bangladesh news/ હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભડકો, 28 જિલ્લામાં બોમ્બ ધડાકા; યુનુસના પૈતૃક મકાનને આગ

Bangladesh Violence: શેખ હસીનાની ડિસેમ્બરમાં વાપસીના એલાન વચ્ચે બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. 28 જિલ્લાઓમાં બોમ્બ ધડાકા અને આગચંપીની ઘટનાઓ વચ્ચે મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં પણ આગ લગાવવામાં આવી.

Top Stories World
Bangladesh Violence: બાંગ્લાદેશમાં 28 જિલ્લાઓમાં બોમ્બ ધડાકા, યુનુસના મકાનમાં આગથી વધ્યો તણાવ

Bangladesh News: બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ફરી હિંસક વળાંક લઈ રહ્યો (Bangladesh Violence) છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની ડિસેમ્બરમાં દેશ પરત ફરવાની જાહેરાત અને તેમની પાર્ટી અવામી લીગના 19 નવેમ્બરના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના એલાન વચ્ચે અનેક વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને બોમ્બ ધડાકા (Bangladesh Bomb Blasts)ની ઘટનાઓ સામે આવી છે. રાજધાની ઢાકા સહિત દેશના 28 જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસ દરમિયાન હિંસાની ઘટનાઓ નોંધાઈ છે.

Bangladesh Violence: મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં આગ

ચટગાંવના પાંચલાઈશ વિસ્તારમાં પૂર્વ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં બુધવારે રાત્રે આગ લગાવવામાં આવી (Muhammad Yunus House Fire) હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મકાનના ભોંયતળિયે આવેલા એક ખાલી રૂમમાં આગ લાગી હતી. પેટ્રોલ બોમ્બથી આગ લગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ છે, પરંતુ તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. પોલીસે આગ પર કાબૂ મેળવી તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરીદપુર સહિતના વિસ્તારોમાં યુનુસની ગ્રામીણ બેંકની શાખાઓને પણ નિશાન બનાવવામાં આવી હોવાના અહેવાલ છે. 10 નવેમ્બરથી અત્યાર સુધીમાં ગ્રામીણ બેંકની ઓછામાં ઓછી 37 કચેરીઓ પર હુમલા થયાની માહિતી સામે આવી છે.

28 જિલ્લાઓમાં બોમ્બ ધડાકા, આગચંપીથી અફરાતફરી

બાંગ્લાદેશના 64 વહીવટી જિલ્લાઓમાંથી 28માં દેશી બોમ્બના ધડાકા અને વાહનોને આગ ચાંપવાની ઘટનાઓ નોંધાઈ છે. નરાઈલ જિલ્લામાં BNPની રેલી દરમિયાન થયેલા હુમલામાં બે સ્થાનિક નેતાઓનાં મોત થયાના અહેવાલ છે. આ ઉપરાંત ફરીદપુર અને પિરોજપુરમાં પણ એક BNP નેતા અને એક પરિવહન કર્મચારીનાં મોત થયાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઢાકામાં થયેલી કેટલીક ઘટનાઓમાં લોકો ઘાયલ પણ થયા છે.

બીજી તરફ, કેટલીક જગ્યાએ અવામી લીગના કાર્યાલય અને નેતાઓનાં નિવાસસ્થાનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં છે. આ હિંસાને કારણે જાહેર પરિવહન અને સામાન્ય જનજીવન પર પણ અસર પડી રહી છે.

શેખ હસીનાની વાપસીના એલાનથી વધ્યો રાજકીય તણાવ

5 ઓગસ્ટ 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકારનું પતન થયું હતું. ત્યારથી તેઓ ભારતમાં છે. વર્ષ 2025માં બાંગ્લાદેશના વિશેષ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં તેમને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

તાજેતરમાં શેખ હસીનાએ ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પરત (Sheikh Hasina Return) ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની આ જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. અવામી લીગે 19 નવેમ્બરે દેશવ્યાપી લોકડાઉનનું એલાન આપ્યું હતું. આ કાર્યક્રમ પહેલાં જ અનેક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બનતાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

વડાપ્રધાન તારિક રહેમાનની ચેતવણી, સુરક્ષા વધારાઈ

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને બુધવારે સંસદમાં અવામી લીગ પર હિંસા અને તોડફોડને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લોકતાંત્રિક દળોને એકજૂટ થવાની અપીલ કરી હતી. બીજી તરફ, ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે હિંસામાં સામેલ લોકો સામે પુરાવાના આધારે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

હિંસાની આશંકાને પગલે ઢાકા સહિત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના જવાનોને પણ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તપાસ અને ધરપકડની કાર્યવાહી ચાલુ છે. લોકડાઉનના દિવસે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તંત્ર એલર્ટ પર છે.


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી હિંસા! ઢાકા એરપોર્ટ નજીક 2 બોમ્બ બ્લાસ્ટ, 3 ઘાયલ

આ પણ વાંચો: શેખ હસીનાની વાપસી માટે ભારતે મૂકી 2 શરતો? બાંગ્લાદેશી સેના અને ન્યાયી ટ્રાયલ પર ભાર

આ પણ વાંચો: બાંગ્લાદેશની હિંસા: પડોશીના આગની ઝાળ આપણે ત્યાં ન લાગે તે જોવું જરૂરી