Surat News : ફરી એકવાર સુરતમાં ડમ્પરચાલકે એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેમાં બાઈક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં લોકોએ ડમ્પર ચાલકને ઝડપી લીધો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ આવી પહોંચી હતી અને તેને પોલીસને સોંપી દેવાયો હતો.આ બનાવની વિગત મુજબ ડિંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ હાલ લિંબાયત નીલગિરિની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો.
સાહિલ પિતા સાથે જ બાઈક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા-પુત્ર બાઈક પર સાંઈ પોઇન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરચાલકે બાઈકને અડફેટે લીધી હતી. ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા. સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો, જેથી તેના પર ડમ્પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે તેના પિતા ડિવાઈડરની સાઈડ પટકાવાને કારણે બચી ગયા હતા.
બનાવ અંગે જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. બ્રિજ પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહનચાલકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પરચાલકની અટક કરી હતી. 15 વર્ષીય દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના દીકરાનું પોતાની જ નજર સામે મોતના પગલે ઘટનાસ્થળે માતા-પિતાના હૈયાફાટ રુદનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અકસ્માત સ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડિંડોલી પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ.50કરોડની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકાઈ
આ પણ વાંચો: જૂનાગઢમાં તંત્રએ આપ્યું એલર્ટ; પોરબંદર, દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો
