Ahmedabad News : ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, (Gujarati Poet)ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લનું (Rajendra Shukla)અમદાવાદમાં 84 વર્ષની વયે નિધન (Rajendra Shukla Death)થયું છે. આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી સાહિત્ય જગત અને કાવ્યપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી છે. આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી થલતેજ સ્મશાનગૃહ સુધી અંતિમયાત્રા નીકળશે.
રાજેન્દ્ર અનંતરાય શુક્લ: ગુજરાતી કવિતાનો અનોખો અવાજ
રાજેન્દ્ર શુક્લનું (Rajendra Shukla)પૂરું નામ રાજેન્દ્ર અનંતરાય શુક્લ હતું. તેમનો જન્મ 12 ઓક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં થયો હતો. ગુજરાતી કવિતા અને ગઝલના ક્ષેત્રમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમની રચનાઓમાં ભાષાની ઊંડાઈ, સંવેદનશીલતા અને વિચારપ્રધાન અભિવ્યક્તિ જોવા મળતી હતી. તેમના પત્ની નયના જાની પણ જાણીતા ગુજરાતી કવયિત્રી છે.

અધ્યાપનથી કાવ્યસર્જન સુધીની સફર
રાજેન્દ્ર શુક્લએ અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત તથા પ્રાકૃત વિષયો સાથે અનુસ્નાતક (એમ.એ.)નો અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1982 સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. ત્યારબાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પોતાનો સંપૂર્ણ સમય સાહિત્ય અને કાવ્યસર્જનને સમર્પિત કર્યો હતો. તેમની સર્જનયાત્રાએ ગુજરાતી કવિતાને અનેક યાદગાર કૃતિઓ આપી છે.
તેમની રચનાઓ આજે પણ સાહિત્યપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે
રાજેન્દ્ર શુક્લની (Rajendra Shukla)સર્જનાત્મક પ્રતિભા અનેક કાવ્યસંગ્રહો અને સાહિત્યિક કૃતિઓમાં પ્રતિબિંબિત થાય છે. તેમના જાણીતા સર્જનોમાં ‘ગિરનારની તળેટી’, ‘કોમલ રિષભ’, ‘સ્વવાચકની શોધ’, ‘અંતર ગાંધાર’ અને ‘ગઝલસંહિતા’નો સમાવેશ થાય છે. તેમની કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં કાવ્યાત્મક અભિવ્યક્તિ, ભાષાની વિશિષ્ટતા અને ચિંતન માટે આગવું સ્થાન ધરાવે છે.
અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત થયા
ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ રાજેન્દ્ર શુક્લને અનેક મહત્વના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2006માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો હતો. 2007માં ‘ગઝલસંહિતા’ (Ghazal Sanhita)માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. 2008માં નર્મદ સુવર્ણચંદ્રક અને 2009માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડથી તેઓ સન્માનિત થયા હતા. આ ઉપરાંત કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ તેમને મળ્યાં હતાં.
રાજેન્દ્ર શુક્લનું અવસાન (Rajendra Shukla Death)ગુજરાતી સાહિત્ય માટે એક મોટી ખોટ છે. તેમનું સાહિત્ય, કવિતાઓ અને ગઝલો આવનારી પેઢીઓ સુધી ગુજરાતી ભાષાની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખશે.
