોરોએ અનેક મકાનોમાં તોડફોડ કરી હતી અને ફર્નિચર, કિંમતી સામાન સહિતની વસ્તુઓ લૂંટી લીધી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પૂર્વ સાંસદ, પૂર્વ મેયર અને અવામી લીગના અન્ય મોટા નેતાઓનાં ઘરોને પણ નિશાન (Houses Burned) બનાવવામાં આવ્યાં હતાં. આ હુમલાઓ પાછળ વડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટી BNPના કાર્યકરો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે અનેક ઘરોમાં આગ લાગવાની માહિતી મળી હતી. રસ્તામાં વૃક્ષો કાપીને નાખવામાં આવ્યાં હોવાથી ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો.
Bangladesh Violence: બે દિવસ પહેલાં BNPના બે નેતાઓની હત્યા
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાની ઘટનાઓ વધી રહી છે. 18 નવેમ્બરની સાંજે બેન્દર ચાર વિસ્તારમાં BNPના કાર્યકરોની મોટરસાઇકલ રેલી પર હુમલો થયો હતો. આ રેલી અવામી લીગની હિંસક પ્રવૃત્તિઓના વિરોધમાં કાઢવામાં આવી હતી. હુમલા દરમિયાન રેલીમાં સામેલ અનેક મોટરસાઇકલોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં બે લોકોનાં મોત થયાં હતાં. BNPના નેતાઓ અને કાર્યકરોએ આ હુમલા માટે અવામી લીગના સભ્યોને જવાબદાર ઠેરવ્યા હતા.
આ ઉપરાંત 18 નવેમ્બરની રાત્રે ચટગાંવમાં વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને પણ આગ લગાવી દેવામાં આવી હતી.
વિદેશ રાજ્યમંત્રી હુમાયૂન કબીરના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો
20 નવેમ્બરે બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયૂન કબીરના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવવામાં આવી હતી. ઘટના સમયે કબીર ઘરમાં હાજર નહોતા. તેમણે આ હુમલા માટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને જવાબદાર ઠેરવી હતી અને પાર્ટીને આતંકવાદી સંગઠન ગણાવી હતી.
ગોપાલગંજમાં પણ હિંસાની અનેક ઘટનાઓ
શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં 15 નવેમ્બરથી જ તણાવની સ્થિતિ છે. અહીં અવામી લીગના સમર્થકોએ રેલી કાઢી હતી, જે દરમિયાન પોલીસનાં વાહનો અને બૂથોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ 17 નવેમ્બરે એક પોલીસ સ્ટેશન અને અનેક ઘરોમાં આગ લગાવવામાં આવી હતી.
19 નવેમ્બરે સ્થિતિ વધુ વણસી હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન, ગ્રામીણ બેંકની શાખા અને અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાઓ બાદ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
શેખ હસીનાના ડિસેમ્બરમાં વતન પરત ફરવાના નિવેદન બાદ તણાવ
બાંગ્લાદેશમાં 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. 5 ઓગસ્ટ 2024ના રોજ તેઓ ભારત આવી ગયાં હતાં અને ત્યારથી અહીં જ રહે છે. તેમના ગયા બાદ મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન અવામી લીગ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો હતો. ચૂંટણી બાદ તારિક રહેમાન વડાપ્રધાન (Tarique Rahman BNP) બન્યા અને તેમની સરકારે પણ આ પ્રતિબંધ યથાવત્ રાખ્યો છે.
શેખ હસીનાએ જુલાઈ 2026માં ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની અને ત્યાંની અદાલતમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મહિને તેમણે ફરીથી કોઈ પણ સંજોગોમાં ડિસેમ્બરમાં પરત ફરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ નિવેદનો બાદ દેશમાં રાજકીય તણાવ વધ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અગાઉ હસીનાએ નવા પાસપોર્ટ અને ઓળખપત્રની માગ કરી હતી, જોકે બાંગ્લાદેશ સરકારે તેમની માગ સ્વીકારી નહોતી. ત્યારબાદ અવામી લીગે સરકારના વિરોધમાં પ્રદર્શન, રેલીઓ અને દેશવ્યાપી બંધનું એલાન આપ્યું હતું.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી હિંસા! ઢાકા એરપોર્ટ નજીક 2 બોમ્બ બ્લાસ્ટ, 3 ઘાયલ
આ પણ વાંચો: હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભડકો, 28 જિલ્લામાં બોમ્બ ધડાકા; યુનુસના પૈતૃક મકાનને આગ
આ પણ વાંચો: શેખ હસીનાની વાપસી માટે ભારતે મૂકી 2 શરતો? બાંગ્લાદેશી સેના અને ન્યાયી ટ્રાયલ પર ભાર
