અંધેર નગરી, ગંડુ રાજાની કહેવત તો આપણે સાંભળી જ છે. પણ વર્તમાન તંત્રએ તેને સાચી પણ ઠેરવી છે. આ કિસ્સામાં કૌભાંડ કરનાર નહીં પણ કૌભાંડનો ભોગ બનનારને તંત્રએ સજા ફટકારીને બતાવી આપ્યું છે કે અંધેર નગરી, ગંડુ રાજાની કહેવત આજના યુગમાં પણ એટલી જ પ્રસ્તુત છે, જેટલી પહેલા હતી.
અમદાવાદ જિલ્લામાં બનેલા બનાવમાં સાણંદ તાલુકામાં મોડાસર ગામમાં વાસુદેવ શુક્લની જમીનમાં ડિશમાન ફાર્મા કંપનીના માલિક જન્મેજય વ્યાસે ખોટી રીતે ઘૂસ મારીને પોતાના નામે ચઢાવી દીધી હતી. આ આખા કિસ્સામાં જમીનના ખાતેદાર એટલે કે મુખ્ય જમીન માલિક વાસુદેવ શુક્લનો કોઈ ગુનો જ ન હતો, ગુનો તો બનાવટી ખેડૂત બનીને જન્મેજય વ્યાસે આચર્યો હતો.

પણ તંત્રએ તેની તુમારશાહીનો ઉત્તમ નમૂનો રજૂ કરતાં હોય તેમ તંત્રએ ફક્ત જન્મેજય વ્યાસનું નામ કાઢીને જમીન તેના મૂળ માલિકને પરત સોંપવાના બદલે પોતે શ્રીસરકાર કરી લીધી, એટલે કે તંત્રએ આ જમીન પોતાના હસ્તક લઈ લીધી. આમ વાસુદેવ શુક્લા પાસેથી જમીન જન્મેજય વ્યાસે ન પડાવી તો છેવટે તંત્રએ પડાવી લીધી. આમ સામાન્ય માનવી હવે જમીન માલિક થવાનો અધિકાર પણ ગુમાવી રહ્યો છે તેવું જ લાગી રહ્યું છે.
આ માટે તંત્રએ ગણોતધારાની કલમ 63(1)ની પેટા કલમોનો ભંગ થયો હોવાનું કારણ આપ્યું હતું. વાસુદેવ નાથાલાલ શુક્લ 1990માં મૃત્યુ પામ્યા હતા, હવે તેમના વારસદારો જ્યારે વારસાઈ માટે ગયા ત્યાં સુધી તેમને ખબર ન હતી કે તેમની જમીનમાં ડિશમાન ફાર્માના માલિક જનમેજય વ્યાસે એન્ટ્રી કરાવી દીધી હતી. આ જોઈને વાસુદેવ શુક્લના ભાઈ ભગવતપ્રસાદ, અરુણકુમાર અને કૃષ્ણકુમાર સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને આશ્ચર્ય એ થયું કે આવી રીતે કોઈની એન્ટ્રી કોઈની વારસાઈમાં કે જમીનમાં પડી કઈ રીતે જાય, પણ આ તો તંત્ર છે, લાંચ આપો તો તમે કહો ત્યાં એન્ટ્રી પાડી આપે.

તેમા પણ જનમેજય વ્યાસ જેવા રૂપિયા વેરનારા માણસ હોય પછી તો પૂછવું જ શું. જન્મેજય વ્યાસે તંત્રની આ જ બલિહારીનો ફાયદો ઉઠાવીને વાસુદેવ શુક્લની જમીન મોડાસર બ્લોક નંબર 624થી 8094ની જમીનમાં નામ ચઢાવી દીધું હતું.
જનમેજય વ્યાસના આ કારનામા સામે મહેસૂલ પંચમાં અરજી પણ કરવામાં આવી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિશમાન ફાર્માના માલિકે તલાટીની સાથે મિલીભગત કરીને આ કૌભાંડ આચર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આટલું કૌભાંડ કરવા છતાં જન્મેજય વ્યાસ સામે કોઈપણ પ્રકારની તપાસ જ શરૂ થઈ નથી. હવે જો આ જન્મેજય વ્યાસ સાચો ખાતેદાર હોય તો તેની પાસે પેઢીનામું તો હોય ને, પરંતુ તેની પાસે આવું કોઈ પેઢીનામુ પણ માંગવામાં આવ્યું ન હોવાનું ફરિયાદીઓનું કહેવું છે. આ રીતે લેન્ડ ગ્રેબિંગનું કે ભૂમાફિયાનું કામ કર્યુ હોવા છતાં પણ જનમેજય વ્યાસની તંત્રએ પૂછપરછ કરવાની પણ તસ્દી લીધી નથી.

ઉલ્લેખનીય છે કે આ જ જનમેજય વ્યાસ સામે વિવાદના પગલે 1995માં વીરજી મંગાજીએ તેઓ ગેરકાયદેસર રીતે ખેડૂત બન્યાનો આક્ષેપ કર્યો હતો. આક્ષેપ સાથે 1995માં વારસાઈમાં ફેરફાર નોંધ સામે અપીલ કરી હતી. આ અરજીમાં જનમેજય વ્યાસ ખોટી રીતે ખેડૂત બન્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમને ખેડૂત ખાતેદાર તરીકે રદ કરવાની માંગ સાથેની અરજી સાણંદની કોર્ટમાં કરવામાં આવી હતી.
આ કેસમાં સાણંદના નાયબ કલેક્ટરે જનમેજય વ્યાસ ખોટા વારસદાર તરીકે દાખલ થયા હોવાનું જણાવી વીરજી મંગાજીની અરજીને સ્વીકારી હતી. આ કેસમાં આગળ મામલતદારો સાણંદનો નિર્ણય અમાન્ય ઠેરવીને નોંધ નંબર 2907 નામંજૂર કરી હતી. આ નોંધ સામે નવેસરથી કોઈ નિર્ણય જ લેવાનો થતો ન હોઈ અગાઉની નોંધને નામંજૂર કરવાના નિર્ણયને જ માન્ય રાખ્યો હતો.

આના પગલે 1996માં જનમેજય વ્યાસે વાસુદેવ નાથાલાલ શુક્લની જમીનમાંથી ખેડૂત તરીકે તેમનું નામ કઢાવી નાખ્યું હતું. તેમનું નામ કઢાવતી વખતે વાસુદેવ નાથાલાલ શુક્લના બહેન કુંદનબેનનું નામ પણ ભૂલમાં કાઢી નાખવામાં આવ્યું હતું. તેના પછી વાસુદેવ શુક્લના ભાઈઓ અને વારસદારોને આ હકીકતની જાણ થતાં તેમણે મોડાસર ગામના મંત્રી કમ તલાટીને મળીને આ અંગેના પુરાવાઓ પૂરા પાડ્યા હતા. તલાટીએ તેઓએ આપેલા પુરાવાઓની ચકાસણી કરીને તેમનું નામ ઉમેરવાની ખાતરી પણ આપી હતી, આ માટેની નોંધ 2907 પણ પાડી દીધી હતી. પણ આ નોંધ વાસુદેવ શુક્લના વારસદારોને આપવામાં આવી ન હતી.
આમ હવે જે ખેલ થયો તે અહીં જ થયો હોવાનું વાસુદેવ શુક્લના વારસદારો માને છે. તેના પછી 1996માં જ્યારે વાસુદેવ શુક્લના વારસદારોને નોંધ આપવામાં આવી તેમાં જનમેજય વ્યાસ અને વાસુદેવ શુક્લની દીકરી તરીકે ભદ્રાનું નામ ઉમેરી દેવાયું હતું. આની સામે વાસુદેવ શુક્લના વારસદારોએ વાંધો ઉઠાવતા તલાટી કમ મંત્રીએ ભૂલ સ્વીકારી જનમેજય વ્યાસનું નામ કાઢી આપવાની ખાતરી આપી હતી અને પોલીસ ફરિયાદ ન કરાય તેવી વિનંતી કરી હતી. તેના લીધે વાસુદેવ શુક્લના વારસદારોએ આ વિવાદ લાંબો ન ખેંચાય તે હેતુથી તેની વિનંતી સ્વીકારીને આગળ કાર્યવાહી કરી ન હતી. આજે હવે તેઓને પસ્તાવો થાય છે કે કેમ તલાટીની વિનંતી માની, જો તેમણે તલાટીની વિનંતી ન માનીને પોલીસ કાર્યવાહી કરી હોત તો કમસેકમ આજે જમીન તો તેમની પાસે હોત. આજે આ જમીન તંત્રએ પોતે શ્રીસરકાર કરી પોતે લઈ લીધી છે.
આમ વર્તમાન તંત્રમાં પોતાની જમીનમાં કોઈ બીજો નામ નાખી દે તો તે નામ કઢાવવા જતાં તંત્ર શ્રીસરકાર કરીને આ જમીન પોતે લઈ લે તેવી પણ સંભાવના છે. આના પગલે પોતાના નામે જમીન ધરાવનારાઓએ સતત ચેતતા રહેવું પડે તેવી સ્થિતિ છે. ભૂમાફિયા તો તેના પર તરાપ નાખવા બેઠા જ છે, પણ તંત્ર પણ કંઈ કમ નથી.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
