Today Special/ આજે 11 ફેબ્રુઆરી…વિજ્ઞાન ક્ષેત્રમાં સમાન ભાગીદારીનો વિશેષ દિવસ IDWGIS…’ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ’…

IDWGIS આ આંતરરાષ્ટ્રીય દિવસ આપણને યાદ અપાવે છે કે, વિવિધતા જ વૈજ્ઞાનિક સમુદાયને મજબૂત બનાવે છે. મહિલા વિજ્ઞાનીઓની આગલી પેઢીને પ્રેરણા આપીને…

Trending World
IDWGIS., મહિલાઓ,સમાન, ભાગીદારી

Today Special: આખી દુનિયામાં પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષ 2026માં પણ 11 ફેબ્રુઆરી (11 February)એ ‘ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ’ (International Day of Women and Girls in Science, IDWGIS)ને મનાવવામાં આવશે.

‘ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ’ IDWGIS નો ઉદ્દેશ્ય

વિજ્ઞાન, પૌદ્યોગિકી, એન્જીનિયરિંગ અને ગણિત (STEM) જેવા ભિન્ન ગણાતા ક્ષેત્રોમાં મહિલાઓનો પૂર્ણ અને સમાન દરજ્જો તથા ભાગીદારીને ઉત્તેજન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા વર્ષ 2015માં આ વાર્ષિક આયોજનની સ્થાપના કરવામાં આવી હતી.

આ વિશેષ દિવસ આપણી દુનિયાને એકસાથે જોડવામાં મદદ કરે છે અને એક એવા ભાવિની કલ્પનાને સાકાર કરવામાં મદદ કરે છે જમાં પ્રત્યેક વ્યક્તિને પોતાની રુચિ અને ક્ષમતાઓને અનુલક્ષીને આગળ વધવાનો સમાન અવસર પ્રાપ્ત થાય. મહિલાઓ અને કન્યાઓ માટેનો આ આંતર્રાષ્ટ્રીય દિવસ ‘International Day of Women and Girls in Science’ (IDWGIS) વિજ્ઞાન ક્ષેત્રમાં મહિલાઓ અને યુવતીઓએ પ્રદાન કરેલા એક અનોખા દ્રષ્ટિકોણ અને વૈવિધ્યનો જશ્ન મનાવવાનો દિન છે .

IDWGIS., મહિલાઓ,સમાન, ભાગીદારી

લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એ સ્વીકાર કર્યુ છે કે, લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ માટે વિજ્ઞાન, પૌદ્યોગિકી અને ઇનોવેશનના ક્ષેત્રોમાં મહિલાઓની પૂર્ણ અને સમાન ભાગીદારીને ઉત્તેજન આપવું આવશ્યક છે. આથી જ આ દિવસનું મહત્વ અનેકગણું વધી જાય છે….આ વિશેષ દિવસ માટે જવાબદાર બે પ્રમુખ સંગઠન યુનેસ્કો અને સંયુક્ત રાષ્ટ્ર મહિલા (UNESCO and United Nations Women) છે.

મોટાભાગના દેશો STEM ક્ષેત્રે લૈંગિક સમાનતા પ્રાપ્ત નથી કરી શક્યા

દુનિયાના તમામ દેશોની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા માટે વિજ્ઞાન, પૌદ્યોગિકી, એન્જીનિયરિંગ અને ગણિત (STEM) જેવા ભિન્ન ગણાતા ક્ષેત્રો અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, પરંતું વિડંબના એ છે કે વિકાસ કોઇ પણ સ્તરે હોય પણ મોટાભાગના દેશો હજુ પણ STEM ક્ષેત્રે લૈંગિક સમાનતા પૂર્ણતયા પ્રાપ્ત નથી કરી શક્યા! આથી જ આ દિવસની ઉજવણી આ વિવિધ ફિલ્ડ્સમાં મહિલાઓ અને ગર્લ્સની જરુરિયાત અંગે જાગૃતિ વિષયક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિજ્ઞાનનો અર્થ કેવળ પ્રયોગશાળામાં કામ કરવો એટલું જ નથી પરંતુ, એમાં સંશોધન કરવા, પ્રશ્નો પૂછવા અને આપણી આસપાસની દુનિયાના રહસ્યોની ખોજ કરવી એ તમામ બાબતો એમાં સામેલ છે. મહિલાઓ અને છોકરીઓ આ ક્ષેત્રમાં નામના મેળવી રહી છે અને એ સાબિત કરી રહી છે કે તેઓ વિજ્ઞાનના કોઇ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે…એ ભલેને જીવ વિજ્ઞાન હોય, ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય કે પછી ખગોળ શાસ્ત્ર..!

અનેક યુવતીઓ માટે વિજ્ઞાન ક્ષેત્રમાં અનેક પડકાર

આજના આધુનિક યુગમાં પણ પોતાના સપના સાકાર કરવા માટે અનેક યુવતીઓને હજી પણ કેટલાયે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વાર લોકો એવું સમજી બેસે છે કે, વિજ્ઞાન તો ફક્ત છોકરાઓનું જ ફિલ્ડ છે!! આ વિશેષ દિવસ આ રુઢિગત બેડીઓને તોડવાનો છે અને એ સમજવાનો છે કે વિજ્ઞાન હરકોઇ માટેનું ક્ષેત્ર છે. છોકરાઓ જ નહિં પણ છોકરીઓ પણ વૈજ્ઞાનિક, એન્જીનિયર અને ગણિતશાસ્ત્રી બની શકે છે એ સમાજે સ્વીકારવું જ રહ્યું!

આ દિવસ માટે વર્ષ 2026નું થીમ (Theme)

“Synergizing artificial intelligence, social sciences, STEM, and finance: building an inclusive future for women and girls”

“કૃત્રિમ બુદ્ધિ, સામાજિક વિજ્ઞાન, STEM અને નાણાકીય બાબતોનું સમન્વયન: મહિલાઓ અને છોકરીઓ માટે સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ”

IDWGIS., મહિલાઓ,સમાન, ભાગીદારી

મેડમ મેરી ક્યુરી

દુનિયામાં અગાઉ ગણીગાંઠી મહિલા વિજ્ઞાનીઓ જ આ ક્ષેત્રમાં આવી શકી હતી જેમાં મેરી ક્યુરીનું નામ મોખરે છે.

અગાઉની મહિલા વૈજ્ઞાનિકોની વાત કરીએ તો નોબેલ પ્રાઇઝ વિનર મેરી ક્યુરી (Noble Prize Winner, Marie Curie)નું નામ જ યાદ આવે! 7 નવેમ્બર 1867માં વૉર્સો, પોલૅન્ડ ખાતે જન્મેલા રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં આ પ્રસિદ્ધ ફ્રેન્ચ મહિલા વિજ્ઞાની હતા જેમના ભાગે (Radioactive Elements)ની ખોજ કરવાનું શ્રેય જાય છે.

ભારતની કેટલીક અગ્રણી મહિલા વૈજ્ઞાનિકોનું પ્રદાન

ભારતની અનેક મહિલા વૈજ્ઞાનિકો (Indian Woman Scientists)એ અવકાશ, સંરક્ષણ, વનસ્પતિશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જેવા વિભિન્ન ક્ષેત્રોમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

જેમાં મિસાઈલ વુમન ગણાતી ટેસી થોમસ , વનસ્પતિશાસ્ત્રી જાનકી અમ્મલ અને હવામાનશાસ્ત્રી અન્ના મણિ જેવી અગ્રણી મહિલાઓએ DRDO તથા ઇસરો જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં કાર્ય કરીને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. લૈંગિક ભેદભાવના બંધનોને તોડીને વિજ્ઞાનમાં અગ્રેસર રહેલી આ મહિલાઓની શક્તિ જ નારીશક્તિની દ્યોતક છે.

આનંદીબાઈ જોશી-

ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશી (Dr. Anandibai Joshi) હતા જેઓ 31 માર્ચ, 1865 માં પૂણે શહેરમાં જન્મ્યા હતા.

ટેસી થોમસ-

ટેસી થોમસ (Tessy Thomas, Missile Woman)ને ‘ભારતની મિસાઈલ વુમન’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ DRDO માં અગ્નિ-IV મિસાઇલના પ્રોજેક્ટ ડિરેક્ટર હતા જેઓ મિસાઈલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા ગણાય છે.

IDWGIS., મહિલાઓ,સમાન, ભાગીદારી

જાનકી અમ્મલ-

ભારતની પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી (Botanist) તરીકે પદ્મશ્રી એવોર્ડ વિજેતા જાનકી અમ્મલ (E.K. Janaki Ammal)નું નામ મોખરે છે. તેણીએ Cytogenetics and phytogeography માં સંશોધન કર્યું હતુ. રીંગણની અને શેરડીની વિવિધ જાતો વિકસાવવામાં તેમનું મોટું યોગદાન છે.

હવામાનશાસ્ત્રી (Meteorologist) અને ભૌતિકશાસ્ત્રી અન્ના મણિ (Anna Mani)એ ભારતમાં હવામાન ચકાસવાનાં સાધનો (Ozonsonde) વિકસાવ્યા હતા અને પવન ઊર્જાના સર્વેક્ષણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાય છે.

બિભા ચૌધરી-

ભૌતિકશાસ્ત્રી બિભા ચૌધરી (Physicist Bibha Chowdhuri)એ વિક્રમ સારાભાઈ અને હોમી જહાંગીર ભાભા સાથે કામ કર્યું હતું અને બોઝોન કણ (Boson particle)ની શોધમાં પણ અમૂલ્ય ફાળો આપ્યો હતો.

ઇરાવતી કર્વે-

પ્રખ્યાત માનવશાસ્ત્રી ઇરાવતી કર્વે (Anthropologist, Irawati Karve) એક શિક્ષણવિદ્ છે જેમણે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાતિ વ્યવસ્થા પર અદ્ભુત લેખ લખ્યા છે.

હાલમાં ભારતમાં વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે આશરે 14 ટકા જેટલી મહિલાઓ કાર્યરત છે. આ મહિલા વૈજ્ઞાનિકો સંશોધન કરવા ઉપરાંત, ઈસરોની વિવિધ અવકાશ મિશન ટીમોનું પણ મહત્વપૂર્ણ નેતૃત્વ સંભાળી રહી છે.

ગીતાંજલિ રાવ-

ભારતીય મૂળની ભારત-અમેરિકન ગીતાંજલિ રાવ (Geetanjali Rao) સૌથી નાની વયની વૈજ્ઞાનિક અને સંશોધક છે જે માત્ર 20 વર્ષની વય પહેલા જ આ ક્ષેત્રમાં જોડાયા છે. કેવલ 11 વર્ષની વયે એમણે એક વિશેષ ઉપકરણનું નિર્માણ કર્યુ જે એક રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રતિયોગિતામાં વિનર સિદ્ધ થયું.

આટલી નાની વયે વિજ્ઞાનના ક્ષેત્ર (Science Field)માં આ એક ઉલ્લેખનીય અદ્ભૂત સિદ્ધિ છે!

કમલા સોહોની-

ભારતમાં જૈવ રાસાયણિક વિજ્ઞાનમાં પીએચડી (PhD) કરનારી પ્રથમ ભારતીય મહિલા કમલા સોહોની (Kamala Sohoni) ગણાય છે. તેમણે વર્ષ 1939માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આ ડૉક્ટરેટની ડિગ્રી હાંસલ કરી હતી.

અંતે નિષ્કર્ષ એ છે કે, આ આંતરરાષ્ટ્રીય દિવસ આપણને યાદ અપાવે છે કે, વિવિધતા જ વૈજ્ઞાનિક સમુદાયને મજબૂત બનાવે છે. સમાજની ખોટી રુઢિઓને તોડીને શિક્ષણ અને માર્ગદર્શનમાં અભિવૃદ્ધિ કરીને, મહિલા વિજ્ઞાનીઓની આગલી પેઢીને પ્રેરણા આપીને જ આપણે એક સમાવેશી અને ન્યાયસંગત ભવિષ્યનું નિર્માણ કરી શકીશું.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…