World News/ નાઈજિરિયામાં બોટ દુર્ઘટનામાં 24નાં મોત, અંતિમ સંસ્કારમાં જતાં લોકો બન્યા કાળનો કોળિયો

નાઈજિરિયાના દક્ષિણ વિસ્તારમાં આવેલા બાયેલસા (Bayelsa)રાજ્યમાં શુક્રવારે આ દુર્ઘટના (Nigeria Boat Accident))બની હતી.

World
દક્ષિણ આફ્રિકાના દેશ નાઈજિરિયામાં એક મોટી બોટ દુર્ઘટના (Nigeria Boat Accident)સર્જાઈ છે

World News : દક્ષિણ આફ્રિકાના દેશ નાઈજિરિયામાં એક મોટી બોટ દુર્ઘટના (Nigeria Boat Accident)સર્જાઈ છે. અહીં અંતિમ સંસ્કારમાં સામેલ થવા જઈ રહેલા મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી જતાં 24 લોકોનાં મોત (24 Dead)થયા છે. આ અકસ્માતમાં 24 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા શોધ અને બચાવ કામગીરી (Rescue Operation)હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, બચી ગયેલા મુસાફરોએ બોટના ચાલક પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે.

બાયેલસા રાજ્યમાં સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, નાઈજિરિયાના દક્ષિણ વિસ્તારમાં આવેલા બાયેલસા (Bayelsa)રાજ્યમાં શુક્રવારે આ દુર્ઘટના (Nigeria Boat Accident))બની હતી. મુસાફરોથી ભરેલી બોટ એક સમુદાયમાંથી બીજા સમુદાયમાં જઈ રહી હતી. મુસાફરો નજીકના ગામમાં યોજાનારી અંતિમવિધિમાં સામેલ થવા માટે નીકળ્યા હતા. જોકે, રસ્તામાં જ બોટ પાણીમાં પલટી ગઈ હતી.

નાઈજિરિયાની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા માંઝો એજેકીએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી (Rescue Operation)શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 24 મૃતદેહ (24 Dead)મળી આવ્યા છે અને 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે, બોટમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા અને હજુ કેટલા લોકો લાપતા છે તે અંગે સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

ટેકનિકલ ખામી બાદ બોટ ચાલક ભાગી ગયો હોવાનો આરોપ

આ અકસ્માતને લઈને બચી ગયેલા મુસાફરોએ બોટના ચાલક સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મુસાફરોના જણાવ્યા અનુસાર, બોટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સ્થિતિમાં મુસાફરોએ ચાલકને બોટ કિનારા તરફ લઈ જવા વિનંતી કરી હતી, પરંતુ તેણે તેમની વાત સાંભળી નહોતી.

મુસાફરોનો એવો પણ આરોપ છે કે મુશ્કેલી વધતાં બોટ ચાલક તેમને જોખમમાં મૂકીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ પ્રવક્તા મૂસા મોહમ્મદના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બોટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બોટના મેનેજરને કસ્ટડીમાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સરકારે બોટ મુસાફરીમાં સુરક્ષા વધારવા અપીલ કરી

દુર્ઘટના બાદ બાયેલસા રાજ્ય સરકારે બોટ સંચાલકો અને મુસાફરોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. રાજ્યના માહિતી કમિશનર એબિયુવો કોકુ-ઓબિયાઈએ શનિવારે નિવેદન જાહેર કરીને બોટ સંચાલનમાં થતી બેદરકારી સામે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા, બેદરકારીપૂર્વક ઝડપથી બોટ ચલાવવી અને લાઇફ જેકેટ વિના મુસાફરી કરવી જેવી બાબતો ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષાના નિયમોનું કડક પાલન જરૂરી છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ મુસાફરી માનવજીવન કરતાં વધુ મહત્ત્વની નથી. હાલ પોલીસ અને બચાવ ટીમો દ્વારા લાપતા લોકોની શોધખોળ (Rescue Operation)ચાલુ છે. આ દુર્ઘટનાએ નાઈજિરિયામાં જળમાર્ગે મુસાફરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો: વૈશાલીમાં બોટ દુર્ઘટનાથી 14 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

આ પણ વાંચો: હરણી તળાવ ગોઝારી બોટ દુર્ઘટના: આરોપીનું કોર્ટના હુકમનું ઉલ્લંઘન, રાજસ્થાનમાં પ્રવાસના CCTV ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો: વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં, 2 કમિશનર સામે પગલાં ભરવા કર્યો આદેશ