વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની કટોકટીના કારણે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી હતી જે પરિસ્થિતિને રાજ્ય સરકારે ગંભીરતાથી લઇ રાજકોટ જિલ્લાના ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પહોંચતો કરી દેવામાં આવ્યો છે, આગામી દિવસોમાં એન્જીનીયરો દ્વારા ઇન્સ્ટોલેશન કરી કાર્યરત કરી દેવામાં આવનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વાણવી એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના ની પહેલી અને બીજી લહેર માંથી આપણે બધાને ઘણું શીખવા મળ્યું છે ઓક્સિજનની કટોકટીના કારણે દર્દી અને દર્દીના પરિવારજનોને ખૂબ હેરાન થવું પડ્યું હતું ,આવી પરિસ્થિતિ ત્રીજી લહેરમાં ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે તાકીદના પગલાં લઇ રાજકોટ જિલ્લામાં પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ૨૫૦ લીટર પર મિનિટની કેપેસીટીના ઓક્સિજન જનરેશન પ્લાન્ટની મશીનરી પહોંચતી કરી આપવામાં આવી છે.
આ મશીનની કિંમત આશરે 34 થી 35 લાખ ગણી શકાય તેમ છે, આગામી દિવસોમાં એન્જિનિયરોની ટીમ આવી ઇન્સ્ટોલેશન નું કામ કરી આપશે ત્યારબાદ દર્દીઓને ઓક્સિજન અહીંથી જ મળવાનું શરૂ થઈ જશે સરકારનું આ કાર્ય ખુબ જ સરાહનીય છે. તેને ત્રીજી લહેરની સામે તકેદારીના ભાગરૂપે નું પગલું પણ ગણી શકાય તેમ છે તેવું અંતમાં જણાવ્યું હતું.

