Gujarat surat/ સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ અપાતી ટ્રીટમેન્ટનો અભાવ, MLA કાનાણીએ આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર

રાજ્ય સરકાર દ્વારા જે બાળકો જન્મથી બોલી કે સાંભળી શકતા નથી તેવા બાળકોની ચિંતા કરીને આ બાળકોને મદદરૂપ થઈ શકાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્ય કોકક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરીની સુવિધા આપવામાં આવે છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News:સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારની RBSK યોજના હેઠળ કરવામાં આવતી કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરીમાં બાળકોને પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરી હતી. ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે બાળકો જન્મથી બોલી કે સાંભળી શકતા નથી તેવા બાળકોની ચિંતા કરીને આ બાળકોને મદદરૂપ થઈ શકાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્ય કોકક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરીની સુવિધા આપવામાં આવે છે. 2016 થી 1 ફેબ્રુઆરી 2023 સુધી ખાનગી હોસ્પિટલો સાથે સરકારે MOU કર્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં પણ બાળકોને આ ઓપરેશનની સુવિધા વિના મૂલ્ય આપવામાં આવતી હતી.

હવે માત્ર આ સુવિધા રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલોમાં જ RBSK યોજના હેઠળ આપવામાં આવે છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની એકમાત્ર મોટી હોસ્પિટલ છે અને જેમાં માત્ર ચાર જ ઓપરેશન થયા છે. સાથે જ ધારાસભ્ય કુમાર કાનાણીએ એવું પણ જણાવ્યું હતું કે કોકક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ તેની સફળતાનો આધાર સ્પીચ થેરાપી અને મેપિંગ થેરાપી ઉપર રહેલો છે અને જો આ થેરાપી સમયસર ન થાય તો ઓપરેશન નિરર્થક બને છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્પીચ થેરાપી અને મેપિંગ પ્રોગ્રામની કોઈપણ વ્યવસ્થા નથી. સ્ટાફ અને સાધનોની પણ કોઈ વ્યવસ્થા નથી અને તેના જ કારણે લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી ધક્કો ખાવું પડે છે.

ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા એવી પણ માગણી કરવામાં આવી છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આ યોજનાનો મહત્તમ લાભ મળી રહે તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ હેતુ છે પરંતુ તે પરિપૂર્ણ થતો હોય તેવું લાગતું નથી. તેથી અગાઉ રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ખાનગી હોસ્પિટલ સાથે MOU કરીને સર્જરી કરવામાં આવતી હતી તે પ્રમાણે ફરી આ યોજના લાગુ કરવામાં આવે.

ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતમાં વિવિધ પ્રાંતના લોકો રોજીરોટી કરવામાં માટે આવે છે. તો સુરતની સિવિલ હોસ્પિટલમાં બોલી અને સાંભળી ન શકતા હોય તેવા 36 જેટલા બાળકોની સર્જરી વેઇટિંગ છે. આ સર્જરી માટે બાળકની ઉંમર 6 વર્ષની થાય ત્યાં સુધી કરવાની હોય છે અને આવું થાય તો જ ઓપરેશનની સફળતાનો આંક ઊંચો આવે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં RBSK યોજના હેઠળ અંદાજિત 8 મહિનામાં ચાર ઓપરેશન થાય તો બોલી અને સાંભળી ન શકતા બાળકોની ઉંમર પણ પૂરી થઈ જાય અને સુરતની સિવિલ હોસ્પિટલમાં આવા બાળકોના ઓપરેશન પછી જે થેરાપી બાળકોને આપવી જોઈએ તે સ્પીચ થેરાપી અને મેપિંગ થેરાપી માટે સુરતથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારને વારંવાર ધક્કા ખાવા પડે છે. તેના જ કારણે આર્થિક રીતે ટિકિટનું ભારણ પણ આવતું હોય છે અને તેનો ભાર ગરીબ લોકોને સહન કરવો પડે છે.



આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા