Gujarat News : લોકસભાની અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમોમાં ઉપસ્થિત ન રહેતા તેની ગેરહાજરીની નોંધ લેવાતી હતી. તો બીજી તરફ માણાવદર બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તો પાટીલને પત્ર લખી કહ્યું હતું કે,- ‘જવાહર ચાવડાએ પત્ની અને પુત્રને આગળ કરી મારા અને માંડવીયા વિરુદ્ધ પ્રચાર કર્યો’. હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. ત્યારે માણાવદર વિધાનસભા વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓના યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, જે લોકો પોતાના નામ પાછળ ભાજપ લગાવી ફરતા હોય તેઓએ ભાજપ માટે કામ કરવું જોઈએ. સાવજ ડેરીના ચેરમેને પણ અસંતુષ્ટ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અસૂરી શક્તિઓએ હવનમાં હાડકા નાખવાનો પ્રયત્નો કર્યા હતા પણ કાર્યકર્તાઓ ડગ્યા નહીં.
જૂનાગઢના માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા વંથલીમાં ભાજપના કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ હાજરી આપી હતી. માંડવીયાએ તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તો સાથે ચૂંટણી સમયે ભાજપના જે નેતાઓ રિસાયા હતા તેઓને પણ નામ લીધા વિના મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. માંડવીયાએ કહ્યું હતું કે, જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેઓએ ભાજપનું કામ કરવું જોઈએ. છતા કેટલાક રિસાયા તો મેં આગેવાનો કહ્યું કે શું કરીશું?, તો આગેવાનોએ કહ્યું કે, લડી લેશુ.સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા એ જણાવ્યું હતું કે, મંત્રી મનસુખ માંડવીયાના ધ્યાન પર મુકું છું કે, માણાવદર વિધાનસભાના તમામે તમામ કાર્યકર્તાઓએ પાર્ટીના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા છે.આ માણાવદર વિધાનસભામાં અસૂરી શકિતએ હવનમાં હાડકા નાખવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા અને લોભ લાલચ પણ આપવામાં આવી. છતાં એક પણ કાર્યકર્તા ડગ્યો નથી.
મનસુખ માંડવીયાએ ભાજપના કાર્યકર્તાઓને શીખ આપતા કહ્યું હતું કે, અરવિંદભાઈ ધારાસભ્ય છે અને હું સંસદ સભ્ય છું. જરુર નથી કે બધાની અપેક્ષા પૂરી થઈ જશે. કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે ક્યારેય અયોગ્ય વાત નીકળવી જોઈએ નહીં.
ગુજરાતમાં 25 લોકસભા બેઠકની સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં માણાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો હતો. લાડાણીએ કહ્યું હતું કે, માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જિનિંગ ફેકટરીમાં કાર્યકર્તાઓની મિટિંગ બોલાવી તેમાં જાણ કરેલી કે, મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં 800થી વધુ કાર્યકર્તા હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી, મહામંત્રી જગદીશ મારુ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમ ચાવડા હાજર રહ્યા હતા અને ચૂંટણીના દિવસે પક્ષવિરોધી પ્રવૃતિ કરી મને હરાવવાના પ્રયાસો કર્યા હતા આ બાબતે મેં પ્રમુખ પાટીલ સાહેબને લેખિત જાણ કરી છે.
કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા અને બાદમાં મંત્રી પણ બનેલા જવાહર ચાવડા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ જતા સ્વભાવિક રીતે માણાવદર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે અરવિંદ લાડાણીને ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારે પોરબંદર લોકસભાની ચૂંટણી અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળતી હતી. તો બીજી તરફ તેમની સામે જ પક્ષવિરોધી પ્રવૃતિના આક્ષેપ થયા હતા.
અરવિંદ લાડાણીએ જેમની સામે પક્ષ વિરોધી પ્રવૃતિનો આક્ષેપ કર્યો છે તે જવાહર ચાવડાની 1988માં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. એ સમયે તેમની ઉંમર માત્ર 24 વર્ષ હતી. ત્યાર બાદ તેઓ 1990માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને જનતાદળના પ્રમુખ જયરામ પટેલને હરાવ્યા હતા. ત્યાર બાદ 1995 અને 1998માં ભાજપના રતિભાઈ સુરેજા સામે તેમનો પરાજય થયો હતો. જોકે 2007 અને 2012માં જવાહર ચાવડાએએ પરાજયનો બદલો લઈ રતિભાઈ સુરેજા સામે બે ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 2017માં ભાજપના નીતિનકુમાર ફળદુને હરાવ્યા હતા, પરંતુ 2019માં તેમણે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને પેટાચૂંટણીમાં કોંગ્રેસના અરવિંદ લાડાણીને હરાવ્યા હતા. 2019માં પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રૂપાણી સરકારમાં જવાહર ચાવડા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. 2022 વિધાનસભા ચૂંટણીમાં માણાવદર બેઠક પર જવાહર ચાવડા ભાજપના ઉમેદવાર હતા જ્યારે અરવિંદ લાડાણીએ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમાં અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા લાડાણી લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપે માણાવદર વિધાનસભા-2024ની પેટાચૂંટણીમાં અરવિંદ લાડાણીને ઉમેદવાર બનાવતા ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ પાટીલને પત્ર લખતા રાજનીતિ ગરમાઈ છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા
આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ
