Rajkot News/ ગુમ બાળકની ફરિયાદ લેવાને બદલે ગોદડું ઓઢીને સૂતા રહ્યા મહિલા ASI, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

રાજકોટ રેલવે સ્ટેશનથી બાળક ગુમ થતાં ફરિયાદ લેવાને બદલે પોલીસ સ્ટેશનમાં સૂતેલા મહિલા ASI કામિનીબેન મારણકા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થતાં કાર્યવાહી

Gujarat Rajkot Breaking News
asi

Rajkot News: રાજકોટ રેલવે સ્ટેશન પરથી બાળક ગુમ થતાં તેના મામા ફરિયાદ નોંધાવવા રેલવે પોલીસ સ્ટેશન ગયા હતા. તે સમયે પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) તરીકે ફરજ પર હાજર મહિલા ASI કામિનીબેન મારણકા પોલીસ સ્ટેશનમાં જ ગોદડું ઓઢીને સૂતા હતા. ફરિયાદ સાંભળવાને બદલે તેમણે 24 કલાક રાહ જોવાનું કહેતા વીડિયો વાયરલ થયો, જેના પગલે પશ્ચિમ રેલવેના SPએ તેમને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ, ગુમ થયેલું બાળક હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

’24 કલાક રાહ જુઓ’ કહી ફરિયાદ લેવાનો ઈનકાર

ભાણેજની ચિંતામાં વ્યથિત મામાએ મહિલા ASIને જગાડીને બાળક ગુમ થયાની જાણ કરી હતી. આરોપ મુજબ, કામિનીબેને ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરતા કહ્યું હતું કે હમણાં 24 કલાક રાહ જુઓ અને ત્યારબાદ ફરિયાદ કરવા આવજો.

વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ

ફરજ પરના પોલીસકર્મી ગોદડું ઓઢીને સૂતેલી હાલતનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થતાં ભારે ચકચાર મચી હતી. મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસ હાથ ધરી ગુમ બાળકને શોધી કાઢ્યું હતું.

ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાંથી બાળક મળ્યો

દ્વારકા પહોંચેલા બાળક પાસે રૂપિયા ન હોવાથી તેણે એક પાનની દુકાનમાં જઈ પોતાના નાનાને ફોન કરી રૂ. 300 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં સર્વેલન્સ ટીમે દ્વારકામાં પાનની દુકાન અને આસપાસના CCTV તપાસ્યા હતા. દ્વારકા રેલવે સ્ટેશનથી બપોરે 3.45 વાગ્યે ઉપડેલી ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બાળક બેઠો હોવાની પૂરી સંભાવના જણાતા ટીમે ટ્રેન ચેક કરી અને બાળક મળી આવ્યો. બાળકને રાજકોટ લાવી પરિવારને સોંપાતા પરિવારે રાહત અનુભવી હતી.

મહિલા ASI કામિનીબેન મારણકા સસ્પેન્ડ

વાયરલ વીડિયો અને પ્રાથમિક તપાસના આધારે પશ્ચિમ રેલવેના SPએ કડક વલણ અપનાવી મહિલા ASI કામિનીબેન મારણકા(Kaminiben Maranka)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.


આ પણ વાંચો: CM મોહન યાદવનું મોટું એક્શન, CSP સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ

આ પણ વાંચો: વડોદરાના ₹84 લાખના દારૂકાંડમાં મોટી કાર્યવાહી, બાપોદના PI અને PSI સસ્પેન્ડ

આ પણ વાંચો: LCB PI રાઠોડ સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ, ગુજરાત-રાજસ્થાન પોલીસની તપાસ