Gujarat News/ ગુજરાતની મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 66.2% સુધી પહોંચ્યું!: સરકારી રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો, B-12 અને આયર્નની ઊણપ દૂર કરવાના ઉપાયો જાણો

Anemia in Gujarat: ભારત સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ગર્ભધારણ કરી શકે તેવી 66.2 ટકા મહિલાઓમાં એનિમિયા છે. જાણો હિમોગ્લોબિન ઓછું થવાનાં કારણો, B-12 અને આયર્નની ઊણપ દૂર કરવાના ઉપાયો.

Top Stories Gujarat Lifestyle
Anemia in Gujarat: ગુજરાતની મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 66.2 ટકા, સરકારી રિપોર્ટમાં SHOCKING REVELATION

Gujarat News: ગુજરાતમાં મહિલાઓ અને કિશોરીઓમાં લોહીની ઊણપ એટલે કે એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું (Anemia in Gujarat) છે. ભારત સરકારના આરોગ્ય વિભાગના 2023થી 2025ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 10થી 19 વર્ષની 61.4% કિશોરીઓ અને 20થી 59 વર્ષની 63.8% મહિલાઓ એનિમિયાથી પીડિત છે. જ્યારે ગર્ભધારણ કરી શકે તેવી મહિલાઓમાં આ પ્રમાણ 66.2% છે. નાના બાળકોમાં પણ એનિમિયાનું પ્રમાણ 56.5% નોંધાયું છે. શરીરમાં હિમોગ્લોબિન ઓછું થવાથી થાક, નબળાઈ અને શ્વાસ ચડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Anemia in Gujarat: ગુજરાતમાં એનિમિયાનું પ્રમાણ કેટલું?

ભારત સરકારના રિપોર્ટમાં 2023થી 2025 દરમિયાન લેવામાં આવેલા લોહીના નમૂનાઓના આધારે વિવિધ વયજૂથોમાં એનિમિયાનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું (Gujarat Anemia Report) છે. ગુજરાતના આંકડા નીચે મુજબ છે:

1થી 4 વર્ષનાં બાળકો: 56.5%
5થી 9 વર્ષનાં બાળકો: 51.7%
10થી 19 વર્ષની કિશોરીઓ: 61.4%
10થી 19 વર્ષના કિશોરો: 41.5%
20થી 59 વર્ષની મહિલાઓ: 63.8%
20થી 59 વર્ષના પુરુષો: 28.6%
60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ: 53.1%
60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો: 49.6%

આ આંકડાઓ મુજબ ગુજરાતમાં મહિલાઓ અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ વધારે છે. ખાસ કરીને બાળકોમાં એનિમિયા તેમના શારીરિક વિકાસ અને શૈક્ષણિક ક્ષમતા પર અસર કરી શકે છે.

એનિમિયા એટલે શું અને હિમોગ્લોબિનનું કામ શું?

એનિમિયા એટલે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવું. હિમોગ્લોબિન લાલ રક્તકણોમાં રહેલું પ્રોટીન છે, જે ફેફસાંમાંથી ઓક્સિજન લઈને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે.

શરીરમાં હિમોગ્લોબિન ઓછું થાય ત્યારે અંગો સુધી પૂરતો ઓક્સિજન પહોંચાડવામાં મુશ્કેલી થઈ શકે છે. તેના કારણે સતત થાક લાગવો, નબળાઈ, ચક્કર આવવા અને શ્વાસ ચડવા જેવી તકલીફો થઈ શકે છે.

હિમોગ્લોબિન જાળવવામાં આયર્ન, વિટામિન B-12 અને ફોલિક એસિડ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પોષક તત્ત્વોની ઊણપ એનિમિયાનું એક કારણ બની શકે છે.

ગુજરાતમાં એનિમિયા વધવાનાં કારણો શું?

શેલ્બી હોસ્પિટલનાં હેમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ ડૉ. ઐશ્વર્યા રાજના જણાવ્યા મુજબ, ગુજરાતમાં શાકાહારી આહારનું પ્રમાણ વધારે હોવાથી કેટલાક લોકોમાં વિટામિન B-12 અને આયર્નની ઊણપ જોવા મળી શકે (Gujarat Health News) છે. ઈંડાં, માછલી અને માંસ જેવા ખોરાકમાંથી B-12 અને આયર્ન મળે છે. જોકે, શાકાહારી આહારમાંથી પણ યોગ્ય આયોજન દ્વારા જરૂરી પોષક તત્ત્વો મેળવી શકાય છે.

તેમના જણાવ્યા મુજબ, કિશોરોમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. કેટલાક દર્દીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ માત્ર 2થી 4 ગ્રામ સુધી હોવાનું પણ સામે આવ્યું છે.

ઉંમર વધવાની સાથે બોન મેરોની કાર્યક્ષમતામાં ફેરફાર થવાથી પણ લોહી બનાવવાની પ્રક્રિયા પર અસર થઈ શકે છે. બોન મેરો એટલે હાડકાંની અંદર રહેલો મૃદુ પદાર્થ, જ્યાં રક્તકણોનું નિર્માણ થાય છે.

વિટામિન B-12ની ઊણપ કેવી રીતે દૂર કરવી?

વિટામિન B-12 શરીરની નર્વસ સિસ્ટમ, રક્તકણો અને DNAના નિર્માણ માટે જરૂરી છે. શરીર આ વિટામિન જાતે બનાવી શકતું નથી, તેથી ખોરાકમાંથી મેળવવું જરૂરી છે.

વિટામિન B-12 મેળવવા માટે દૂધ, દહીં, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો ઉપયોગી છે. આ ઉપરાંત ઈંડાં, માછલી અને માંસમાંથી પણ B-12 મળે છે.

B-12ની ઊણપ હોય તો થાક, નબળાઈ, ભૂખ ઓછી લાગવી, જીભમાં દુખાવો અને હાથ-પગમાં ઝણઝણાટી જેવી સમસ્યાઓ થઈ શકે (Anemia Symptoms) છે.

કેટલાક લોકો થાક લાગતાં જ પોતાની રીતે B-12નાં ઇન્જેક્શન લેવાનું શરૂ કરી દે છે. ડૉ. ઐશ્વર્યા રાજના જણાવ્યા મુજબ, આવું કરવાને બદલે પહેલાં લોહીની તપાસ કરાવવી જોઈએ. B-12ની ઊણપની પુષ્ટિ થયા બાદ જ ડૉક્ટરની સલાહ પ્રમાણે ટેબ્લેટ કે ઇન્જેક્શન લેવા જોઈએ.

ROનું પાણી પીવાથી B-12 ઘટે છે?

ઘણા લોકોમાં એવી માન્યતા છે કે ROનું પાણી પીવાથી શરીરમાં વિટામિન B-12નું પ્રમાણ ઘટે છે. જોકે, ROનું પાણી પીવાથી સીધી રીતે B-12ની ઊણપ થાય છે તેવો વૈજ્ઞાનિક પુરાવો નથી. તેથી એનિમિયા કે B-12ની ઊણપ માટે માત્ર ROના પાણીને જવાબદાર ગણવું યોગ્ય નથી.

આયર્ન વધારવા માટે શું કરવું?

હિમોગ્લોબિન જાળવવા માટે આયર્ન પણ ખૂબ જરૂરી છે. શાકાહારી લોકો પાલક, બ્રોકલી, ફૂલાવર, કઠોળ અને અન્ય આયર્નયુક્ત ખોરાકનો આહારમાં સમાવેશ કરી શકે છે. આ ઉપરાંત લોખંડના વાસણમાં બનાવેલો ખોરાક પણ આયર્ન મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

ડૉ. ઐશ્વર્યા રાજના જણાવ્યા મુજબ, ભોજનની સાથે ચા કે કોફી પીવાથી ખોરાકમાંથી મળતા આયર્નનું શોષણ ઘટી શકે છે. તેથી ભોજન અને ચા-કોફી વચ્ચે યોગ્ય સમયનું અંતર રાખવું જોઈએ. વારંવાર એસિડિટીની દવાઓ લેતા લોકોમાં પણ આયર્નના શોષણ પર અસર થઈ શકે છે.

આયર્નની ઊણપ હોય ત્યારે માથાનો દુખાવો, ચક્કર આવવા, જીભમાં સોજો, વાળ ખરવા અને પગ હલાવવાની સતત ઇચ્છા થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આયર્ન અને B-12ની ગોળીઓ જાતે ન લો

થાક લાગવો એટલે હંમેશાં હિમોગ્લોબિન ઓછું છે એવું જરૂરી નથી. તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. તેથી લોહીની તપાસ કરાવીને હિમોગ્લોબિન, આયર્ન અને વિટામિન B-12નું પ્રમાણ જાણવું જરૂરી છે. રિપોર્ટના આધારે ડૉક્ટરની સલાહથી જ દવાઓ અને સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. શરીરમાં જરૂરિયાત કરતાં વધુ આયર્ન જમા થવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.


આ પણ વાંચો: નાના બાળકો માટે ચા કેમ ગણાય છે ઝેર સમાન? જાણો કેફીન અને એનિમિયા વચ્ચેનો ખતરનાક સંબંધ

આ પણ વાંચો: જો તમારી ત્વચા પીળી થઈ ગઈ છે તો તમે પણ એનિમિયાથી પીડિત છો, આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

આ પણ વાંચો: કેટલા સુરક્ષિત છે એલ્યુમિનિયમના વાસણો…એમાં શું ન રાંધવું જોઇએ? એક્સપર્ટ પાસેથી જાણો…