Bhavnagar News: મેવાસા ગામે 75 વર્ષીય વૃદ્ધ ખેડૂતના 20 વીઘાના ખેતરમાં 100 જેટલા ઢોર ઘુસાડી જુવારનો પાક બરબાદ કરાતા ખેડૂત (Farmer)માં રોષ ફેલાયો છે. ઘટનાને લઈને સ્થાનિક ખેડૂતો અને પાટીદાર સેવા સંઘે વલ્લભીપુર પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે.
20 વીઘાના ખેતરમાં Farmerનો પાક થયો બરબાદ
મેવાસા (Mevasa)ગામની ‘ચારણેસર’ સીમમાં ખેતી કરતા 75 વર્ષીય વાલજીભાઈ ભગવાનભાઈ મોરડીયાના ખેતરમાં અજાણ્યા શખ્સોએ ગેટ તોડીને પશુઓ ઘુસાડ્યા હોવાનો આક્ષેપ છે. 23 ઓગસ્ટના સવારે 10 વાગ્યાથી 25 ઓગસ્ટના સવારે 9 વાગ્યા દરમિયાન બનેલી આ ઘટનામાં અંદાજે 100 ઢોર ખેતરમાં ઘૂસી ગયા હતા.
ખેતરમાં તૈયાર થયેલા જુવારના પાકને ઢોરો (Cattle)એ મોટા પ્રમાણમાં નુકસાન (Crop Damage)પહોંચાડ્યું હતું. સમગ્ર ઊભો પાક બરબાદ થઈ જતાં વૃદ્ધ ખેડૂતને અંદાજે રૂ.30 હજારનું આર્થિક નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
ખેડૂતની ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 324(4) તેમજ ગુજરાત પંચાયત એક્ટની કલમ 183 અને 184 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મેવાસામાં ખેડૂતોની બેઠક યોજાઈ
ઘટનાને લઈને સુરતમાં રહેતા ખેડૂત પુત્રો, સ્થાનિક ખેડૂતો અને પાટીદાર સેવા સંઘના આગેવાનોની સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતી આવી ઘટનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકિયાના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં તાર ફેન્સિંગ અને ગેટ તોડી ખેતરોમાં ઢોર ઘુસાડી પાક બગાડવાની 7થી 8 જેટલી ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે નાના કે મોટા કોઈપણ ખેડૂતને આવું નુકસાન થાય તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે.
વલ્લભીપુર PI સમક્ષ કડક કાર્યવાહીની માગ
ખેડૂતો અને આગેવાનોએ વલ્લભીપુર પોલીસ (Vallabhipur Police) ઇન્સ્પેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ખેતરોમાં વારંવાર ઢોર ઘુસાડીને પાકને નુકસાન કરતા તત્વો સામે દાખલારૂપ દંડાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે મહેનત કરીને તૈયાર કરેલો પાક થોડા કલાકોમાં ઢોરના કારણે બરબાદ થઈ જાય તો ખેડૂતને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ખાસ કરીને વૃદ્ધ ખેડૂતો માટે આવી ઘટનાઓ વધુ મુશ્કેલી ઊભી કરે છે.
સીમ વિસ્તારમાં ઘોડેસવાર પેટ્રોલિંગની માગ
આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતોને સુરક્ષા અને હૂંફ આપવા માટે ગ્રામ્ય તથા સીમ વિસ્તારોમાં પોલીસની દેખરેખ વધારવી જરૂરી છે. આ મુદ્દે ભાવનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ પણ રૂબરૂ રજૂઆત કરવાની તૈયારી છે.
ખેતરોમાં વારંવાર ઢોર ઘુસાડી પાકને નુકસાન કરતા તત્વો પર નજર રાખવા માટે સીમ વિસ્તારમાં ખાસ ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં આ ઘટનાઓ પાછળ જવાબદાર લોકો સુધી તંત્ર કેવી રીતે પહોંચે છે તેના પર ખેડૂતોની નજર રહેશે.
આ પણ વાંચો: ખંભાતમાં કથિત ગેસ લીકેજથી હાહાકાર: 200 બબ્લર પક્ષીઓનાં મોત, 500 વીઘા પાકને નુકસાનનો આક્ષેપ
આ પણ વાંચો:ખેતરોમાં ફરી વળ્યું ક્રૂડ ઓઇલ! હિંગળાજપુરામાં ONGCની પાઇપલાઇન લીકેજથી પાકને નુકસાન
આ પણ વાંચો: વલસાડમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
