MANTAVYA Vishesh/ કાયદો-વ્યવસ્થાને લઈ ઉઠતા સવાલોથી અમદાવાદ પોલીસ કમિશ્નરની લાલ આંખ

પોલીસ કમિશ્નર જીએસ મલિકે પોલીસની આ બગડેલી છાપ સુધારવા માટે કમર કસી છે. તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ લોકોની ફરિયાદ સાંભળે તે માટે ખાસ માર્ગદર્શિકા બનાવી છે.

Mantavya Vishesh

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લુખ્ખા તત્વો બેફામ બનતા અને ગુંડાગીરીએ માઝા મૂકતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલ ઉઠવા લાગ્યા છે. આ ઉપરાંત રાતે બેફામ વાહનો ચલાવતા નબીરાઓએ લોકોને રીતસરનો તેમની માલિકીનો રસ્તો હોય તેમ બીજાને કચડવા લાગતા પોલીસના ઠંડા વલણને લઈને લોકોમાં ભારે ગરમી વ્યાપી ગઈ છે. પોલીસ રીતસર આ નબીરાઓના પિતાઓના ખોળે બેસી ગઈ હોવાની તથા લુખ્ખા તત્વો સામે લાચાર થઈ હોવાની લોક માન્યતા પ્રબળ બનવા લાગતાં છેવટે પોલીસ કમિશ્નરે લાલ આંખ કરી છે.

પોલીસ કમિશ્નર જીએસ મલિકે પોલીસની આ બગડેલી છાપ સુધારવા માટે કમર કસી છે. તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ લોકોની ફરિયાદ સાંભળે તે માટે ખાસ માર્ગદર્શિકા બનાવી છે. આના પગલે દરેક પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા આવનારા મુલાકાતીઓને બપોરે 12થી બે વાગ્યા દરમિયાન સાંભળવા પડશે અને તેમની ફરિયાદોનું નિરાકરણ પણ લાવવું પડશે. આ માર્ગદર્શિકા ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટરને જ લાગુ પડતી નથી, જોઇન્ટ પોલીસ કમિશ્નરને પણ લાગુ પડે છે. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે.

અમદાવાદમાં વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે દરેક વિસ્તારોમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું સતત ચેકિંગ અને મોનિટરિંગ દૈનિક ધોરણે જ કરવા પડશે. તાજેતરમાં જ બાપુનગર જેવા વિસ્તારમાં પોલીસ ખાટલામાં સૂતી હતી અને તેનાથી થોડે જ દૂર એક 19 વર્ષના યુવકની ધોળા દહાડે છરી મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવના આખા શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બધાની માન્યતા હતી કે જો પોલીસ આ બનાવમાં થોડી પણ સક્રિય રહી હોત તો 19 વર્ષના યુવકનો જીવ બચાવી શકાયો હોત. આ મારામારીને પોલીસ અંકુશમાં લાવી શકી હોત. પણ પોલીસની નિષ્ક્રીયતાએ એક યુવકનો જીવ લઈ લીધો.

આમ અમદાવાદની અંદર જાણે પોલીસ નિષ્ક્રિય બની ગઈ હોવાની છાપ ઊભી થઈ રહી છે. પોલીસની ઉત્તરોતર કથળતી જતી છાપના કારણે ગુનેગારો જાણે શહેરને બોડી બામણીનું ખેતર હોય તે રીતે ધમરોળવા માંડ્યા છે. ગુનેગારો રસ્તા પર અને પોલીસ જાણે પોલીસ સ્ટેશનની અંદર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેથી પોલીસ કમિશ્નરે હવે આ છાપ સુધારવાનું બીડું ઉઠાવ્યું છે અને પોલીસની સક્રિયતામાં વધારો કરવા માંડ્યો છે. અમદાવાદના દરેક વોર્ડમાં પોલીસની હાજરી રસ્તા પર વર્તાવી જોઈએ તે સુનિશ્ચિત કરવાનું તેમણે નક્કી કર્યુ છે, જેથી લુખ્ખા તત્વો અને રસ્તા પર બેફામ વાહન દોડાવતા નબીરાઓ અંકુશમાં રહે.

તેમણે જેસીપી ઉપરાંત ડીસીપી અને તથા એસીપી લેવલના અધિકારીઓને પણ બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન મુલાકાતીઓની વાત સાંભળવા જણાવ્યું છે. તેમની અરજી હોય તો તે સ્વીકારીને તેના પર બેસી રહેવા નહી પણ કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. તેના અંગે સતત અપડેટ પણ તેને આપતા રહેવા જણાવ્યું છે. જો તેઓ કોઈ કારણવશ આ સમયગાળામાં હાજર ન રહે તો પણ મુલાકાતીની વાત કે રજૂઆત સાંભળી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા તેમણે કરવાની રહેશે. તેમના રીડર કે પીએ એ આ જવાબદારી અદા કરવી પડી શકે.

આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જો તે કોઈને બપોરે 12થી બે વાગ્યા સાંભળ્યા ન હોય તો સાંજે ચારથી છ વાગ્યાની વચ્ચે સાંભળવા પડશે. આમ ન કરી શકે તો તેની જાણ પણ કરવાની રહેશે. આ ઉપરાંત જો મુલાકાતી લેખિતમાં કોઈ રજૂઆત કરે તો તેને પણ સ્વીકારવી પડશે અને તેને લગતી આવશ્યક કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે.

પહેલા હિસ્ટ્રીશીટરો અને ગુનેગારોને અમુક દિવસો દરમિયાન જ પકડાતા હતા અને તેમનું ચેકિંગ કરાતુ હતુ. પણ હવે કમિશ્નરે આને દૈનિક પ્રવૃત્તિ બનાવી દીધી છે. પોલીસે દરરોજે સાંજે છથી નવ દરમિયાન દૈનિક ધોરણે આ હિસ્ટ્રીશીટરોનો ટ્રેક રાખવો પડશે, વાહન ચેકિંગ કરતા રહેવું પડશે, પેટ્રોલિંગ કરતાં રહેવું પડશે. પોલીસ ઇન્સ્પેક્ટરે તેના વિસ્તારમાં હવે આ કામગીરી દૈનિક ધોરણે કરવી પડશે. તેણે આ કામગીરી કરી છે કે નહીં તેનું ગમે ત્યારે આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર અચાનક ચેકિંગ પણ કરી શકે છે. તેણે તેની આ દૈનિક કામગીરીનો દરરોજ રિપોર્ટ કરવાનો રહેશે.

તેના પછી પોલીસ ઇન્સ્પેક્ટરે રાત્રે 9થી 12 દરમિયાન પોલીસ સ્ટેશને હાજર રહી તેના વહીવટી અને તપાસના કામો પૂરા કરવાના રહેશે. તેણે કોઈપણ ભોગે 12 વાગ્યા પહેલા પોલીસ સ્ટેશન તો છોડવાનું જ નથી. જો કોઈ આકસ્મિક કારણોસર તેણે આ પોલીસ સ્ટેશન છોડવું પડે તો સંલગ્ન નાયબ પોલીસ કમિશ્નરની પૂર્વમંજૂરી મેળવવી પડશે. તેના પછી જ તે પોલીસ સ્ટેશન છોડી શકશે.

જો કે નાઇટ રાઉન્ડ હોય ત્યારે પોલીસ સ્ટેશન ઇનચાર્જ કે પોલીસ ઇન્સ્પેક્ટર રાત્રે સાડા નવ વાગે તેનું પોલીસ સ્ટેશન છોડી શકશે. તેના પછી રાત્રે 11 વાગે નાઇટ રાઉન્ડમાં નીકળવાનું રહેશે. આ બધા પીઆઈએ તેમના નાઇટ રાઉન્ડના બીજા દિવસે બપોરે સાડા બાર વાગે પોલીસ સ્ટેશને પહોંચવાનું રહેશે.

પોલીસ કમિશ્નરની આ માર્ગદર્શિકાઓનો અમલ હવે પોલીસ કઈ રીતે કરે છે તે જોવાનું રહેશે. હવે પોલીસ કમિશ્નર દ્વારા માર્ગદર્શિકાઓ લાવવી અને તેનો અમલ કરવો બંને વચ્ચે ઘણો તફાવત જોવા મળતો હોય છે. કાયદાઓ તો હોય છે, પરંતુ અમલ થતો નથી.

આશા રાખીએ કે શેઠની શિખામણ ઝાંપા સુધી તેવું આ નવી માર્ગદર્શિકાઓના સંદર્ભમાં ન નીકળે. પોલીસ આ માર્ગદર્શિકાને ચુસ્તપણે અનુસરીને તેની ફરજ બજાવીને ગુનેગાર તત્વો, લુખ્ખા તત્વો અને બેફામ ફરતા નબીરાઓને નશ્યત કરે તથા રસ્તા પર ગુનેગારો અને લુખ્ખા તત્વો નહીં, પણ લોકો મુક્તમને વિચરી શકે તે સ્થિતિનું નિર્માણ કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત