Dahod News/ દાહોદમાં મનરેગાના કામોમાં ગેરરીતિ બદલ 3 સરપંચ સામે કડક કાર્યવાહી, DDOએ હોદ્દા પરથી દૂર કર્યા

MGNREGA: દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં ગેરરીતિ બદલ DDOએ રેઢાણા, સીમામોઈ અને ભાણપુરના સરપંચોને હોદ્દા પરથી દૂર કર્યા, 2022-23ના કામોની તપાસમાં અનિયમિતતા મળી

Gujarat Others Breaking News
MGNREGA

Dahod News: દાહોદ જિલ્લામાં મનરેગા (MGNREGA) સહિત ગ્રામ પંચાયતો દ્વારા કરાયેલા વિકાસકામોમાં ગેરરીતિ, નાણાકીય અનિયમિતતા અને હોદ્દાના દુરુપયોગના મામલે જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની 3 ગ્રામ પંચાયતોના સરપંચોને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ DDO દ્વારા કરવામાં આવ્યો છે.

MGNREGA: ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી

જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 (Gujarat Panchayat Act 1993)ની કલમ 57(1) હેઠળ આ હુકમ કર્યો છે. આ કાર્યવાહી દેવગઢ બારિયા તાલુકાની રેઢાણા ગ્રામ પંચાયતના સરપંચ અશ્વિન કોળી, ધાનપુર તાલુકાની સીમામોઈ ગ્રામ પંચાયતના સરપંચ શારદાબેન રાઠોડ અને ભાણપુર ગ્રામ પંચાયતના સરપંચ જામસિંહ પરમાર સામે કરાઈ છે.

2022-23ના કામોની તપાસમાં અનિયમિતતા

વર્ષ 2022-23 દરમિયાન મનરેગા હેઠળ મંજૂર થયેલાં કામોની તપાસ હાથ ધરાઈ હતી. રેઢાણાનાં 39, સીમામોઈ (Seemamoi)નાં 48 અને ભાણપુરનાં 19 કામોની ચકાસણી કરાઈ હતી. તપાસમાં મંજૂર કામો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે વિસંગતતા, અધૂરાં કામો, દસ્તાવેજોની જાળવણીમાં ખામીઓ તેમજ મસ્ટરરોલ, માપણી અને નાણાકીય વ્યવહારોમાં અનિયમિતતાઓ જણાઈ હતી.

હુકમનો તાત્કાલિક અમલ કરવા સૂચના

ત્રણેય સરપંચોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે વારંવાર સુનાવણીની તક અપાઈ હતી. જોકે રજૂ થયેલા જવાબો અને દસ્તાવેજોની ચકાસણી બાદ ફરજમાં ગંભીર નિષ્કાળજી અને હોદ્દાના દુરુપયોગની બાબતો ધ્યાને આવતાં DDOએ સરપંચોને દૂર કરવાનો (Sarpanch Removed) નિર્ણય લીધો હતો. હુકમનો તાત્કાલિક અમલ કરવા સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના અપાઈ છે. મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના સક્ષમ અધિકારીઓને પણ જરૂરી કાર્યવાહી કરવા જાણ કરાઈ છે.


આ પણ વાંચો: ગોધરા-દાહોદ હાઇવે પર દોડતી કારમાં અચાનક ભીષણ આગ, ચાલકે કૂદકો મારી જીવ બચાવ્યો

આ પણ વાંચો: દાહોદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! બોલેરોના ગુપ્ત ખાનામાંથી 110 પેટી દારૂ ઝડપાયો

આ પણ વાંચો: દાહોદમાં તબીબી અધિક્ષક લાંચ લેતા ઝડપાયો