ભાવનગર/ સિહોર પંથકમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતાતુર : અનેક ગામમાં બિયારણ ફેલ

ખેડૂતોની આકાશ તરફ મીટ હજારો હેક્ટરમાં વાવેતર બાદ વરસાદ વધારે ખેંચાય તો બિયારણ નિષ્ફળ જવાનો ભય

Gujarat Others
ભાવનગર

સિહોર પંથકમાં લગભગ હજારો હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતરતો થયું પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વાવેલા  બિયારણ  નિષ્ફળ  જવાની બીકે ચિંતાતુર થઇ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. જો સમયસર વરસાદ થાય તો પાકને જીવતદાન મળી રહે એવી આશાએ ખેડૂતો કુદરત પર ભરોસો રાખી બેઠા છે.

વરસાદ ખેંચાતા ખેડૂતો હજારો રૂપિયાનું મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે . જિલ્લાના કેટલાક ભાગોમાં ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ વાવણી બાદ ખેતીને જોઈએ એવો વરસાદ નહિ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે . તેમજ ઈશ્વર પાસે સારા વરસાદની આજીજી કરી રહ્યા છે. આ વર્ષે ઉનાળો પૂરો થતાં ખેડૂતોએ વાવણી કરવા માટે જમીન ખેડવાનો પ્રારંભ કરી દીધો હતો અને વાવણી માટે ખાતર છાંટી જમીન તપાવીને તૈયારી કરી લીધી હતી. ત્યાર બાદ સમયસર ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં ખેડૂતોએ વાવણીનો પણ પ્રારંભ કરી દીધો હતો.

સિહોર

ખેડૂતો દ્વારા જિલ્લામાં કપાસ, બાજરી,  જુવાર, મગફળી અને ઘાસચારા સહિત હજારો હેકટરમાં વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ વાવણી કર્યા બાદ ઘણા લાંબા સમયથી વરસાદ ખેંચાઇ રહ્યો છે. જે ખેડૂતોની વાડીઓમાં પિયતની સગવડ છે એવા ખેડૂતોને હાલ તો વાંધો આવે તેમ  નથી. પરંતુ જે ખેડૂતો પિયતની સગવડ નથી ધરાવતા એટલે કે જેમની પાસે કુવા કે બોર નથી એવા ખેડૂતો ચોમાસાના વરસાદ પર નિર્ભર હોય છે. જિલ્લામાં અનેક તાલુકાઓમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાઇ રહ્યો છે. વાવણી લાયક વરસાદ થયા બાદ વરસાદ વિરામ લઇ લીધો છે. જો ચાર – પાંચ દિવસમાં વરસાદ નહિ વરસે તો ખેડૂતોનું બિયારણ નિષ્ફળ જઈ શકે છે. ત્યારે પેટે પાટા બાંધી મોંઘાં ભાવનું બિયારણ લાવી વાવેતર કર્યા બાદ વરસાદ નહિ થતા બિયારણ નિષ્ફળ જવાની બીકે ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. અત્યાર સુધીમાં વડિયા, ઉસરડ ગામનાં ખેડૂતોને બિયારણ નિષ્ફળ ગયું છે. તેમજ ઈશ્વર પાસે સમયસર સારો વરસાદ વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો : અઢી વર્ષ બાદ બીજેપીનું ઓપરેશન લોટસ સફળ, આખરે શાહની રણનીતિ ફરી કામ આવી