Today Special: દર વર્ષે 1 માર્ચના દિવસે વિશ્વભરમાં ‘શૂન્ય ભેદભાવ દિવસ’ મનાવવામાં આવે છે. આ વિશેષ દિવસ (Zero Discrimination Day 2026, 1 March) આ વર્ષે પણ મનાવવામાં આવશે.
આ મહત્વપૂર્ણ દિવસને ઉજવવાની શરુઆત વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા થઇ હતી. એની પૃષ્ઠભૂમિ ભલે ને ગમે તે હોય પરંતુ, પ્રત્યેક વ્યક્તિને ગરિમા, સમાનતા (Equality) અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર છે એ વિષયના અનુસંધાને આ એક મહત્વપૂર્ણ પહેલ છે.

સંયુક્ત રાષ્ટ્ર એઇડ્સ કાર્યક્રમ (UNAIDS) દ્વારા ઉજવણી
આ દિવસ ખાસ એવા લોકોના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે કે, જે કોઇ ને કોઇ સ્વરુપમાં ભેદભાવ (Discrimination)નો સામનો કરી રહ્યાં છે! આ દિવસને ઉજવીને તમામ પ્રકારના સામાજીક ભેદભાવો સમાપ્ત કરીને દુનિયાભરમાં સમાનતા, સન્માન અને ગરિમામાં અભિવૃદ્ધિ કરવાનો એક પ્રયાસ છે.
સંયુક્ત રાષ્ટ્ર એઇડ્સ કાર્યક્રમ (UNAIDS) દ્વારા આ ‘ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે’ મનાવવામાં આવે છે. આને મૂળ એઇડ્સ કાર્યક્રમ (Joint United Nations Programme on HIV/AIDS) સાથે સંલગ્ન કરવામાં આવે છે કારણ કે, સંયુક્ત રાષ્ટ્રનું એવું મંતવ્ય છે કે, AIDS ની નાબૂદી માટે મહિલાઓ સાથે થતા ભેદભાવો સામે લડવું જરુરી છે.

આ દિવસની ઉજવણી દ્વારા વય, લિંગ, આવક, સ્વાસ્થ્યની સ્થિતિ, વ્યવસાય, વિકલાંગતા, યૌન ઉત્પીડન, નશીલી દવાઓનો ઉપયોગ ઉપરાંત, લિંગ ઓળખ, જાતિ, વર્ગ, જાતીયતા અને ધાર્મિક આધારે થતી અસમાનતાઓને સમાપ્ત કરવા માટે તત્કાળ કાર્યવાહી કરવાની આવશ્યકતાઓ પર ભાર મૂકવામાં આવે છે.
‘શૂન્ય ભેદભાવ દિવસ’ (Zero Discrimination Day 2026)નું મહત્વ અને ઉદ્દેશ્ય
‘શૂન્ય ભેદભાવ દિવસ’નો મુખ્ય હેતુ ભેદભાવપૂર્ણ કાયદાઓ (Discriminatory laws)ને સમાપ્ત કરવા તથા સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે.
આ દિવસ વિશેષ રુપે, મહિલાઓ, બાળકો, LGBTQ (Women, Children, Lesbian, Gay, Bisexual, Transgender, Queer or Questioning, Intersex, Asexual) સમુદાય ,એચઆઈવી/એઇડ્સ થી પીડિત લોકો અને અન્ય વંચિત સમૂહોના લોકોના અધિકારોની રક્ષા માટે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કરે છે.

સમાજની પીડિત મહિલાઓની જાગૃતિ માટેનો દિવસ
વિશ્વભરમાં પ્રતિ 3 મહિલાઓ પૈકીની એક મહિલા કોઇ ને કોઇ સ્વરુપે હિંસાનો સામનો કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, દુનિયાની 50 ટકાથી પણ વધારે મહિલાઓએ એમના સામે હિંસા થઇ હોવાનું જણાવ્યું છે. આ માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે.
આ દિવસ કોઈ પણ વ્યક્તિને એની ઉંમર, લિંગ, જાતિ, રાષ્ટ્રીયતા, જાતીયતા અને રંગ થી પરે રહીને, એના અધિકારો જાણવા માટે અને સમાન તકો મળે એ માટે સમાજને પ્રોત્સાહિત કરવાનો છે. કોઇપણ અંતરાયો વિના મહિલાઓ અને યુવતીઓને સન્માન સહિત જીવન જીવવાનો અધિકાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારના ક્ષેત્રે એમને બરાબરીની તકો મળે એ માટેનો અવાજ ઉઠાવવાનો આ દિવસ છે.
શૂન્ય ભેદભાવ દિવસનો ઇતિહાસ
આમ તો આ દિવસ મનાવવાની શરુઆત 1 માર્ચ, 2014 ના રોજ કરવામાં આવી હતી પરંતુ, એને મનાવવાની જાહેરાત ડિસેમ્બર, 2013ના રોજ ‘વિશ્વ એઇડ્સ દિવસ’ પર ‘શૂન્ય ભેદભાવ અભિયાન કાર્યક્રમ’ની ઉજવણી બાદ UNAIDS ના કાર્યકારી નિર્દેશક દ્વારા કરવામાં આવી હતી.
વર્ષ 2026ની થીમ
આ વર્ષે ‘ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે’ ની મુખ્ય થીમ (Theme) છે…
“Save lives: Decriminalise” અર્થાત્
“જીવન બચાવો: અપરાધમુક્ત કરો”
આ વિશેષ દિવસ આપણને એ યાદ કરાવે છે કે, એક બહેતર ભવિષ્ય માટે આપણે આપણી વિચારધારાને બદલવાની, ભેદભાવને ખતમ કરવાની અને એક સમાવેશી સમાજની રચના કરવાની જરુર છે. આ દિવસ એકજૂટતા, કરુણા અને શાંતિપૂર્વક એક ન્યાયપૂર્ણ વિશ્વના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરે છે.

ભારતની સ્થિતિ શું છે?
ભારત (India) એક બહુસાંસ્કૃતિક અને બહુભાષીય રાષ્ટ્ર છે અને અહિં વિભિન્ન જાતિ, ધર્મ અને સમુદાયોના લોકો વસવાટ કરે છે. પરંતુ, કેટલીયે વાર જાતિ, લિંગ, સામાજીક અને આર્થિક સ્થિતિ (Race, Gender, Social status and Economic status)ના આધારે ભેદભાવ જોવા મળે છે. કેટલીયે જાતિઓ, મહિલાઓ, LGBTQ+ સમુદાય અને વિકલાંગ વ્યક્તિઓ (Disabled Persons)ને આ ભેદભાવ વેઠવો પડે છે! આ ‘શૂન્ય ભેદભાવ દિવસ’ લોકોને એમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનું અને સમાનતાને પ્રોત્સાહન આપનાનું કાર્ય કરે છે.
શી રીતે આ ભેદભાવને સમાપ્ત કરી શકાય?
શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારના ક્ષેત્રે એમને બરાબરીની તકો મળે એ માટે સૌએ આ પ્રયાસો કરવાની જરુર છે.
1. શિક્ષણ અને જાગૃતિ
સમાજમાં આ પ્રકારના ભેદભાવને નષ્ટ કરવા માટે શિક્ષણ (Education) સૌથી પ્રભાવશાળી હથિયાર છે.

2. કાયદાકીય અધિકાર
સરકાર દ્વારા બનાવવામાં આવતા કાયદાઓનો અમલ કરવો અને લોકોને એમના કાનૂની અધિકારો (Legal Rights)ની જાણકારી પ્રદાન કરવી આવશ્યક છે.
3. સકારાત્મક સંવાદ
અનેક ક્ષેત્રે થઇ રહેલા ભેદભાવને સમાપ્ત કરવા માટે આપણે કુટુંબ, શાળા અને કાર્યસ્થળે સકારાત્મક સંવાદ (Positive Communication)ને ઉત્તેજન આપવું જ રહ્યું!
4. સમાજમાં સમાન તકો
તમામ લોકોને સમાન તકો (Equal Opportunities) પ્રાપ્ત થાય અને એના માટે સામાજીક તથા આર્થિક સુધારાઓને અપનાવવા આવશ્યક છે.
અંતે નિષ્કર્ષ એ જ છે કે, ‘ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે’ આપણને એ શીખવે છે કે, તમામ વ્યક્તિ એકસમાન છે અને કોઇની સાથે પણ ભેદભાવ થવો જોઇએ નહિં! આ દિવસ સમાજ અને દેશ-દુનિયાના લોકોને સંકીર્ણ વિચારસરણી (Narrow-mindedness) બદલવા, અન્યોના અધિકારોનું સન્માન કરવા અને એક સમાવેશી સમાજ બનાવવાની પ્રેરણા આપે છે.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…
આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ…
