Kadi News:મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં વિદેશ મોકલવાના નામે યુવાનોને ઠગતા કબૂતરબાજ એજન્ટોનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે. કડી પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે નોંધાયેલી ફરિયાદ મુજબ, વિજય પટેલ અને તેની પત્ની રેખા તિવારીએ લંડન જવા ઇચ્છુક યુવાન રાજકુમાર સોનીને ઠગીને તેના નામે ખોલાવેલા બે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી રૂ. 15.50 કરોડથી વધુની શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરી છે.
કડી તાલુકાના એક ગામના રહેવાસી રાજકુમાર સોની વર્ષ 2022માં વિદેશ (Abroad) જવા ઇચ્છતા હતા.તેમણે વિજય પટેલ અને રેખા તિવારીનો સંપર્ક કર્યો, જેઓ પોતાને વિઝા-પાસપોર્ટ એજન્ટ તરીકે ઓળખાવતા હતા.એજન્ટ દંપતીએ રાજકુમારને લંડન (London) મોકલવાના બહાને રૂ. 15 લાખથી વધુ રોકડા લીધા અને તેના નામે બે અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓની પાસબુક, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગની તમામ ઍક્સેસ એજન્ટોએ પોતાની પાસે રાખી લીધી હતી.
એક વર્ષ સુધી રાજકુમારને લંડન ન મોકલતા તેણે બીજા એજન્ટ દ્વારા પોતાના ખર્ચે વિઝા કઢાવીને લંડન પહોંચી ગયો. પરંતુ એજન્ટોએ તેના નામે ખોલેલા બેંક એકાઉન્ટનો દુરુપયોગ ચાલુ રાખ્યો.રાજકુમાર જ્યારે લંડનમાં હતા ત્યારે તેના નામે ખોલાયેલા બે એકાઉન્ટમાંથી રૂ. 15 કરોડ 50 લાખથી વધુની ટ્રાન્ઝેક્શન થઈ.આ રકમ અનેક ખાતાઓમાંથી આવી અને અનેક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી. મોટા ભાગની રકમ હવાલા, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોવાની શંકા છે.
આ ટ્રાન્ઝેક્શનને કારણે ઇન્કમટેક્સ વિભાગ (Income Tax Department) તરફથી રાજકુમાર સોનીના નામે સતત નોટિસો આવવા લાગી. લંડનમાં રહેતા રાજકુમારે જ્યારે બેંક સ્ટેટમેન્ટ તપાસ્યા ત્યારે તેને ખબર પડી કે તેના નામે કરોડો રૂપિયાની હેરાફેરી થઈ છે, જ્યારે તેણે ક્યારેય આટલી રકમ જોઈ પણ ન હતી.રાજકુમાર સોની લંડનથી પરત ફર્યા બાદ સીધા કડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વિજય પટેલ અને રેખા તિવારી ફરિયાદ નોંધાવી.
આ પણ વાંચો: મહેસાણા કબૂતરબાજીમાં 62 લાખનો ચૂનો, પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી
