Vadodara News: હવામાન વિભાગે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 26 ઓગસ્ટના વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી, જેને લઇને સવારે 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
વડોદરા શહેરમાં સવારથી અત્યારસુધી 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ડેસરમાં 5 ઇંચ, સાવલીમાં સાડા ત્રણ ઇંચ, વાઘોડિયામાં પોણા ત્રણ ઇંચ વરસાદ, ડભોઇમાં 2 ઇંચ, પાદરામાં 5 ઇંચ, કરજણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાયા છે. શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલથી સંગમ ચાર રસ્તા સુધી રોડ પર પાણી ભરાયા છે. રોડ પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણીમાં જવા લોકો મજબૂર થયા છે. ત્યારે વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનામાં રેડ એલર્ટને પગલે શહેરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર વડોદરા જળમગ્ન બન્યું હતું. ત્યારે આજે ફરીથી વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે પણ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરામાં ફરી પૂરનું સંકટ ઉંભુ થયું છે. હાલ વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.
શહેરમાં 11 તો પાદરામાં 12 ઇંચ વરસાદ
ગત રોજ વડોદરા શહેરમાં સાંજે 4 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. જે સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ આજે રેડ એલર્ટના પગલે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં વડોદરાના 282 મીમી એટલે કે 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ પાદરામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યુ જેની અસરથી આવનારા 36 કલાકમા આટલા જિલ્લાઓમાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિભારે વરસાદ પડશે. તેથી સાવધાન રહેજો.
આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
