Gujarat News: રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો માત્ર મૃતકની બેદરકારીના આધારે તેના પરિવારને વળતર (Railway Compensation) આપવાનો ઇનકાર કરી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે રેલવે તંત્ર મુસાફરોની બેદરકારીનો હવાલો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. આ સાથે જ હાઈકોર્ટે મૃતક યુવકના પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Railway Compensation: મુસાફરોની બેદરકારીના આધારે વળતર નકારી શકાય નહીં
જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની બેન્ચે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલના વળતર નકારતા નિર્ણયને ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડમાં ફુટ ઓવરબ્રિજની સુવિધા ન હોય અથવા ત્યાં પહોંચવું મુશ્કેલ હોય ત્યારે મુસાફરો ઘણીવાર પ્લેટફોર્મ સુધી પહોંચવા કે બહાર નીકળવા રેલવે ટ્રેક ઓળંગે છે.
આવા કિસ્સાઓમાં રેલવે તંત્ર આ વર્તનને માત્ર મુસાફરની બેદરકારી ગણાવી તેને ગુનાહિત કૃત્ય અથવા જાતે પહોંચાડેલી ઈજા તરીકે દર્શાવી વળતરની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. ટ્રિબ્યુનલ દ્વારા વળતર નકારવાનો અભિગમ રેલવે (Indian Railways) અકસ્માત વળતર કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
કેસની હકીકત મુજબ, 18 જુલાઈ, 2023ના રોજ એક યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ અને અચાનક લાગેલા ઝટકાને કારણે તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. ત્યારબાદ ટ્રેન સાથે ઘસડાતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ દરમિયાન યુવક ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું (Railway Track Death) હતું.
ટ્રિબ્યુનલે વળતરની અરજી ફગાવી હતી
યુવકના પરિવારજનોએ રૂ. 8 લાખના વળતર (Rs 8 Lakh Compensation) માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, 7 નવેમ્બર, 2024ના રોજ ટ્રિબ્યુનલે તેમની અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણયને પડકારતાં પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
રાજબહાદુર અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાની ફર્સ્ટ અપીલમાં હાઈકોર્ટે ટ્રિબ્યુનલનો નિર્ણય રદ કર્યો હતો અને મૃતકના આશ્રિતોને રૂ. 8 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: એક સપ્તાહના ઉપવાસ બાદ જેતલસર આંદોલનનો અંત! રેલવેએ 17 કર્મચારીઓની બદલીના આદેશ જારી કર્યા
આ પણ વાંચો: પાટડીના બજાણા-માલવણ માર્ગ પર રેલવે ફાટક પાસે ટ્રક ફસાયો, ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અટવાઈ
