World News/ ભારત પર ટ્રમ્પના ટેરિફનો સંપૂર્ણ ઘટનાક્રમ: 10%થી 50% અને હવે ફરી 25%ની તૈયારી!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump)વહીવટીતંત્ર ભારતની આયાત પર ફરીથી મોટો ટેરિફ (Trump Tariff)લાદવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે

Top Stories World
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump)વહીવટીતંત્ર ભારતની આયાત પર ફરીથી મોટો ટેરિફ (Trump Tariff)લાદવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે

World News : ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં (India America Relations)ટેરિફનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump)વહીવટીતંત્ર ભારતની આયાત પર ફરીથી મોટો ટેરિફ (Trump Tariff)લાદવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા કલમ 301 હેઠળ ભારતીય ઉત્પાદનો પર 25 ટકા સુધીની વધારાની આયાત જકાતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો બંને દેશો વચ્ચે વેપાર કરાર થાય તો આ દર ઘટાડીને 17 ટકા કરવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા દોઢ વર્ષમાં ભારતે અમેરિકાના ટેરિફ (India US Trade Deal)સંબંધિત અનેક નિર્ણયોનો સામનો કર્યો છે. ક્યારેક 10 ટકા, ક્યારેક 26 ટકા તો ક્યારેક 50 ટકા સુધી પહોંચેલા ટેરિફે ભારતીય નિકાસકારોની ચિંતા વધારી હતી. જોકે, કેટલાક નિર્ણયો બાદ રાહત પણ મળી હતી. હવે ફરી એકવાર ટેરિફનો મુદ્દો ગરમાયો છે. ત્યારે સવાલ એ છે કે ટ્રમ્પે ભારત પર ટેરિફ (Trump Tariff)ક્યારે લાદ્યો, ક્યારે તેમાં વધારો કર્યો અને ક્યારે રાહત આપી? જાણીએ સમગ્ર ઘટનાક્રમ.

ટ્રમ્પ ટેરિફ (Trump Tariff) વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)2 એપ્રિલ, 2025ના રોજ વિશ્વના અનેક દેશો સામે નવી ટેરિફ (Trump Tariff)નીતિની જાહેરાત કરી હતી. ટ્રમ્પે (Donald Trump)આ દિવસને ‘લિબરેશન ડે’ એટલે કે મુક્તિ દિવસ નામ આપ્યું હતું. તેમનો તર્ક હતો કે અમેરિકાના વેપારી હિતોને નુકસાન પહોંચાડતા દેશો સામે વળતી કાર્યવાહી જરૂરી છે.

આ જાહેરાતમાં ભારત પર કુલ 26 ટકા ટેરિફ નક્કી કરવામાં આવ્યો હતો. તેમાં 10 ટકા બેઝલાઇન ટેરિફ અને 16 ટકા રેસિપ્રોકલ ટેરિફનો સમાવેશ થતો હતો. આ પહેલાં ભારતીય ઉત્પાદનો પર અમેરિકાના મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) દર પ્રમાણે આયાત જકાત લાગતી હતી.

જોકે, આ નિર્ણય લાંબો સમય સંપૂર્ણપણે અમલમાં રહ્યો નહોતો. 9 એપ્રિલ, 2025ના રોજ અમેરિકાએ ભારત સહિત અનેક દેશો માટે 16 ટકા રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કરી દીધો હતો. પરિણામે ભારતીય માલ પર 10 ટકાનો બેઝલાઇન ટેરિફ ચાલુ રહ્યો હતો.

2025માં ભારત પર ટેરિફનો બોજ 50 ટકા સુધી પહોંચ્યો

ટેરિફ વિવાદમાં મોટો વળાંક 31 જુલાઈ, 2025ના રોજ આવ્યો. ટ્રમ્પ (Donald Trump)વહીવટીતંત્રે ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય 7 ઓગસ્ટથી અમલમાં આવવાનો હતો. ત્યારબાદ 6 ઓગસ્ટે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મુદ્દે અમેરિકાએ વધુ 25 ટકા વધારાની જકાતની જાહેરાત કરી.

આ વધારાના નિર્ણયથી ભારતીય ઉત્પાદનો પર ટેરિફનો કુલ બોજ મોટાભાગની બિનમુક્ત ચીજવસ્તુઓ માટે 50 ટકા સુધી પહોંચી ગયો હતો. આમાં 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ અને રશિયન તેલ ખરીદી સાથે જોડાયેલો વધારાનો 25 ટકા ટેરિફ સામેલ હતો.

આ નિર્ણયથી ભારતીય નિકાસકારો માટે અમેરિકાનું બજાર મોંઘું બનવાની ચિંતા વધી હતી. ખાસ કરીને કાપડ, હીરા-ઝવેરાત, એન્જિનિયરિંગ અને અન્ય નિકાસ આધારિત ક્ષેત્રો પર તેની અસર અંગે ચર્ચા શરૂ થઈ હતી.

ફેબ્રુઆરી 2026: ભારત-અમેરિકા વેપાર સમજૂતીથી રાહત

લાંબા સમયથી ચાલી રહેલી વેપાર મંત્રણા બાદ 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ઘટાડવા અંગે સમજૂતી થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત અમેરિકાએ ભારતીય માલ પરનો 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાની સંમતિ દર્શાવી હતી.

જોકે, આ 18 ટકાનો દર વાસ્તવમાં અમલમાં આવ્યો નહોતો. 6 ફેબ્રુઆરીએ બંને દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેના માળખા પર સહમતી જાહેર કરી હતી.

7 ફેબ્રુઆરીએ અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલો વધારાનો 25 ટકા ટેરિફ પાછો ખેંચી લીધો હતો. આ ભારત માટે મોટી રાહત હતી.

પરંતુ ટેરિફનો મામલો અહીં પૂરો થયો નહોતો. 20 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રની રેસિપ્રોકલ ટેરિફ વ્યવસ્થાને રદ કરી હતી. તેના પગલે આ વ્યવસ્થા હેઠળ લાદવામાં આવેલી જકાતનો કાનૂની આધાર સમાપ્ત થયો હતો.

ત્યારબાદ 24 ફેબ્રુઆરીએ અમેરિકાએ 10 ટકા વૈશ્વિક ટેરિફની નવી વ્યવસ્થા જાહેર કરી હતી. આમાં ભારતનો પણ સમાવેશ થયો હતો. આ વ્યવસ્થા 150 દિવસ માટે લાગુ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉત્પાદનો પર અલગથી આયાત જકાત લાગુ રહેતી હતી.

25 નવેમ્બર, 2026: ટ્રમ્પનો ફરી 25 ટકા ટેરિફનો પ્રસ્તાવ

હવે 25 નવેમ્બર, 2026ના રોજ અમેરિકાએ ભારત સામે ફરી એક નવો વેપારી મોરચો (India US Trade Deal)ખોલ્યો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)એ 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ 14 અર્થતંત્રો સામે તપાસના પરિણામો જાહેર કર્યા છે. તેમાં ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ અને યુરોપિયન યુનિયન સહિતના દેશો સામેલ છે.

અમેરિકાનો આરોપ છે કે ભારતની ઔદ્યોગિક નીતિઓ, ઉત્પાદન વધારવાની યોજનાઓ, શ્રમ સુરક્ષાની નીતિઓ, નાણાકીય વ્યવસ્થા અને બજારમાં પ્રવેશ સંબંધિત નિયંત્રણોને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં માળખાકીય રીતે વધુ પડતી ક્ષમતા ઊભી થઈ રહી છે.

USTRના જણાવ્યા પ્રમાણે, આ નીતિઓ અમેરિકાના ઉત્પાદકો અને નિકાસકારો માટે સ્પર્ધામાં મુશ્કેલી ઊભી કરે છે. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસ, સ્ટીલ, સોલાર અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રોને લઈને અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે.

આ તપાસના આધારે ભારતના તમામ માલ પર હાલની અન્ય કલમ 301 જકાતને ધ્યાનમાં રાખીને 25 ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, જો ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર વેપાર કરાર થાય અને અમેરિકાની ચિંતાઓનો ઉકેલ આવે તો આ દર 17 ટકા રાખવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. આ હજી પ્રસ્તાવ છે, લાગુ થઈ ગયેલો નવો ટેરિફ નથી.

ભારત સરકારે અમેરિકાના આરોપોનો શું જવાબ આપ્યો?

અમેરિકાની નવી દરખાસ્ત સામે ભારત સરકારે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતે તપાસની સમગ્ર પ્રક્રિયામાં રચનાત્મક રીતે ભાગ લીધો હતો. ભારતે અમેરિકાને પહેલેથી જ જણાવ્યું છે કે દેશમાં કોઈપણ ક્ષેત્રમાં માળખાકીય રીતે વધારાની ઉત્પાદન ક્ષમતા નથી.

ભારત સરકારના મતે, દેશની ઉત્પાદન નીતિઓનો હેતુ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવો, આત્મનિર્ભરતા વધારવી અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારતે એમ પણ જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે વેપારને લગતી કોઈપણ ચિંતાનો ઉકેલ ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર મંત્રણાના માધ્યમથી લાવવો જોઈએ.

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement) માટેની વાતચીત ચાલુ છે. ભારતે આ કરાર વહેલી તકે પૂર્ણ કરવા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.

હવે આગળ શું થશે? 25 ટકા ટેરિફ લાગશે કે 17 ટકા?

અમેરિકાની નવી દરખાસ્ત બાદ ભારત સામે બે સંભવિત સ્થિતિ ઊભી થઈ છે.

  • 25 ટકા ટેરિફ: જો બંને દેશો વચ્ચે વેપાર કરાર નહીં થાય તો અમેરિકાની દરખાસ્ત મુજબ ભારતીય માલ પર 25 ટકા સુધીની વધારાની જકાત લાદવામાં આવી શકે છે.

  • 17 ટકા ટેરિફ: જો ભારત અને અમેરિકા વેપાર કરાર પર સહમત થાય અને અમેરિકાની તપાસમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો ઉકેલ આવે તો દર 17 ટકા રાખવાની દરખાસ્ત છે.

હાલ આ દરખાસ્ત પર અંતિમ નિર્ણય લેવાયો નથી. USTRએ જાહેર અભિપ્રાયો અને રજૂઆતો મંગાવી છે. 5 જાન્યુઆરી, 2027 સુધી લેખિત ટિપ્પણીઓ રજૂ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 25 જાન્યુઆરી, 2027થી સુનાવણી યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ટેરિફનો સમગ્ર ઘટનાક્રમ એક નજરમાં
તારીખ મહત્વપૂર્ણ ઘટના
2 એપ્રિલ, 2025 ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત
9 એપ્રિલ, 2025 16 ટકા રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત
31 જુલાઈ, 2025 ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત
6 ઓગસ્ટ, 2025 રશિયન તેલ ખરીદીના મુદ્દે વધારાના 25 ટકાની જાહેરાત
27 ઓગસ્ટ, 2025 કુલ ટેરિફનો બોજ મોટાભાગની ચીજવસ્તુઓ પર 50 ટકા થયો
2 ફેબ્રુઆરી, 2026 25 ટકાથી 18 ટકા ટેરિફ કરવાની સમજૂતીની જાહેરાત
6 ફેબ્રુઆરી, 2026 વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા પર સહમતી
7 ફેબ્રુઆરી, 2026 રશિયન તેલ ખરીદી બદલનો વધારાનો 25 ટકા ટેરિફ પાછો ખેંચાયો
20 ફેબ્રુઆરી, 2026 અમેરિકાની સુપ્રીમ કોર્ટે રેસિપ્રોકલ ટેરિફ વ્યવસ્થા રદ કરી
24 ફેબ્રુઆરી, 2026 10 ટકા વૈશ્વિક ટેરિફની નવી વ્યવસ્થા
25 નવેમ્બર, 2026 કલમ 301 હેઠળ ભારત સામે 25 ટકા સુધીના નવા ટેરિફનો પ્રસ્તાવ

આ પણ વાંચો:

આ પણ વાંચો:
આ પણ વાંચો: