Bangladesh News : બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ફરી હિંસાની ઘટનાઓ (Bangladesh Violence)સામે આવી છે. રાજધાની ઢાકામાં આવેલા હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સોમવારે રાત્રે બે દેશી બોમ્બ વિસ્ફોટ (Bomb Blasts)થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ રાહદારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) સંભવિત સ્વદેશ વાપસી અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે બનેલી આ ઘટનાએ દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે.
ઢાકા એરપોર્ટ નજીક બે સ્થળે બોમ્બ વિસ્ફોટ
પોલીસના જણાવ્યા અનુસાર, પહેલો ધડાકો એરપોર્ટના બહારના ગેટ પાસે થયો હતો, જ્યારે બીજો વિસ્ફોટ (Bomb Blasts)જસીમુદ્દીન વિસ્તારના ફ્લાયઓવર નજીક થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, અજાણ્યા શખ્સોએ ફ્લાયઓવર પરથી દેશી બોમ્બ ફેંક્યા હતા. આ બંને ઘટનાઓમાં ત્રણ રાહદારીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, એરપોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી કમરુલ ઈસ્લામ તાલુકદારે આ ઘટનામાં અસામાજિક તત્ત્વોની સંડોવણી હોવાની વાત જણાવી હતી. જોકે, આ વિસ્ફોટોનો (Bomb Blasts)શેખ હસીનાની સંભવિત વાપસી સાથે કોઈ સીધો સંબંધ છે કે નહીં તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. ઘટનાને પગલે એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શેખ હસીનાની વાપસીની ચર્ચા વચ્ચે દેશભરમાં તણાવ
બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ ફરી તંગ બની રહી છે. શેખ હસીનાના (Sheikh Hasina) સંભવિત આગમન અંગેની ચર્ચાઓ વચ્ચે દેશના વિવિધ વિસ્તારોમાં ટ્રેનો, બસો અને બેંકોમાં તોડફોડ તથા આગચંપીની ઘટનાઓ બની રહી છે.
પોલીસે આ હિંસક પ્રવૃત્તિઓ પાછળ પ્રતિબંધિત અવામી લીગના કાર્યકરોની સંડોવણી હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, પોલીસ મહાનિર્દેશક મોહમ્મદ અલી હુસૈન ફકીરે તમામ 64 જિલ્લાના પોલીસ વડાઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા તોફાની તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ દેશભરમાં દેખરેખ વધારવામાં આવી છે.
ગોપાલગંજમાં 2,000 પોલીસકર્મીઓ તૈનાત
શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં (Gopalganj Violence)પણ છેલ્લા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ છે. 10 નવેમ્બરથી અહીં અથડામણ અને પોલીસ વાહનોને આગ ચાંપવાની ઘટનાઓ નોંધાઈ રહી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંદાજે 2,000 પોલીસકર્મીઓ ઉપરાંત બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની 10 ટુકડીઓ અને સ્પેશિયલ રિસ્પોન્સ બટાલિયન (SRB)ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઢાકા રેન્જના ડીઆઈજી મોહમ્મદ મુસ્તફિઝુર રહેમાનના જણાવ્યા મુજબ, પદ્મા બ્રિજ, હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.
પાસપોર્ટ અરજીથી વાપસીની અટકળો, પ્રત્યર્પણનો મુદ્દો પણ ગરમાયો
79 વર્ષીય શેખ હસીનાએ (Sheikh Hasina)ગયા અઠવાડિયે નવી દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ હાઈ કમિશનને ઈમેઇલ કરીને નવા પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને તેમની સંભવિત વાપસીની તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ બાંગ્લાદેશ છોડીને ભારત આવેલા શેખ હસીનાને ત્યાંની વિશેષ ટ્રિબ્યુનલે તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમને ભાગેડુ ગણાવી પ્રવાસ દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, ભારતે બાંગ્લાદેશ તરફથી હસીનાના પ્રત્યર્પણની વિનંતી મળી હોવાની પુષ્ટિ કરી છે.
વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ કામદારો રસ્તા પર
રાજકીય સંકટની સાથે બાંગ્લાદેશમાં આર્થિક અને ઔદ્યોગિક અસંતોષ પણ વધી રહ્યો છે. ઢાકાના મીરપુર વિસ્તારમાં ગારમેન્ટ ફેક્ટરીના કામદારોએ લઘુત્તમ માસિક વેતન વધારીને 30,000 ટકા કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ રસ્તા પર અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરતાં પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
આમ, એક તરફ શેખ હસીનાની વાપસી અને પ્રત્યર્પણનો મુદ્દો ચર્ચામાં છે, તો બીજી તરફ બોમ્બ વિસ્ફોટ (Bomb Blasts), રાજકીય અથડામણો અને કામદારોના દેખાવોએ બાંગ્લાદેશમાં અસ્થિરતા વધારી છે.
આ પણ વાંચો: હજારીબાગના હબીબીનગરમાં બોમ્બ વિસ્ફોટ થયો, જમીનમાં દટાયેલું હતું બોમ્બ, ત્રણના મોત એક ગંભીર ઘાયલ
આ પણ વાંચો: અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો આરોપી પણ અલ ફલાહ યુનિ.નો જ હતો
આ પણ વાંચો: આતંકવાદી ઉમર તુર્કીમાં એક સીરિયાઇ આતંકવાદીને મળ્યા હતો, ત્યાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડ્યું હતું
