ખાનગી સ્કૂલો દ્વારા મોટાપાયા પર કરવામાં આવતા ફી વધારાને લઈને હોબાળો થતાં સરકારે ફી રેગ્યુલેશન કમિટી (FRC)ની રચના કરી હતી. આમ છતાં પણ સ્થિતિ થાળે પડી ગઈ હોય તેવા કોઈ સંકેતો મળ્યા નથી. આ કાયદો હોવા છતાં પણ ખાનગી સ્કૂલોએ તેને ચાતરી નાખવાની જુદી-જુદી પદ્ધતિઓ શોધી કાઢી છે. તેના લીધે એક સમયે આખા રાજ્યની સરકારને હચમચાવી નાખતા ભારે હોબાળા પછી પણ વાલીઓ ઠેરના ઠેર છે.
ખાનગી સ્કૂલોને વર્ષે પાંચ ટકા જ ફી વધારો કરવાની છૂટ છે. આમ છતાં છેલ્લા ચાર વર્ષમાં ખાનગી સ્કૂલોએ લગભગ 30 ટકા સુધીનો ફી વધારો મેળવી લીધો હોવાનું કહેવાય છે. આ સ્કૂલોએ જુદા-જુદાં મથાળા હેઠળ જુદાં-જુદાં ખર્ચા મંજૂર કરાવીને આ ફી વધારો મેળવી લીધો હોવાનું કહેવાય છે. આટલું ઓછું હોય તેમ સ્કૂલોને વર્ષમાં બે વખત ટર્મ ફી પણ વસૂલવાની છૂટ આપવામાં આવી છે. તેના કારણે વાલીઓએ બે મહિનાની વધારાની ફી ભરવાની પણ આવે છે.

આના લીધે હવે સવાલ એ થાય છે કે તંત્ર શું ખરેખર વાલીઓને મદદ કરવા ઇચ્છુક છે કે નહીં. લોકલ સરવે નામના સરવે મુજબ મોટા શહેરોમાં લગભગ અડધા જેટલા વાલીઓએ સ્વીકાર્યુ હતું કે છેલ્લા ચાર વર્ષમાં સ્કૂલ ફીમાં 50 ટકાથી લઈને 80 ટકા વધારો થયો છે.
રાજ્યના 93 ટકા વાલીઓનું કહેવું છે કે સ્કૂલોના ફી વધારા સામે સરકાર કશું જ કરી શકતી નથી. સરકાર આમ પણ કશું કરી પણ ન શકે, કારણ કે આ સ્કૂલો ક્યાં તો શાસક પક્ષના કોર્પોરેટરની હોય છે કે વિધાનસભ્યની હોય છે અથવા તો તેમના મળતિયાની હોય છે. આવું ફક્ત સ્કૂલોનું જ નથી, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનું પણ હોય છે. આ સંજોગોમાં તંત્ર વાલીઓના હોબાળાને ઠંડો પાડવા માટે ભલે સમિતિઓ બનાવી લે, પરંતુ તે સ્કૂલોને ફી વધારતા રોકી શકતું નથી તે હકીકત છે.

આના કારણે બે છેડા માંડ-માંડ પૂરા કરતાં વાલીઓ માટે સંતાનોને ભણાવવા દૂભર બન્યા છે. 2017માં વાલીઓના હોબાળાના પગલે સરકારે ફી રેગ્યુલેશન કમિટી તો રચી હતી. ફી કમિટીના નિયમ મુજબ શાળા સંચાલકો નફો રળી ન શકે, આના પગલે હવે શાળાઓના સંચાલકો નામ માત્રને નફો બતાવે છે. તેઓ વિદ્યાર્થીઓ પાછળની દરેક રકમના ખર્ચા જ બતાયા કરે છે. આ સગવડોનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરતાં હોય કે ન કરતાં હોય તે જોતાં નથી.
સ્કૂલો ખર્ચ મંજૂર કરાવવા માટે જાતજાતના જે બહાના રજૂ કરે છે તેમા બિલ્ડિંગના જમીન અને સાધનોનો લાગતો ઘસારો, બિલ્ડિંગની જમીનનું ભાડું, શિક્ષક અને સ્ટાફનું ઇન્ક્રીમેન્ટ, પગાર, સ્કૂલે લીધેલા લોનના વ્યાજની ચૂકવણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરટીઇમાં પ્રવેશ મેળવનારા બાળકોની ફીને કેટલીય સ્કૂલો ખોટ તરીકે બતાવે છે. આ ઉપરાંત દર ચારથી પાંચ વર્ષે બિલ્ડિંગનું સમારકામ, ફાયર, ગાર્ડન, ગ્રાઉન્ડ સહિતની સગવડોના મેઇન્ટેનન્સના વાર્ષિક કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે. ખાનગી સ્કૂલોએ છેલ્લા ચાર વર્ષમાં તેમનો ફી વધારો મંજૂર કરાવવા માટે ઉપરોક્ત આવા કેટલાય બહાના રજૂ કર્યા છે.

આ ઉપરાંત આ ખાનગી સ્કૂલો પર શિક્ષકોના પગારના મુદ્દે મોટાપાયા પર આક્ષેપો પણ થયા છે.. આ સ્કૂલો શિક્ષકોને ઓનલાઇન મોટો પગાર ચૂકવે છે, પણ રોકડમાં પાછા લઈ લે છે. આ રીતે તેઓ શિક્ષકોને વેતન ચૂકવણીમાં પણ રીતસરની ગોલમાલ કરતાં હોવાનો વિવાદ ચગી ચૂક્યો છે. આવું કઈ સ્કૂલ કરતી નથી તેવો મોટો સવાલ છે.
આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ફી કમિટી સ્કૂલના ખર્ચને ધ્યાનમાં રાખીને કામ કરે છે. અહીં ફી નક્કી કરવામાં વાલીઓને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે. આમ છતાં પણ ફી અંગે વાલીઓને કોઈ સમસ્યા હોય તો તે ફી કમિટીનો સંપર્ક સાધી શકે છે. આમ તંત્રએ તો અહીં રીતસર હાથ ઝાટકી નાખ્યા છે. બધુ એક નિવૃત્ત જજ પર ઢોળી દીધું છે. હવે નિવૃત્ત જજને મદદમાં કેટલો સ્ટાફ આપ્યો છે તેની કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી.

આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સરકારે રચેલી ફી નિયમન સમિતિ જાણે નહોર વગરનો વાઘ છે. તે ખાલી નામ માત્રની છે. તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી. સ્કૂલોએ ત્રણ વર્ષે ફી વધારવાની હોય છે, તેના બદલે તે દર વર્ષે વધારી રહી છે. આ મુદ્દે અમે પહેલાંની જેમ હાઇકોર્ટનું પણ ધ્યાન દોરીશું. આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને કોર્ટ સિવાય કોઈ રસ્તો દેખાતો નથી.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
