Not Set/ કોંગ્રેસ એક ભવ્ય ઐતિહાસિક વારસામાંથી ખંડેર તરફ ઢહી રહેલ વિપક્ષ ..

અહીં લોકશાહી માટે ઘાતક બાબત તે છે કે, સત્તાધારી પક્ષ સામે હાલ મેદાનમાં કોઈ નથી.

India Trending

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

દેશમાં કોરોના, મોંઘવારી અને બેરોજગારી કરતા પણ વધુ મહત્વ હાલ જો કોઈ ચીજને મળી રહ્યું હોય તો તે છે ચૂંટણીલક્ષી તૈયારીઓ અને તેને લગતા જૂમલાઓ પર કે જે હાલ ટોપ પર છે. દેશના તમામ પક્ષોની આ જ સ્થિતિ છે. જેમાં લોકોની કફોડી હાલત અને રાજનીતિના  દાવપેચ જોતા તે વિચાર આવે છે કે, શું દેશને આ રોગચાળાના ચાલી રહેલ યુગમાંથી બહાર નીકાળવા સિવાય શું કોઈ કામ મહત્વનું હોઈ શકે છે? આખરે જાન હૈ તો જહાં હૈ… અને વળી પડ્યા પર પાટુની જેમ લોકોએ તેમની હેલ્થની સાથે સાથે બેકારી, મોંઘવારી અને મંદીથી પણ ઝઝૂમવાનું છે. હેલ્થ સેક્ટર પણ કોરોના દરમિયાન નાકામિયાબ રહ્યું જેને પગલે સ્વાસ્થ્ય મંત્રીનો ભોગ લઇ હાથ ખંખેરવાનું કામ કરાયું છે.

પરંતુ શું લોકોની અને લોકતંત્રની હાલત સુધારવા આટલું પૂરતું છે? કેમ , કે અત્યારની સ્થિતિમાં ખાસ તો લોકોને કોરોના મુદ્દે પ્રથમ તો રાહત મળે, મોંઘવારી, વધતા પેટ્રોલના ભાવો, મંદી અને બેરોજગારી મુદ્દે લોકોને શાતા મળે. લોકો દેશની હવામાં શાંતિના શ્વાસ લઇ શકે. ફરી સડકો વ્યસ્ત બને. સાંજ સામાન્ય બને. તેની જરૂર છે. નહીં કે ચૂંટણીલક્ષી પગલાંઓ ભરી રાજનીતિ ખેલવાની જરૂર છે.

પરંતુ અહીં ખાટલે મોટી ખોડ તે છે કે, સત્તાધારી પક્ષ સામે હાલ મેદાનમાં કોઈ નથી. અન્યથા લોકશાહી દેશમાં સત્તાધારી પક્ષ સામે મજબૂત વિરોધ પક્ષ તે મજબૂત લોકતંત્રની નિશાની છે. સંસદ થી સડક પરનો વિરોધ યથા સમયે નોંધાવી શકે તેવો વિરોધ પક્ષ તે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. પરંતુ ડે બાય ડે કોંગ્રેસ તેની ગરિમા ગુમાવતું જાય છે. સંસદમાં ના ફક્ત તેની હાજરી પાંખી છે. પરંતુ વિચારશુન્ય બની ચૂકેલ કોંગ્રેસનો વિરોધનો સુર આછેરો પણ ક્યાંય ખાસ નોંધાઈ નથી રહ્યો.

સત્તા હોય કે કોર્પોરેટ વર્લ્ડ પરંતુ અહીં નાણાં કે સત્તા સેન્ટ્રલાઇઝ થાય ત્યારે તાનાશાહીનું સર્જન થાય છે. એકહથ્થું સત્તાનો પ્રકાર માર્કેટ કે સંસદ માટે ઘાતક બનતો હોય છે. અહીં મનમાની અને શોષણ નો પૂરતો ચાન્સ છે. અને વળી વિપક્ષ ધીમે ધીમે નિસ્તેજ અને નકારો થઇ ચુક્યો છે. એની પાસે વિરોધ નોધાવવાના મુદ્દા, પ્રજાને આકર્ષવાના મુદ્દા કે મજબૂત નેતાગીરીનો સદન્તર અભાવ છે.

વિપક્ષની આજે જે હાલત છે તે ઇતિહાસમાં પહેલીવાર જોવા મળી રહી છે. એક સમય હતો કે જયારે કોંગ્રેસ સર્વેસર્વા હતી. આઝાદી બાદ જવાહરલાલ  નહેરુના મર્મસ્પર્શી નેતૃત્વમાં કોંગ્રેસ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છ થી કામરૂપ સુધી આખા ભારતભરમાં કોંગ્રેસ સામે કોઈ પડકાર ન હતો. તે એકહથ્થું સામ્રાજ્ય કે સત્તા ભોગવતું હતું. જો, કે તે સમયે પણ આજની જેમ વિપક્ષ સાવ સામાન્ય સંખ્યામાં મોજુદ હતો. પરંતુ તે શરૂઆતી દોર હોવાથી સમજી શકાય છે કે આ સ્થિતિ હોઈ શકે.

પરંતુ આ તે સમય હતો કે, જયારે વિપક્ષ મુઠ્ઠીભર સંખ્યામાં હોવાછતાં તેમાં આચાર્ય નરેન્દ્ર દેવ, જયપ્રકાશ નારાયણ, એકે ગોપાલન, એસએ ડોંગે રામ મનોહર લોહિયા, મધુ લિમયે, અટલ બિહારી વાજપેયી, ઈંદ્રજિત ગુપ્ત, જ્યોર્જ ફર્નાન્ડિસ, જ્યોતિર્મય બાસુ, અને પ્રકાશવીર શાસ્ત્રી જેવા ધુરંધર નેતાઓ હતા. જેઓ સંસદમાં મહત્વના સવાલો , સરકારની જન વિરોધી નીતિઓ ને લઈને સંસદને ગજવવાનું કામ કરતા હતા. વળી આમાંના કેટલાક નેતાઓ તો સાંસદ પણ ન હતા તેમછતાં તેમની પ્રજામાં સાખ અને સરકારમાં ધાક રહેતી. સડક પર ઉતરી મજબૂત અવાજ રજુ કરવાની તેમની ક્ષમતા રહેતી…જે ધીમે ધીમે  કોંગ્રેસ જેવા એક સમયના ધુરન્ધર પક્ષમાંથી લુપ્ત થતી ચાલી છે,

જેમાંપણ 2014 બાદ તેમની પડતીની ગાથા વધુ ઘેરી બની છે. અને આજે સ્થિતિ તે છે કે, તેની પાસે સમ ખાવા પણ લોકોમાં ઇમેજ હોય તેવો એક નેતા નથી. ગુજરાતમાં પણ તે બદ થી બદતર સ્થિતિમાં છે. વિપક્ષના નેતા હોય કે પક્ષના નેતા કે પ્રદેશ પ્રમુખ પરંતુ સંગઠનનું માળખું ન કે બરાબર છે. અને ચૂંટણીઓ નજીકમાં હોવાછતાં હજી સુધી આ માટે કોઈ હલચલ જોવા નથી મળી રહી. ત્યારે સવાલ તે થાય છે કે, શું કોંગ્રેસનો મૂળ આત્મા જ મરી પરવાર્યો છે? શું તેના સપના જ નથી રહ્યા? શું કોંગ્રેસ સત્તાધારી પક્ષ સામે માનસિક રીતે જ હાર સ્વીકારી ચુકી છે?

ત્યારે કહેવાનો આશય છે કે, અગર વિરોધ પક્ષ તરીકે બેસવાની પણ જો કોંગ્રેસે ક્ષમતા ગુમાવી દીધી હોય તો સત્તામાં આવવાના સપના જોવાનો તેને કોઈ અધિકાર નથી. બાકી કોંગ્રેસે તે ન ભૂલવું જોઈએ કે તેનો જન્મ જ આઝાદીની અવધારણા સાથે થતો હતો. છેક 1885 માં ગઠન પામેલ કોંગ્રેસનો આઝાદી લડતમાં આખો ગૌરવપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. જવાહરલાલ, સરદાર પટેલ અને ઇન્દિરા જેવા લોખંડી નેતાઓ તેની શાન રહ્યા છે. પરંતુ કોઈ રાજાના મહેલ ની જેમ એક ગૌરવવંતો વારસો આજે ખંડેર બનતો ચાલ્યો છે.

જે જોઈ મન ગ્લાનિ અનુભવે છે. એક સમયે દેશના ધુરન્ધર નેતાઓ કોઈપણ પક્ષમાંથી આવતા પરંતુ તેમની પાસે રાષ્ટ્ર નિર્માણના સપનાઓ રહેતા. વિચારો અને કાર્યક્રમોની દોલત હતી. આ નેતાઓ જયારે સરકાર સામે કોઈ નીતિગત મામલે વિરોધ ઉઠાવતા તો સત્તાધારીઓ પણ ઢીલા પડી જતા. વિપક્ષ સડકો પર તેના કર્યક્રમો આપતો . અને આમાંના મુખ્ય આંદોલનો પ્રજાની રોજિંદી જિંદગી સાથે જોડાયેલ સવાલોને લઈને થતા હતા. જરૂર પડે જેલો પણ ભરાતી. તે સમય ટીવી ન હતા તેમછતાં લોકોમાં વિપક્ષ એક ઈમેજ જાળવી શકતો. અટલ બિહારી વાજપેયી તેનું ઉત્તમ ઉદાહરણ હતા..

ત્યારે આખરે કહેવાનું તે જ છે કે, દેશમાં અગર એક મજબૂત વિરોધ પક્ષ ન હોય તો દુનિયાની મોટી લોકશાહીની શાન જોખમમાં છે. સત્તાધારી પક્ષ અગર તેને માફિક આવે તેવા જ કાયદાઓ ઘડશે તો દેશમાં એકચક્રી અને એકહથ્થું શાસન સ્થપાશે. જે કોઈ હિસાબે યોગ્ય ન ગણાય.  લોકશાહીની શાનો શોકત માટે આ સ્થિતિ શરમજનક છે.  તેથી કોંગ્રેસે પોતાની અને દેશની ગરિમા બચાવવા જાગો કોંગ્રેસ જાગો અભિયાન હાથ ધરવું જોઈએ.

સંતરામપુર ગર્ભપાત મામલો / જો હું જ જેલમાં જતો રહીશ તો તને કોણ જેલમાંથી બહાર કઢાવશે : હોસ્પિટલના ડોક્ટર

લાંચીયો અધિકારી / ગાંધીનગરમાં R & Bના અધિકારી નિપુણ ચોકસી પાસેથી ACBએ જપ્ત કર્યા સવા બે કરોડ રોકડા