Tech and Auto: રશિયામાં હવે આકાશમાં ઉડતું સામાન્ય દેખાતું કબૂતર જ કેમેરા સાથેનું બાયોડ્રોન (Biodrone Pigeon) બની ગયું છે. મગજમાં ઇલેક્ટ્રોડ અને છાતી પર કેમેરા ધરાવતા આ પક્ષીને દૂર બેઠેલો ઓપરેટર રિમોટથી દિશા આપે છે. હવાઈ ફોટોગ્રાફીની આ સેવા રશિયામાં ટ્રાયલ ધોરણે શરૂ થઈ છે.
Biodrone Pigeon : નીરી કંપનીનું બાયોડ્રોન અને તેની રચના

ન્યુરોટેક્નોલોજી કંપની નીરી (Neiry)એ ‘PJN-1’ નામનું આ બાયોડ્રોન નવેમ્બર 2025માં પહેલીવાર રજૂ કર્યું હતું. કંપનીએ 25 નવેમ્બર 2026થી હવાઈ ફોટોગ્રાફી (Aerial Photography) માટે ટ્રાયલ ઓર્ડર લેવાનું શરૂ કર્યું છે, જેની શરૂઆતની કિંમત 300,000 રુબલ છે. કબૂતરના મગજના ચોક્કસ ભાગોમાં બાયોકોમ્પેટિબલ ઇલેક્ટ્રોડ બેસાડાયા છે, જે પીઠ પરના નાના બેકપેક સાથે જોડાયેલા છે.
આ બેકપેકમાં કંટ્રોલ સિસ્ટમ અને GPS છે, જ્યારે છાતી પરનો કેમેરા હાલ 20 સેન્ટિમીટર પ્રતિ પિક્સેલની સ્પષ્ટતાના ફોટા લે છે. કંપનીનું લક્ષ્ય તેને 1થી 2 સેન્ટિમીટર સુધી લઈ જવાનું છે.
મગજમાં સંકેત મોકલી દિશા અપાય છે
આ સિસ્ટમ ન્યુરલ ઇન્ટરફેસ (Neural Interface) પર કામ કરે છે, જેમાં મગજના ચોક્કસ ભાગમાં હળવા વિદ્યુત સંકેતો મોકલી ડાબે કે જમણે વળવાની દિશા અપાય છે. કબૂતરના મગજમાં કોઈ કમ્પ્યુટર નથી, તેથી સંતુલન જાળવવાનું અને અવરોધોથી બચવાનું કામ પક્ષી પોતે જ કરે છે. ઓપરેટર GPS દ્વારા લાઈવ લોકેશન જુએ છે અને ઉડાન પહેલાં રૂટ પણ નક્કી કરી શકે છે. કંપનીના દાવા પ્રમાણે 100 કિલોમીટરથી વધુ દૂરથી પણ સંકેત આપી શકાય છે.
ડ્રોન કરતાં લાંબી ઉડાન, ઉપયોગ અને પ્રાઈવસી
કંપની કહે છે કે લેબની બહાર 100થી વધુ સફળ ઉડાનમાં 1,000થી વધુ ફોટા લેવાયા છે, અને સૌથી લાંબી ઉડાન 10 કલાકથી વધુ ચાલી હતી. યાંત્રિક ડ્રોનને મોટર અને મોટી બેટરી જોઈએ, જ્યારે કબૂતર પોતાના બળથી ઉડે છે. પાવર લાઈનો, ગેસ-ઓઈલ પાઈપલાઈન, શહેરી મેપિંગ અને જંગલના નિરીક્ષણ જેવાં કામમાં તેનો ઉપયોગ થશે. સર્વેલન્સ (Surveillance) જેવા કામમાં પ્રાઈવસી જાળવવા ગ્રાહકને ફોટા આપતા પહેલાં AI દ્વારા લોકોના ચહેરા ઝાંખા કરાય છે, એવો કંપનીનો દાવો છે.
ભવિષ્યની યોજના અને નૈતિક પ્રશ્નો
સ્થાપક એલેક્ઝાન્ડર પાનોવ મુજબ, ભવિષ્યમાં ભારે સામાન માટે કાગડા, દરિયાકાંઠા માટે સીગલ અને સમુદ્ર સંશોધન માટે આલ્બાટ્રોસ પર પણ આ ટેક્નોલોજી લગાવવાની યોજના છે. બ્રાઝિલ અને ચીનમાં પણ બજાર વિકસાવવાની તૈયારી છે.
બીજી તરફ પક્ષીઓના કલ્યાણ (Animal Welfare) અંગે સવાલો ઉઠ્યા છે. નિષ્ણાતો કહે છે કે સામાન્ય કબૂતર પર કોઈને શંકા ન જાય, એટલે જાસૂસી કે લશ્કરી હેતુ માટે દુરુપયોગનું જોખમ છે. કંપની કહે છે કે રશિયાના બે મંત્રાલયોએ પ્રોજેક્ટની તપાસ કરી છે, પણ તેના દાવાઓની સ્વતંત્ર વૈજ્ઞાનિક ચકાસણી હજુ બાકી છે.
આ પણ વાંચો: કડીમાં કબૂતરબાજ એજન્ટોનું કારનામું! લંડન જવાને 15 કરોડના ટ્રાન્જેક્શનની ધુમ
આ પણ વાંચો: કબૂતરો બાલ્કનીમાં ગંદકી ફેલાવે છે? એનાથી છૂટકારો મેળવવાની ટિપ્સ…
