Today Special: ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ પ્રત્યેક વર્ષે 15 માર્ચ (World Consumer Rights Day 2026, 15 March)ના રોજ મનાવવામાં આવે છે. આ વિશેષ અવસર ગ્રાહક અને ઉપભોક્તાઓના અધિકારો વિષયક ઉજવણીનો અને એને સંરક્ષિત કરવાના પ્રયાસોનો દિન છે.
તમે ઘણી વાર જોયું હશે કે, અમુક દુકાનો કે સેવાઓ આપતી ઓફિસ બહાર લખેલું હોય છે, ‘ગ્રાહક ભગવાન છે’ (Consumer is God)! આ ‘વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે’ મનાવવા પાછળનો હેતુ, દુનિયાભરના તમામ ગ્રાહકો અને ઉપભોક્તાઓના અધિકારોની રક્ષા કરવાનો અને એમનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત, સામાજીક અન્યાય અને માર્કેટના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવાનો પણ એક વિશેષ અવસર છે.
‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ (World Consumer Rights Day 2026)નો ઉદ્દેશ્ય
આ વિશેષ દિવસનો ઉદ્દેશ્ય ગ્રાહકોમાં એમના અધિકારો જેમ કે, સુરક્ષા, જાણકારી, પસંદગી અને ફરિયાદ નિવારણ પ્રત્યે જાગૃતિ (Consumer Awareness) કેળવવાનો અને અનુચિત વેપાર ગતિવિધિઓથી બચાવવાનો છે.
આજના ડિજીટલ યુગમાં ઑનલાઇન ફ્રોડ, ફિશિંગ અને સાયબર સુરક્ષા જેવા મુદ્દાઓ પર આ દિવસે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

ભારતમાં ‘રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ’ ની બમણી ઉજવણી
વૈશ્વિક સ્તરે 15 માર્ચના રોજ ઉજવણી કરવા ઉપરાંત, ભારતમાં 24 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ’ મનાવવામાં આવે છે, કારણ કે આ જ દિવસે વર્ષ 1986માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, 1986ને મંજૂરી મળી હતી.
આ અધિનિયમ અંતર્ગત, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ની સ્થાપના કરવામાં આવી છે જે ભારતીય ગ્રાહકોના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. એ વેપારી પ્રથાઓ, ભ્રામક જાહેરાતો અને ગ્રાહક વિશેષાધિકારોના ઉલ્લંઘનને પણ નિયંત્રિત કરે છે.
‘વર્લ્ડ કન્ઝ્યુમર્સ રાઇટ્સ ડે’ નો ઇતિહાસ (History)
આ વિશેષ દિવસને ઉજવવાની શરુઆત ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જૉન એફ કેનેડી (John F. Kennedy) દ્વારા કરવામાં આવી હતી. 15 માર્ચ 1962ના રોજ કેનેડીએ યુએસ કોંગ્રેસને સંબોધિત કરતા ગ્રાહક (ઉપભોક્તા) અધિકારોના મુદ્દાને ઔપચારિક રીતે ઉઠાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપભોક્તા આંદોલનની શરુઆત 15 માર્ચ 1983 ના રોજ થઇ હતી. ત્યાર બાદ, ઉપભોક્તાઓના અધિકારોને વૈશ્વિક સ્તરે માન્યતા છેક 9 એપ્રિલ, 1985ના રોજ પ્રાપ્ત થઇ, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ગ્રાહક સંરક્ષણ માટેના સામાન્ય દિશાનિર્દેશોને મંજૂરી મળી. ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’નો ઉદ્દેશ્ય આ વિષય સંલગ્ન મહત્વપૂર્ણ મુદ્દાઓ અને અભિયાનો અંગેની કાર્યવાહી માટે સૌને સંગઠિત કરવાનો છે.

‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ નું મહત્વ (Importance)
‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ એક વાર્ષિક આયોજન છે જે, પ્રત્યેક વર્ષે દુનિયાભરમાં મનાવવામાં આવે છે. આ દિવસનું મહત્વ એટલા માટે વિશેષ છે કે, વૈશ્વિક ઉપભોક્તા આંદોલનના વિશેષ ઉત્સવ અને સંગઠનનું એ પ્રતીક બની ચૂક્યો છે, જેના કારણે દુનિયાભરના ગ્રાહકો અને ઉપભોક્તાઓના અધિકારોની રક્ષા અને સન્માન સુનિશ્ચિત કરી શકાય.
ઉપભોક્તા અધિકાર સંગઠન (Consumer Rights Organization) સામાજીક અન્યાય અને ઉપભોક્તા અધિકારોનું હનન્ કરતા માર્કેટના દુરુપયોગ સામેના વિરોધ પ્રદર્શનોનું સંચાલન કરે છે.
આ દિવસનું વર્ષ 2026 નું થીમ શું છે?
દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું એક વિશેષ થીમ નિર્ધારિત હોય છે, જે તમામ ગ્રાહકોની ઉત્પાદન સંબંધિત વિવિધ ચિંતાઓ અને મૂંઝવણોને ઉજાગર કરે છે. આ વર્ષ 2026નું થીમ (Theme 2026) છે,
‘Safe Products, Confident Consumers’
અર્થાત્
‘સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસુ ગ્રાહકો’
કોઇ પણ ગ્રાહકને બજારમાં મળતા નકલી કે ક્ષતિગ્રસ્ત અથવા લો ક્વોલિટી સામાન તથા સેવાઓ (Counterfeit, Damaged, or Low-quality goods and Services)થી પોતાની રક્ષા કરવાનો પૂર્ણ અધિકાર હોય છે. કારણ કે, આવા સામાન કે સેવાઓ એમના જીવન અથવા સંપત્તિ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ખરાબ ક્વોલિટીના ઇલેક્ટ્રિોનિક ઉપકરણો અથવા અન્ય કોઇ પણ જીવનજરુરી સામાન હોય, હોસ્પિટલમાં મળતી નકલી દવાઓ (Counterfeit Medicines) હોય અથવા કોઇ પણ ક્ષેત્રે ખરાબ સર્વિસ હોય…આ તમામની સામે કન્ઝ્યુમર પાસે સુરક્ષાનો અધિકાર રહેલો છે.

ગ્રાહકના અધિકારો કયા છે?
ગ્રાહકોને આ અંતર્ગત 4 પ્રકારના અધિકારો પ્રાપ્ત છે.
1. સૂચનાનો અધિકાર (Right to Information)
જ્યારે પણ ગ્રાહક કોઇ વસ્તુ ખરીદે કે સેવા પ્રાપ્ત કરે તે પહેલા તેને સંબંધિત જાણકારી મેળવવાનો પૂરો અધિકાર હોય છે. જેમ કે, એમઆરપી રેટ, એક્સપાયરી ડેટ, ક્વોલિટી, ક્વોન્ટિટી, સેવાની કિંમત વગેરે…
2. પસંદગીનો અધિકાર (Right to Choose)
ગ્રાહકને કોઇ પણ પ્રકારની પ્રોડક્ટ કે સેવાની પસંદગીનો અધિકાર છે, કોઇ પણ દુકાનદાર, મોબાઇલ કંપની, બેન્કિંગ સેવા, વીમા કંપની, સુપર માર્કેટ વગેરે એને કોઇ ખાસ સેવા કે ઉત્પાદન લેવા બાધ્ય કરી શકે નહિં!
3. ફરિયાદ કરવાનો અધિકાર (Right to Complain)
કોઇ પણ ઉત્પાદન કે સર્વિસ અંગે જો ગ્રાહકને છેતરાયાનું મહેસૂસ થાય તો એને સંબંધિત કચેરીમાં ફરિયાદ નોંધાવવા અને સુનાવણીનો અધિકાર પ્રાપ્ત છે.
4. ન્યાય મેળવવાનો અધિકાર (Right to Justice)
જો ખરાબ સર્વિસ કે ખરાબ પ્રોડક્ટ આપવામાં આવ્યા હોય તો એને એનું વળતર મેળવવાનો અધિકાર પણ હોય છે. Consumer Dispute Redressal Forum માં એ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ત્યાર બાદ એની સુનાવણી થાય છે અને આખરે એના નુકસાનની ભરપાઇ માટે કન્ઝ્યુમર ફોરમ દ્વારા વળતર અપાવવામાં આવે છે.

ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદતા પહેલા સ્ટાર રેટિંગ ચેક કરો
એક ઉદાહરણરુપે જોઇએ તો જ્યારે પણ તમે માર્કેટમાંથી નવું એસી, ફ્રિઝ અથવા કોઇ પણ ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવા જાઓ ત્યારે એની સ્ટાર રેટિંગ (Star Rating) અવશ્ય ચેક કરો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં BEE (Bureau of Energy Efficiency) ઇલેક્ટ્રોનિક્સ સામાનની સ્ટાર રેટિંગ આપે છે. આ એક સરકારી સંસ્થા છે જે જુદા-જુદા ઉપકરણોની સમીક્ષા કરે છે અને એમના વિજળી વપરાશના આધારે સ્ટાર રેટિંગ નિર્ધારિત કરે છે. દરેક આવા ઉપકરણો પર એક સ્ટિકર લાગેલું હોય છે જેમાં લાલ રંગના સ્ટિકર હોય છે. જેટલા સ્ટાર એટલું એ ઉપકરણ વિજળીની ખપત (Electricity Consumption) ઓછી કરે છે એવો અર્થ થાય છે. આ માટે તમે BEE ના અધિકૃત મોબાઇલ એપ ડાઉનલોડ કરીને એની ક્વોલિટી ચેક કરી શકો છો.
અંતે નિષ્કર્ષ એ છે કે, આજના ડિજીટલ યુગમાં ઑનલાઇન ફ્રોડ, ફિશિંગ અને સાયબર સુરક્ષા (Online fraud, Fishing and Cyber security)જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેતા ગ્રાહક જાગૃતિ એક અગત્યનું પરિબળ છે જે આ દિવસના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં સહાયક સિદ્ધ થશે.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
