Gandhinagar News: ગુજરાતમાં આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટો મતદાર યાદીની (Gujarat Voter List 2026) ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી શુક્રવારે, 27 નવેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવી છે. નવી યાદી મુજબ ગુજરાતમાં કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે. તેમાં 2,30,90,067 પુરુષ, 2,17,86,150 મહિલા અને 1,071 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. અગાઉની આખરી મતદાર યાદીની સરખામણીએ રાજ્યમાં 8,46,563 મતદારોનો ચોખ્ખો વધારો થયો છે.
Gujarat Voter List 2026: એક વર્ષમાં મતદારોની સંખ્યામાં 1.92 ટકાનો વધારો
ચૂંટણી પંચે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરેલી આખરી મતદાર યાદીમાં ગુજરાતમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયા હતા. જ્યારે 27 નવેમ્બર, 2026ના રોજ જાહેર થયેલી નવી મુસદ્દા યાદીમાં આ સંખ્યા વધીને 4,48,77,288 થઈ છે. આમ, અગાઉની યાદીની સરખામણીએ મતદારોની સંખ્યામાં 1.92 ટકાનો વધારો નોંધાયો છે.
ચૂંટણી પંચના (Gujarat Election Commission) આંકડા મુજબ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે મળેલા અને મંજૂર થયેલા ફોર્મ-6, ફોર્મ-6A તથા સ્થળાંતર માટેના ફોર્મ-8ની કુલ સંખ્યા 12,01,184 છે. બીજી તરફ, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-7 અને ફોર્મ-8 હેઠળ કુલ 3,54,621 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા અને સુધારા માટે તક
મુસદ્દા મતદાર યાદી જાહેર થયા બાદ હવે નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો તબક્કો શરૂ થયો છે. 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસી શકશે. યાદીમાં નામ ન હોય, વિગતોમાં ભૂલ હોય અથવા સરનામામાં ફેરફાર કરાવવો હોય તો નિયત ફોર્મ ભરીને અરજી કરી શકાશે.
કયા કામ માટે કયું ફોર્મ ભરવું પડશે?
ફોર્મ-6: મતદાર યાદીમાં નવું નામ (Form 6 7 8) દાખલ કરાવવા.
ફોર્મ-6A: વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોનું નામ નોંધાવવા.
ફોર્મ-7: મતદાર યાદીમાં કોઈ નામ સામે વાંધો લેવા અથવા નામ કમી કરાવવા.
ફોર્મ-8: સરનામું બદલવા, નામ કે અન્ય વિગતોમાં સુધારો કરવા, ડુપ્લિકેટ EPIC મેળવવા અથવા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા.
ત્રણ રવિવારે મતદાન મથકો પર BLO હાજર રહેશે
નાગરિકોને મતદાર યાદી ચકાસવામાં અને જરૂરી અરજી કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચે ત્રણ ખાસ ઝુંબેશ દિવસો જાહેર કર્યા છે. આ દિવસોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકો પર હાજર રહેશે. આ ઝુંબેશ દિવસો 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026 છે. આ દિવસોમાં નાગરિકો પોતાના મતદાન મથક પર જઈને મતદાર યાદીમાં નામ અને વિગતો ચકાસી શકશે તેમજ જરૂરી અરજી પણ રજૂ કરી શકશે.
2027માં 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ નામ નોંધાવી શકશે
ચૂંટણી પંચે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને પણ મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ કરી છે. 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા પાત્ર છે. આ ઉપરાંત વર્ષ 2027માં 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા સંભવિત યુવા મતદારો પણ અગાઉથી અરજી કરી શકશે.
ઓનલાઈન પણ ચકાસી શકાશે મતદાર યાદી
મતદારો ચૂંટણી પંચના વોટર્સ સર્વિસ પોર્ટલ https://voters.eci.gov.in અથવા ECINET મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર પણ મુસદ્દા મતદાર યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો સંબંધિત ERO કચેરી અથવા નિયત મતદાન મથક પર જઈને પણ યાદી ચકાસી શકશે.
EROના નિર્ણય સામે અપીલ કરવાની પણ જોગવાઈ
મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા આપવામાં આવેલા કોઈ હુકમથી અસંમત હોય તેવા નાગરિકો જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રથમ અપીલ કરી શકશે. ત્યારબાદ પ્રથમ અપીલના નિર્ણય સામે મુખ્ય નિર્વાચન અધિકારી (CEO), ગુજરાત સમક્ષ બીજી અપીલ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
18 જાન્યુઆરી, 2027ના રોજ આખરી મતદાર યાદી જાહેર થશે
મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને યુવાનો, પ્રથમ વખત મતદાન કરનારા, થર્ડ જેન્ડર, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને આ પ્રક્રિયામાં ભાગ લેવા જણાવાયું છે. હક્ક-દાવા અને વાંધાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવી મુસદ્દા યાદીમાં કુલ 4,48,77,288 મતદારો છે, જેમાં 2,30,90,067 પુરુષ, 2,17,86,150 મહિલા અને 1,071 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. અગાઉની આખરી યાદીના 4,40,30,725 મતદારોની સરખામણીએ 8,46,563નો ચોખ્ખો વધારો થયો છે, જે 1.92 ટકા છે. હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર, 2026 છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મતદારોમાં નિરસતા, અમદાવાદમાં સૌથી ઓછું મતદાન
આ પણ વાંચો: ગુજરાતમાં કાલે મતદાનનો મહાપર્વ, 4.08 કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ! 15 મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદારયાદી જાહેર
