Junagdh News : યુવાનોએ કોઈ પણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ખંત, ધીરજ, સાહસ જેવા ગુણ તેમજ જે- તે ક્ષેત્ર માટેનો અભ્યાસ, તાલીમ અને સંશોધન કે સર્વે કરવો ખૂબ જરૂરી છે. તેના થકી કોઈપણ પડકારજનક કામ પણ સારી રીતે પાર પાડી શકાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેડૂત જતીન સોલંકી છે. તેમણે વર્ષ 2022થી તેના ફાર્મ ખાતે મશરૂમની ખેતી શરૂ કરી છે. મશરૂમ અત્યંત સંવેદનશીલ પાક છે અને તેનું વેચાણનું માર્કેટ પણ સ્થાનિક સ્તરે નથી. આ પડકારજનક ખેતીમાં વંથલી તાલુકાના નાનકડા એવા ગામના વતની જતીન સોલંકીએ સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ (Junagadh) જિલ્લાના વંથલી (Vanthali) તાલુકાના બંધડા ગામના વતની જતીનભાઈ સોલંકી એમએસસી, બી.એડ. (M.Sc., B.Ed.) સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ ૩ વર્ષ સુધી જામનગર (Jamnagar) ખાતે સારા એવા પગારથી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ પોતે ખેડૂતપુત્ર હોવાના કારણે અને કૃષી ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ 2017થી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી. વર્ષ 2022થી થાણાપીપળી ગામમાં મધુવંતી ફાર્મ ખાતે મશરૂમની ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ વાર્ષિક રૂપિયા 10 લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.

જતીન સોલંકીએ જણાવ્યું હતું કે, મશરૂમની ખેતીના આરંભે ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો હતો. સૌ પ્રથમ ડોમ ઉપર ભારે તાલપત્રી રાખી હતી અને ડોમનો ઢાળ ઓછો હોવાને લીધે તાલપત્રીમાં પાણી ભરાવા લાગ્યું હતુ. ઉપરાંત ડોમની અંદર સ્થાનિક બામ્બુનો ઉપયોગ કર્યો હતો જે પછી બદલાવીને કાનપુર, વલસાડથી લાવ્યા હતા. ઉપરાંત મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે તેનું યોગ્ય તાપમાન જળવાઈ નહીં તો પાક બગડી જાય છે આ ઉપરાંત મશરૂમનું સ્થાન પર કોઈ માર્કેટ નથી. અત્યારે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર જતીન સોલંકી જ મશરૂમની ખેતી કરી રહ્યા છે.

જતીનએ મશરૂમની ખેતીમાં સફળ થવા માટે જરૂરી અભ્યાસ અને સર્વે કર્યો હતો. તેને પશ્ચિમબંગાળ(West Bengal), ઓડીસા (Orissa) જેવા રાજ્ય કે જ્યાં સૌથી વધુ મશરૂમનું ઉત્પાદન થાય છે ત્યાની મુલાકાત લીધી હતી. તેમજ આઈસીએઆર(ICAR)માં 03 મહિનાની મશરૂમની ખેતી અંગેની તાલીમ લીધી હતી. ત્યાર પછી સુરત(Surat)ના કેવીકે(KVK)માંથી પણ તાલીમ લીધી હતી. ત્યારબાદ વર્ષ 2022 થી મશરૂમની ખેતી શરૂ કરી હતી. તેને શરૂઆતના સમયમાં મુશ્કેલી થઈ હતી પરંતુ પછીથી સારી એવી કમાણી થઈ રહી છે. હાલમાં જતીન તેના ફાર્મમાં ઓઇસ્ટર મશરૂમ તેમજ સેજાર કાજુ નામની જાતના મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. ઉપરાંત ફ્લોરિડા, ગ્રેઓઇસ્ટર, બ્લુ ઓઇસ્ટર, હ્વાઈટ ઓઇસ્ટરનું પણ ઉત્પાદન કરે છે.

મશરૂમને આ પાકની વાત કરીએ તો આ પાક 03 મહિનામાં તૈયાર થાય છે. મશરૂમના પાક માટે જરૂરી સ્વચ્છતા, તાપમાન, ભેજ વગેરે જળવાઈ રહેતો વર્ષ પાક લઈ શકાય છે. જતીનએ 500 બેગથી મશરૂમની ખેતી શરૂ કરી હતી. આજે 5400 બેગમાં ઉત્પાદન કરે છે. 1 બેગમાં સાડા ત્રણથી 4 કિલોગ્રામ મશરૂમ તૈયાર થાય છે.
મશરૂમના અનેક ફાયદા છે. વિશ્વમાં મશરૂમની 40 અલગ અલગ જાત છે. તેમાંથી ભારતમાં 10 જાતનું ચલણ છે જ્યારે ગુજરાતમાં ઓઇસ્ટર મશરૂમનું ચલણ સૌથી વધુ છે. મશરૂમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાંથી 90 % પ્રોટીન મળે છે. તે ઉપરાંત વીટામીન K, ડી૩(D3) થી પણ તે ભરપૂર છે.

મશરૂમની ખેતી માટે જતીને સરકારની વિવિધ યોજનાકીય સહાયનો લાભ લીધો. રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતી માટે સેડ બનાવવા માટે, મશરૂમના સ્પાન બનાવવા, કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે પણ સહાય આપવામાં આવે છે. જેનો લાભ જતીનએ લીધો છે. જતીને જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે યુવાનો ખેતી તરફ વળે તે ખૂબ જરૂરી છે. એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય, તાલીમ અને માર્ગદર્શન પણ આપે છે તેનો દરેકે લાભ લેવો જોઈએ.
આ પણ વાંચો: વિટામિન-D માટે સેવન કરો મશરૂમનું, ત્વચા પણ રહેશે કરચલીમુક્ત
આ પણ વાંચો: Nasaની અદ્ભૂત યોજના, ચંદ્ર પર ઘરો ઇંટો અને પથ્થરોથી નહીં પણ મશરૂમ્સથી બનાવવામાં આવશે
આ પણ વાંચો: રોજ મશરૂમ ખાવાના ચાર અદ્ભુત ફાયદા, તમે પણ જાણો..
