New Delhi News: નેપાળની ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરે (Nepal Flood) ભારે તબાહી મચાવી છે. આ ઘટનાએ 2013ની કેદારનાથ દુર્ઘટનાની યાદ તાજી કરી છે. બંને ઘટનાઓમાં અચાનક પાણી અને કાટમાળના પ્રવાહે લોકોને સંભાળવાની તક આપી નહોતી. આ બંને દુર્ધટનામાં શું છે સામ્યતા જાણો
Nepal Flood અને કેદારનાથની આપત્તિમાં શું સમાનતા?
નેપાળની આ ઘટનાએ જૂન 2013માં ઉત્તરાખંડના કેદારનાથ (Kedarnath Disaster)માં સર્જાયેલી વિનાશક હોનારતની યાદ અપાવી છે. બંને ઘટનાઓમાં પહાડી વિસ્તારમાં અચાનક મોટા પ્રમાણમાં પાણી અને કાટમાળ નીચે તરફ ધસી આવ્યા હતા.
કેદારનાથમાં ચોરાબારી ગ્લેશિયર પાસે બનેલા સરોવરના તૂટવાથી મંદાકિની નદી (Mandakini River)માં વિનાશક પૂર આવ્યું હતું. નેપાળની ઘટનામાં પણ ઉપરના વિસ્તારમાં બરફ અને પાણીના અચાનક પ્રવાહે પરિસ્થિતિ ગંભીર બનાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્લેશિયલ સરોવર તૂટે ત્યારે શું થાય?
વૈજ્ઞાનિક ભાષામાં આવી ઘટનાને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ એટલે કે GLOF કહેવામાં આવે છે. ગ્લેશિયર પીગળવાથી તેની આસપાસ બરફ, માટી અને પથ્થરોના કારણે કુદરતી સરોવર (Natural lake) બની શકે છે.
જો આ સરોવરમાં પાણીનું પ્રમાણ ખૂબ વધી જાય અથવા ભૂકંપ, બરફનો મોટો જથ્થો કે અન્ય કારણસર કુદરતી બંધ તૂટી જાય, તો પાણી ખૂબ ઝડપથી નીચે તરફ વહે છે. તેની સાથે કાદવ, પથ્થરો અને કાટમાળ પણ ધસી આવતાં રસ્તામાં આવેલી વસાહતો અને ઈમારતોને ભારે નુકસાન થઈ શકે છે.
ભોટેકોશી નદીમાં કેવી રીતે મચી તબાહી?
26 ઓગસ્ટની સવારે રસુવા જિલ્લા નજીક ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. તિબેટ તરફથી આવેલા પાણી અને કાટમાળના જોરદાર પ્રવાહે રસ્તામાં આવેલી અનેક ઈમારતોને નુકસાન પહોંચાડ્યું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અચાનક મોટો અવાજ સંભળાયો અને થોડી જ વારમાં આસપાસ કાદવ તથા કાટમાળ ફેલાઈ ગયો. અનેક લોકોને બચવાનો પૂરતો સમય પણ મળ્યો નહોતો.
વિશેષજ્ઞોનું માનવું છે કે નેપાળ-ચીન સરહદ નજીક બરફનો મોટો જથ્થો નદીના પ્રવાહમાં પડ્યો હોઈ શકે છે. તેના કારણે પાણીનો પ્રવાહ અટક્યો અને ત્યારબાદ દબાણ વધતાં અચાનક પાણીનો મોટો જથ્થો નીચે તરફ ધસી આવ્યો.
ભૂકંપથી વધ્યો હિમસ્ખલનનો ખતરો
આ ઘટનાને લઈને તિબેટીયન વિસ્તારમાં નોંધાયેલી ભૂકંપીય હિલચાલની પણ ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર સવારે 8:37 વાગ્યે 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ હિલચાલને કારણે બરફનો મોટો જથ્થો સરક્યો હોવાની શક્યતા અંગે નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત, ગયા વર્ષે પણ રસુવા વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું. તે સમયે પણ ઉપરના વિસ્તારમાં આવેલા હિમનદી સરોવર સાથે ઘટનાનું જોડાણ હોવાનું સામે આવ્યું હતું.
હિમાલયી વિસ્તારોમાં વધતું તાપમાન, ગ્લેશિયરનું પીગળવું અને બદલાતી હવામાન પરિસ્થિતિઓને કારણે આવી ઘટનાઓનું જોખમ વધી શકે છે. તેથી સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ, જળસ્તરની દેખરેખ અને સમયસર ચેતવણી આપતી વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી બની છે.
આ પણ વાંચો: નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર, આ નંબર પર કરો સંપર્ક
આ પણ વાંચો:નેપાળ પૂરમાં 21 ભારતીયોનું રેસ્ક્યુ, ગુજરાતના 12 પ્રવાસીઓ હજુ સંપર્કવિહોણા
