Today Special: આજે 21 માર્ચના રોજ વિશ્વભરમાં ‘વર્લ્ડ પોએટ્રી ડે’ અર્થાત્ ‘વિશ્વ કવિતા દિવસ’ (World Poetry Day) ઉજવવામાં આવે છે. કવિતા એટલે માત્ર શબ્દરચના નથી… પણ લાગણીઓ, વિચારો અને સંસ્કૃતિને વ્યક્ત કરવાની એક શક્તિશાળી કળા છે.
જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
એક દ્રશ્યની પરિકલ્પના કરો…એક શાંત સાંજ છે અને એક કવિરાજ પોતાની ડાયરીમાં શબ્દો ગૂંથી રહ્યા છે. આ શબ્દો કેવળ લખાણ નથી…પણ તેની લાગણીઓ, અનુભવ અને સમાજ વિશેના વિચારોનું પ્રતિબિંબ છે.
આ જ કવિતાની શક્તિ છે અને આ જ સર્જનાત્મકતા (Creativity)ને ઉજવવા માટે દર વર્ષે 21 માર્ચે ‘વર્લ્ડ પોએટ્રી ડે’ ઉજવાય છે.
કવિતા સાહિત્ય (Literature)નો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે માત્ર મનોરંજન પૂરતી નથી હોતી પણ સમાજને વિચારવા માટેની પ્રેરણા પણ આપે છે.

માનવજીવનમાં કવિતાનું મહત્વ
માનવજીવનમાં કવિતાનું મહત્વ મુદ્દાસર જોઇએ તો, એ છે…
1. લાગણીઓ વ્યક્ત કરવાની શક્તિશાળી રીત
2. ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ
3. સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો વિકાસ
4. સમાજના મુદ્દાઓને રજૂ કરવાની શક્તિ
આ જ કારણે, કવિતા સદીઓથી માનવ સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ રહી છે.
ભારતની કાવ્ય પરંપરા અતિ પ્રાચીન અને સમૃદ્ધ છે. દેશમાં અનેક મહાન કવિઓ જેવા કે, રવીન્દ્રનાથ ટાગોર, હરિવંશરાય બચ્ચન અને નરસિંહ મહેતા (Rabindranath Tagore, Harivansh Rai Bachchan and Narasimha Mehta) જેવા જન્મજાત કવિઓએ પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
આ કવિઓની પ્રેરક રચનાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છે.

‘વર્લ્ડ પોએટ્રી ડે’ (World Poetry Day)નો મુખ્ય ઉદ્દેશ્ય
કવિ પોતાના શબ્દો દ્વારા સમાજના વિચારો, લાગણીઓ અને સંઘર્ષોને વ્યક્ત કરે છે. ‘વર્લ્ડ પોએટ્રી ડે’નો મુખ્ય હેતુ વિષય (Theme) પણ એ જ છે કે, નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવું અને કવિતાની પરંપરા (Poetry Tradition)ને આગળ વધારવી.
આ દિવસ દુર્લભ ભાષાઓના સંરક્ષણ અને કવિઓના યોગદાનને સન્માનિત કરવા પર કેન્દ્રિત છે. કાવ્યોના માધ્યમથી સામાજીક સુધારણા, શાંતિ અને માનવીય સંવેદનાઓ (Humane Feelings)ને જાગૃત કરનારી વૈશ્વિક રચનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.

‘વર્લ્ડ પોએટ્રી ડે’નો ઇતિહાસ
વિશ્વ કવિતા દિવસ 2026 પ્રતિ વર્ષ દુનિયાભરમાં 21 માર્ચે મનાવવામાં આવે છે અને પદ્યરસમાં ડૂબવાનો અનોખો અવસર છે… એ પછી વાંચવા, લખવા અથવા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા અન્ય સાથી મિત્રો સાથે કવિતાઓને શૅર કરવા અંગે ભલે ને હોય!
નવેમ્બર 1999ના વર્ષમાં યુનેસ્કો (UNESCO)એ આ દિવસ 21 માર્ચના રોજ મનાવવાનો નિર્ણય લીધો હતોય આ સંગઠને દુનિયાભરમાં કળા અને સંસ્કૃતિમાં કવિતાની ભૂમિકાના મહત્વને ઉજાગર કરવાની માન્યતા પ્રદાન કરી હતી. આ દિવસનો હેતુ કવિતા પઠનની મૌખિક પરંપરાને પુનર્જીવિત કરવા અને કવિતા, નૃત્ય, સંગીત તથા ચિત્રકળા (Poetry, Dance, Music and Painting) જેવી અન્ય સંવેદનાઓની અભિવ્યક્તિના સ્વરુપોના સંબંધોને મજબૂત કરવાનો પણ હતો.
સૌપ્રથમ વિશ્વ કવિતા દિવસ 21 માર્ચ 2000ના વર્ષે મનાવવામાં આવ્યો હતો.
કવિતા માનવ જીવનના સુખ, દુઃખ, પ્રેમ અને સંઘર્ષને શબ્દોમાં ઢાળવાની એક અનોખી કળાત્મક રીત છે. કળા અને સાહિત્યને પ્રોત્સાહિત કરવા માટે યુનેસ્કો (UNESCO)દ્વારા ‘વર્લ્ડ પોએટ્રી ડે’ ઉજવવાની શરૂઆત કરવામાં આવી.

શી રીતે થાય છે ‘વિશ્વ કવિતા દિવસ’ની ઉજવણી?
આ દિવસે અને આસપાસના સમયગાળામાં સરકારી એજન્સીઓ, શિક્ષણવિદો, સમુદાયો અથવા વ્યક્તિગત રીતે આ દિવસને મનાવીને કાવ્ય રચવાની કળાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ દિવસે બાળકોને કવિતાઓથી વિશેષ રુપે પરિચિત કરાવવામાં આવે છે.
ગુજરાતી સાહિત્યમાં પણ કવિતાની પરંપરા અત્યંત સમૃદ્ધ છે. આજના ડિજિટલ યુગમાં પણ કવિતાએ પોતાની ઓળખ જાળવી રાખી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (Social Media Platform) પર યુવા કવિઓ, કવિતા સ્પર્ધાઓ અને ઓપન મંચ કાર્યક્રમો દ્વારા કવિતાને નવી ઓળખ પ્રાપ્ત થઇ રહી છે.
ઘણી શાળાઓ અને કોલેજોમાં ‘વર્લ્ડ પોએટ્રી ડે’ નિમિત્તે કવિતા પાઠ અને સાહિત્યિક કાર્યક્રમો પણ યોજાય છે.
સાહિત્ય નિષ્ણાતોના મતે, કવિતા માત્ર એક કળા નથી પણ સમાજનું સાચું પ્રતિબિંબ છે જે ઘણી વાર સાંભળનારાના હ્યદયને ઝંઝોડી મૂકે છે અને જીવનની દિશા પણ બદલી નાખે છે!
અંતે નિષ્કર્ષ એ છે કે, કવિતા શબ્દોની એવી શક્તિ છે જે માનવ મનને સ્પર્શે છે અને સમાજને વિચારવા માટે પ્રેરણા આપે છે. ‘વર્લ્ડ પોએટ્રી ડે’ આપણે એ બાબતની અનુભૂતિ કરાવે છે કે, થોડાં શબ્દોમાં છુપાયેલી શક્તિ સમગ્ર દુનિયાને બદલવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: આજે રિસાયકલ કરો…આગામી પેઢીનું ભવિષ્ય બચાવો…આજે 18 માર્ચે ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ની વૈશ્વિક ઉજવણી..!
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
