india news/ બિસ્લેરી વિવાદ વચ્ચે FSSAIનું મોટું એક્શન! દેશભરની તમામ બ્રાન્ડના પાણીની તપાસ શરૂ, 1-2 મહિનામાં આવશે રિપોર્ટ

FSSAI Water Testing: બિસ્લેરીના ગોવા પ્લાન્ટના પાણીના સેમ્પલના વિવાદ વચ્ચે FSSAIએ દેશભરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની તપાસ શરૂ કરી છે. તપાસનો રિપોર્ટ 1થી 2 મહિનામાં આવવાની શક્યતા છે. બિસ્લેરીએ સ્પષ્ટતા કરી છે કે કાર્યવાહી માત્ર એક ખાસ બેચ પૂરતી મર્યાદિત છે.

Top Stories India
FSSAI Water Testing: બિસ્લેરી વિવાદ બાદ FSSAIનું મોટું પગલું, 1થી 2 મહિનામાં આવશે દેશભરના બોટલબંધ પાણીની તપાસનો રિપોર્ટ

India News: બિસ્લેરીના પાણીના સેમ્પલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે (FSSAI) દેશભરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની તપાસ શરૂ (FSSAI Water Testing) કરી છે. બજારમાં વેચાતી વિવિધ બ્રાન્ડના બોટલબંધ પાણીની ગુણવત્તા અને સુરક્ષાના ધોરણોની ચકાસણી કરવામાં આવશે. આ તપાસનો રિપોર્ટ આવતાં અંદાજે 1થી 2 મહિનાનો સમય લાગી શકે છે. FSSAIના CEO રજિત પુનહાનીએ આ અંગે માહિતી આપી છે.

FSSAI Water Testing: દેશવ્યાપી મોનિટરિંગ અભિયાનનો ભાગ છે તપાસ

FSSAIના CEO રજિત પુનહાનીએ જણાવ્યું કે, આ તપાસ દેશભરમાં ચાલી રહેલા મોનિટરિંગ અભિયાનનો એક ભાગ છે. તેનો મુખ્ય હેતુ બજારમાં વેચાતાં ખાદ્ય અને પીણાંની ગુણવત્તાની ચકાસણી કરવાનો અને નિર્ધારિત માપદંડોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (Packaged Drinking Water)ને કોઈ ખાસ કારણસર તપાસ માટે પસંદ કરવામાં આવ્યું નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે ફૂડ સેક્ટરમાં કામ કરતી કંપનીઓએ પોતાના ઉત્પાદનોની જાહેરાત કરતી વખતે યોગ્ય અને જવાબદાર દાવા કરવા જોઈએ. જાહેરાત કરતી વખતે માત્ર કાયદાકીય નિયમો જ નહીં, પરંતુ તેના નૈતિક પાસાઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ગયા વર્ષે પણ અનેક ખાદ્ય ઉત્પાદનોની તપાસ થઈ હતી

FSSAIના CEOના જણાવ્યા અનુસાર, સંસ્થા દર વર્ષે અલગ-અલગ ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાની તપાસ કરે છે. ગયા વર્ષે દૂધ, માંસ, ઈંડાં, અનાજ, એનર્જી ડ્રિંક્સ અને મીઠાં પીણાં સહિત અનેક ઉત્પાદનોની ચકાસણી કરવામાં આવી હતી. આ જ પ્રક્રિયાના ભાગરૂપે આ વખતે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે.

શું છે બિસ્લેરીનો સમગ્ર વિવાદ?

FSSAIની આ કાર્યવાહી બિસ્લેરી ઇન્ટરનેશનલના ગોવા પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલને લઈને ચાલી રહેલા વિવાદ (Bisleri Water Controversy) વચ્ચે થઈ છે. 23 નવેમ્બરે FSSAIએ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.

પ્રારંભિક તપાસમાં પાણીના સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા મુજબ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.

કંપનીની અપીલ બાદ સેમ્પલને ફરી તપાસ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાં પણ સેમ્પલને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તપાસમાં પાણીમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી સામે આવી હતી.

માત્ર એક ખાસ બેચના વેચાણ પર પ્રતિબંધ

FSSAIએ સ્પષ્ટતા કરી છે કે બિસ્લેરી સામેની કાર્યવાહી સમગ્ર કંપનીના ઉત્પાદનો પર નહીં, પરંતુ ગોવા પ્લાન્ટમાં તૈયાર થયેલા એક ખાસ બેચ પૂરતી મર્યાદિત છે. આ સેમ્પલ દક્ષિણ ગોવાના વર્ના ઇલેક્ટ્રોનિક સિટી સ્થિત પ્લાન્ટમાંથી લેવામાં આવ્યું (FSSAI Investigation) હતું. સંબંધિત બેચનો નંબર GO 270 છે.

ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમની કલમ 36(3) હેઠળ FSSAIએ આ બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પણ આપ્યો છે.

બિસ્લેરી કંપનીએ શું સ્પષ્ટતા કરી?

બિસ્લેરી ઇન્ટરનેશનલે FSSAIની સ્પષ્ટતાનું સ્વાગત કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, વેચાણ પરનો પ્રતિબંધ માત્ર ગોવા પ્લાન્ટમાં 27 સપ્ટેમ્બર 2025ના રોજ તૈયાર કરાયેલા એક ચોક્કસ બેચ પર લાગુ પડે છે.

કંપનીએ દાવો કર્યો છે કે તે દર વર્ષે 50 હજારથી વધુ બેચ તૈયાર કરે છે અને સંબંધિત બેચનો કોઈ સ્ટોક હાલમાં બજારમાં ઉપલબ્ધ નથી. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે બીજી વખત કરવામાં આવેલી તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં ઓછું મળી આવ્યું હતું.

હવે દેશભરમાં શરૂ થયેલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની તપાસના પરિણામો પર સૌની નજર રહેશે. આગામી 1થી 2 મહિનામાં રિપોર્ટ આવ્યા બાદ પાણીની વિવિધ બ્રાન્ડની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.


આ પણ વાંચો: બિસલેરીના પાણીમાં PAH મળ્યાનો FSSAIનો દાવો, કંપની કહ્યું પાણી સંપૂર્ણ સુરક્ષિત

આ પણ વાંચો: કિચનમાં ફરતા વંદા અને માખીઓ પહોંચાડી શકે છે હોસ્પિટલ! FSSAI એ આપી મોટી ચેતવણી

આ પણ વાંચો: હિંગ ખરીદતા પહેલાં ચેતી જજો! એવરેસ્ટ અને LGની નકલી હિંગ પર FSSAI એ લગાવ્યો પ્રતિબંધ