Surat News : સુરતમાં બનેલી એક કરૂણ ઘટનામાં ઘરમાં અવારનવાર ઝઘડાથી કંટાળીને પતિએ પત્નીના પેટમાં ચાકૂના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં પતિઅએ પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી છે. આ બનાવની વિગત મુજબ સુરતના ડીંડોલીમાં પ્રયોશા બ્લિચ નામની બિલ્ડિંગના ફ્લેટ નંબર-101માં પતિ રતનભાઈ નિમજે(ઉં.વ.53) ઘરમાં જ પત્ની નંદાબેન નિમજે(ઉં.વ.48)ને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી. બાદમાં પોતે પણ પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે.

આ ઘટના અંગે જાણ કરવામાં આવ્યા બાદ ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મહિલા એક ખૂણામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. જ્યારે પતિ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતો. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ડિંડોલી પીઆઈ આર.જે. ચુડાસમાએ કહ્યું કે, બપોર આસપાસનો આ બનાવ છે. રતનભાઈએ તેની પત્નીને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા બાદ પોતે લટકી ગયા હતા. તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે, જે બહાર છે. રતનભાઈ ઘરે જ રહેતા હતા. બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોવાથી આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આજે નિમજે દંપતીના દીકરાએ તેમનાં માતા ફોન ન ઉઠાવતા હોવા અંગે પાડોશીને જાણ કરી હતી. જેથી પાડોશી દ્વારા દરવાજો ખખડાવવા છતાં પણ દંપતીએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી એક અન્ય વ્યક્તિએ બાજુના ઘરમાંથી નજર કરતા હેબતાઈ ગયો હતો.નિમજે પરિવારના ઘરને અંદરથી જોનાર સોનુભાઈએ જણાવ્યું હતું કે, મને એ બિલ્ડિંગમાં રહેતા એક કાકા દ્વારા જાણ કરવામાં આવી હતી. જેથી બાજુના ઘરમાંથી જોતા મહિલા એક ખૂણામાં હાથની નસ કપાયેલી હાલતમાં અને અન્ય એક જગ્યાએ ચપ્પુના ઘા હોય તે રીતે પડી હતી. જ્યારે તેનો પતિ પંખા સાથે લટકી રહ્યો હતો. આ જોતાની સાથે જ પાડોશીઓ હેબતાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને 100 નંબર પર કોલ કરવામાં આવ્યો હતો અને 108ને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ આવ્યા બાદ દરવાજો તોડીને અંદર ગયા હતા. હાલ ડીંડોલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સોમનાથ મંદિરના કર્મચારીઓનો ટ્રસ્ટ સામે વિરોધ
આ પણ વાંચો:ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિરના પાછળના ભાગમાં મેગા ડીમોલીસન હાથ ધરાયું,
