World News : અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (Iran War)અસર હવે દરિયાઈ માર્ગો અને પર્યાવરણ પર પણ જોવા મળી રહી છે. આ દરમિયાન બ્રિટિશ તરવૈયા લુઇસ પ્યુએ (Lewis Pugh) માત્ર ત્રણ દિવસમાં આશરે 15 કિલોમીટરનું અંતર તરીને હોર્મુઝની ખાડી (Hormuz Strait) પાર કરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. 56 વર્ષના લુઇસે પોતાની આ જોખમી સફર દરમિયાન દરિયામાં જહાજો પર થતા હુમલા, આગની જ્વાળાઓ અને દરિયાઈ જીવસૃષ્ટિ પર તોળાતા ખતરાને નજીકથી જોયા હતા.
3 દિવસની સફરમાં જોયું યુદ્ધનું ભયાનક દૃશ્ય
લુઇસ પ્યુએ મુસંદમ દ્વીપકલ્પથી કેપ ઓફ હોર્મુઝ (Hormuz Strait) )સુધીનું આશરે 15 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. યુદ્ધ શરૂ થયા બાદ આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં લાંબા અંતરનું સ્વિમિંગ (Hormuz Swimming)કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે.
માત્ર સ્વિમિંગ ટ્રંક્સ, ગોગલ્સ અને સંયુક્ત રાષ્ટ્રના લોગોવાળી ટોપી પહેરીને તેમણે ત્રણ દિવસમાં કુલ સાડા છ કલાક સુધી સ્વિમિંગ (Hormuz Swimming)કર્યું હતું. જોકે, આ સફર સામાન્ય નહોતી. 16 નવેમ્બરે પાણીમાં ઉતર્યાની થોડી જ મિનિટોમાં તેમને બે જોરદાર ધડાકા સંભળાયા હતા. ત્યારબાદ આશરે ચાર કિલોમીટર દૂર એક ઓઇલ ટેન્કર પર હુમલો (Oil Tanker Attack)થયેલો જોવા મળ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતાં તેમની ટીમે તાત્કાલિક વિસ્તાર છોડવો પડ્યો હતો.
આગમાં લપેટાયેલા જહાજો અને હુમલાની ભયાનકતા
લુઇસના જણાવ્યા અનુસાર, સ્વિમિંગ દરમિયાન તેઓ એક એવા જહાજ પાસેથી પણ પસાર થયા હતા, જે હુમલા બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. બીજા દિવસે બંદર તરફ પાછા ફરતી વખતે એક ગેસ વહન કરતા જહાજ પર પણ હુમલો થતો તેમણે જોયો હતો.
હુમલા બાદ દરિયામાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી અને જહાજની આસપાસના પાણીમાં આગની જ્વાળાઓ દેખાતી હતી. લંડન પરત ફર્યા બાદ તેમણે આ અનુભવો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે દરિયામાં જે દૃશ્યો જોયાં તે અત્યંત ચિંતાજનક હતાં.
ડોલ્ફિન અને કાચબાઓના અસ્તિત્વ સામે ખતરો
લુઇસ પ્યુએ (Lewis Pugh)હોર્મુઝની ખાડીને માત્ર આંતરરાષ્ટ્રીય વેપારનો માર્ગ નહીં, પરંતુ અમૂલ્ય કુદરતી ધરોહર ગણાવી હતી. તેમના મતે, યુદ્ધ દરમિયાન ક્ષતિગ્રસ્ત ઓઇલ ટેન્કરમાંથી થતા તેલના લીકેજથી દરિયાઈ પર્યાવરણને લાંબા સમય સુધી નુકસાન થઈ શકે છે.
તેલનું પ્રદૂષણ ડોલ્ફિન, કાચબા, પરવાળાના ખડકો અને મેન્ગ્રોવ જંગલો માટે ગંભીર ખતરો બની શકે છે. સ્વિમિંગ દરમિયાન લુઇસે પોતાની બોટની પાછળ ડોલ્ફિનનાં મોટાં ટોળાં, કાચબા અને દરિયાઈ પક્ષીઓ પણ જોયાં હતાં. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે યુદ્ધની સીધી અસરથી આ કુદરતી સંપત્તિ જોખમમાં મુકાઈ શકે છે.
વિશ્વના તેલ વેપાર માટે હોર્મુઝનું મહત્ત્વ
હોર્મુઝની ખાડી (Hormuz Strait) વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. યુદ્ધ પહેલાં વિશ્વના કુલ તેલ વેપારનો આશરે પાંચમો ભાગ આ માર્ગેથી પસાર થતો હતો. ઈરાન દ્વારા આ વિસ્તારમાં નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસો અને જહાજો પરના હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને દરિયાઈ સુરક્ષા સામે પડકાર ઊભો થયો છે.
લુઇસ પ્યુ છેલ્લા 40 વર્ષથી દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ એન્ટાર્કટિકા, ઉત્તર ધ્રુવ અને લાલ સમુદ્ર સહિતના વિસ્તારોમાં સ્વિમિંગ કરી ચૂક્યા છે. તેમની આ અનોખી પહેલને ‘સ્પીડો ડિપ્લોમસી’ તરીકે ઓળખવામાં આવે છે. હોર્મુઝમાં જોખમી સ્વિમિંગ (Hormuz Swimming)બાદ તેમણે દુનિયાને યુદ્ધ રોકવા, દરિયાઈ માર્ગ ફરીથી ખોલવા અને સમુદ્રમાં ફેલાયેલા પ્રદૂષણની સફાઈ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો:3 મહિનાના લોડિંગ બાદ હોર્મુઝની ખાડી પાર કરી જહાજ દિશા ગુજરાતના દહેજ પોર્ટ પહોંચ્યું
આ પણ વાંચો: હોર્મુઝની ખાડી ખૂલી ગઈઃ અમેરિકા-ઇરાન થયા સંમત
આ પણ વાંચો: હોર્મુઝની ખાડી શું છે, ઇરાને બંધ કરી હોત તો ભારત પર શું અસર થાત?
