Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત તેમણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રધ્ધાપૂર્વક જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ મંદિર સંકુલમાં લગભગ 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યુ હતું અને ત્યારબાદ તેમણે મંદિરના ગર્ભ ગૃહમાં પૂજન અર્ચન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી, તેમણે મંદિર પરિસરમાં ધન્વંતરી ઔષધિવન, બીલીવન અને નક્ષત્ર વનની મુલાકાત લીધી હતી.
તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.
તેઓએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે પીએમે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વૈશ્વિક લોકપ્રિય નેતા નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે. કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે તેમણે કામધેનુ ગૌમાતાની પૂજા અર્ચના કરીને વયોવૃદ્ધ બળદો, અપંગ ગૌમાતા, અંધ ગૌ માતા, બિમાર ગૌ માતા, મા વિનાના વાછરડા તથા ઓપરેશન થિયેટર અને એમ્બ્યુલન્સના સ્ટોલની મુલાકાત લીધી હતી. ગૌ ગોષ્ઠી સમારોહનું પ. પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ તેમજ ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠિઓ ગૌ સેવકો સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવેણાની પાવનધરા પર સૌ પ્રથમ વખત ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ અને કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, પોલીસ વડા ડો. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડે. મેયર શ્રી મોનાબેન પારેખ, આગેવાન અભયસિંહ ચૌહાણ, આર. સી. મકવાણા, ગોરધનભાઈ ઝડફીયા, દિવ્યેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉદ્યોગપતિઓ સહિત ગૌપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ દિવાળી અને નવા વર્ષે આપણે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ. 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થયા હોય તે પછીની આ પ્રથમ દિવાળીના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. અહીંયા ગુંછળી ખાતે પણ રામેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ જૂનું છે, જેનું પુનઃ નિર્માણ કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણી વિરાસત અને સંસ્કૃતિને જાળવીને વિકાસ કરવાના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છીએ.

સીએમે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા ગુજરાત અગ્રેસર રહે તે માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે. વધુમાં તેમણે ઉમેર્યું કે અહીંયા નક્ષત્ર વન ઔષધિવન અને બીલીવનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનો લાભ અહી આવનાર દરેકને મળશે.
તેના પછી તેઓ વિજાપુર તાલુકાના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેમના આજના દિવસની શરૂઆત 300 વર્ષ જુના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્રી યજ્ઞ તેમજ વસઈના લઘુરુદ્ર યજ્ઞથી થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે આ સંકુલમાં તેમણે ખૂબ સારી સ્વચ્છતા જોઈ છે. આવી સ્વચ્છતાનો આગ્રહ દરેક જગ્યાએ રાખવો જોઈએ. આપણું ગામ, શહેર અને આસપાસના વિસ્તારમાં દરરોજ સ્વચ્છતા રહે તેની સૌએ કાળજી રાખવી જોઈએ. લોકોના સંસ્કાર અને સ્વભાવમાં સ્વચ્છતા આવે અને સૌ સ્વચ્છતાના આગ્રહી બનીને સ્વચ્છ વિકસિત ભારત નિર્માણમાં જોડાય તેવો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય સી.જે. ચાવડા, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, રમણભાઈ પટેલ અને ડાયાભાઈ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને સીએમ ભુપેન્દ્ર પટેલની પુષ્પાંજલિ
આ પણ વાંચોઃ સીએમ ભુપેન્દ્ર પટેલ બન્યા ભાજપના સક્રિય સભ્ય
આ પણ વાંચોઃ 16માં નાણા પંચ સમક્ષ સીએમ ભુપેન્દ્ર પટેલે રજૂ કર્યા મહત્ત્વના સૂચનો
