MANTAVYA Vishesh/ શું હિમાલયન બેલ્ટમાં આવશે 8થી વધુ તીવ્રતાવાળો ભૂકંપ?

મ્યાનમારમાં 28મી માર્ચના રોજ 7.7ની તીવ્રતાના આવેલા ભૂકંપે આખા દેશમાં જબરદસ્ત તબાહી મચાવી. આ વિનાશક ભૂકંપે ત્રણ હજારથી પણ વધુ લોકોનો જીવ લીધો, જ્યારે પાંચ હજારથી પણ વધુ લોકો ઇજા પામ્યા. આ ભૂકંપની અસર ફક્ત મ્યાનમાર પૂરતી જ મર્યાદિત રહી ન હતી, પરંતુ પડોશી દેશ થાઇલેન્ડમાં પણ વર્તાઈ હતી. તેમા પણ 17ના મોત થયા હતા.

Mantavya Vishesh

મ્યાનમારમાં 28મી માર્ચના રોજ 7.7ની તીવ્રતાના આવેલા ભૂકંપે આખા દેશમાં જબરદસ્ત તબાહી મચાવી. આ વિનાશક ભૂકંપે ત્રણ હજારથી પણ વધુ લોકોનો જીવ લીધો, જ્યારે પાંચ હજારથી પણ વધુ લોકો ઇજા પામ્યા. આ ભૂકંપની અસર ફક્ત મ્યાનમાર પૂરતી જ મર્યાદિત રહી ન હતી, પરંતુ પડોશી દેશ થાઇલેન્ડમાં પણ વર્તાઈ હતી. તેમા પણ 17ના મોત થયા હતા.

આ ભૂકંપ સ્ટ્રાઇક-સ્લિપ ફોલ્ટના લીધે આવ્યો હતો. તેમા જમીનના બે હિસ્સા ક્ષિતિજની દિશામાં એકબીજા પાસે ખસકે છે. વૈજ્ઞાનિકોના જમાવ્યા મુજબ આ ભૂકંપે 300 પરમાણુ બોમ્બ જેટલી ઉર્જા છોડી હતી. તેના કારણે મચેલી તબાહીમાં કેટલાય પુલ પડી ગયા, કેટલીય બહુમાળી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ. કેટલાય કુટુંબો કાટમાળની નીચે દફન થઈ ગયા. ભૂકંપ પછીની તસ્વીરોએ આખા વિશ્વને હચમચાવી દીધુ હતુ.

આવી જ તસ્વીરોએ વિશ્વને 2001માં ભારતમાં ગુજરાત ખાતે ભુજમાં આવેલા ભૂકંપ વખતે હચમચાવી દીધુ હતુ. આ ભૂકંપ ભૂજમાં હતો પણ તેનો આંચકો છેક 310 કિ.મી. દૂર અમદાવાદમાં એવો અનુભવાયો હતો કે અમદાવાદની કેટલીય ઇમારતો ધ્વસ્ત થઈ હતી. અમદાવાદમાં જ ભૂકંપથી હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. છેક મુંબઈ એટલે કે 800 કિ.મી. દૂર તેના આંચકાની અસર અનુભવાઈ હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7ની હતી.

વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાક વર્ષોથી ધ ગ્રેટ હિમાલયન અર્થકવેકની આગાહી કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે હિમાલયની તળેટીમાં 8 કે તેનાથી પણ વધુ તીવ્રતાવાળો ભૂકંપ આવી શકે છે. આ ભૂકંપ આખા ઉત્તર ભારતમાં બરબાદી નોતરી શકે છે. હાલમાં આવી કોઈ સંભાવના નથી, પરંતુ મ્યાનમારમાં આવેલા ભૂકંપે બતાવી દીધું છે કે હિમાલયન બેલ્ટ પણ હવે આ ભૂકંપથી અછૂતો નથી.

અમેરિકન ભૂવૈજ્ઞાનિક રોજર બિલહમે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત દરેક સદીમાં તિબેટની નજીક બે મીટર ખસે છે, પરંતુ કમનસીબે તેનો ઉત્તરનો કિનારો જોઈએ તેવી ઝડપથી ખસતો નથી, પરંતુ ઘર્ષણના કારણે સેકંડો વર્ષો સુધી અટકેલો રહેતો છે. હવે આ ઘર્ષણ અચાનક અટકે ત્યારે થોડી જ મિનિટોમાં જમીન મોટાપાયા પર ખસે છે, જેને આપણે ભૂકંપના સ્વરૂપમાં અનુભવી શકીએ છીએ.

ઇતિહાસ બતાવે છે કે આ પ્રકારનો ભયાનક ભૂકંબ સો વર્ષે ક્યારેક આવે છે. હવે છેલ્લા સીત્તેર વર્ષથી હિમાલયની તળેટીમાં આવો કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી, જે પૃથ્વીની અંદર વધતા દબાણને ઘટાડી શકે. રોજર બિલહમના જણાવ્યા મુજબ આ ફક્ત એક સંભાવના નથી, આ નજીકના ભવિષ્યમાં બનનારી હકીકત છે. આ સંભવિત ભૂકંપ તે લાખો લોકો પર મોટું જોખમ છે જે ભૂકંપની ફોલ્ટલાઇનો પર રહે છે. તેમા ભારતનું હિમાલય ક્ષેત્ર પણ સામેલ છે.

વૈજ્ઞાનિક માને છે કે હિમાલયમાં ટેકટોનિક્સ પ્લેટ વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે. ભૂકંપ ભલે સીધેસીધો હિમાલય ફોલ્ટ સાથે જોડાયેલો ન હોય, પરંતુ તે જરૂર દર્શાવે છે કે આ ભૂભાગમાં ભૂકંપની પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે ભવિષ્યમાં વધુ ગંભીર હોઈ શકે છે.

મ્યાન્મારના ભૂકંપ પછી ભારત આ બાબતને ગંભીરતાથી લે તે હવે જરૂરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ભારતનો લગભગ 59 ટકા હિસ્સો ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. તેમા પણ ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને આખું પૂર્વોત્તર ભારત આવા જ ક્ષેત્રમાં આવે છે, જ્યાં ભૂકંપનો ભય સૌથી વધારે છે.

દેશની રાજધાની દિલ્હી, કોલકાતા અને મુંબઈ જેવા શહેરો ફોલ્ટલાઇનની ઉપર વસેલા છે. દિલ્હી ભૂકંપના ક્ષેત્રમાં ચોથા ઝોનમાં આવે છે. તાજેતરમાં દિલ્હીમાં ધોળાકુવામાં આવેલા ચારની તીવ્રતાવાળા ભૂકંપે બધાને હચમચાવી નાખ્યા હતા. દિલ્હી હિમાલયથી ભલે 350 જેટલા કિ.મી. દૂર હોય, પરંતુ જો હિમાલયમાં 7થી 8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો દિલ્હી-એનસીઆરમાં મોટાપાયા પર બરબાદી થશે તે વરવી હકીકત છે.

નેપાળમાં 2015માં 7.8ની તીવ્રતાવાળા આવેલા ભૂકંપે જબરદસ્ત બરબાદી મચાવી હતી, પરંતુ ભૂવૈજ્ઞાનિકોનું માનીએ તો હિમાલયમાં આવનારો ભૂકંપ આનાથી પણ વધારે વિનાશકારી હોઈ શકે છે. એક અહેવાલ મુજબ લગભગ 2000 કિલોમીટર લાંબા હિમાલય ક્ષેત્રનો લગભગ 75 ટકા હિસ્સો 8.2ની તીવ્રતાના ભૂકંપ માટે તૈયાર છે, જે નેપાળા ભૂકંપ કરતાં ત્રણ ગણી વધુ ઉર્જા છોડી શકે છે.

તેમા પણ કેટલાક હિસ્સામાં તો 8.7ની તીવ્રતાવાળા ભૂકંપની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જે 2015ના ભૂકંપથી આઠ ગણો વધારે તાકાતવર હશે. રિક્ટર સ્કેલ પર નવની ક્ષમતાવાળા ભૂકંપની પણ સંભાવના ઓછી છે, પરંતુ તે આવશે જ નહીં તેવું ન કહી શકાય. ભારતમાં 800થી 900 વર્ષ પહેલાં આ પ્રકારનો ભૂકંપ આવી ચૂક્યો છે.

આમ વ્યક્તિ રાત્રે ઊંઘમાં હોય, ગાઢ નિંદ્રા લેતો હોય અને તે જ સમયે અચાનક જ જમીન ફાટે અને તે વ્યક્તિ જ નહીં પણ આવા લાખો લોકો કાયમ માટેની ગાઢ નિંદ્રામાં સૂઈ જાય તેવો ભૂકંપ આવવાની સંભાવના વધુને વધુ પ્રબળ બની રહી છે. થોડી જ સેકન્ડો માટે આવેલો આ ભૂકંપ ફક્ત ઇતિહાસ જ નહીં ભૂગોળ પણ બદલી નાખવા સક્ષમ છે. ભારત આગામી સમયમાં આ પ્રકારના ભૂકંપનો સામનો કરે તેવી સંભાવના વધુ પ્રબળ છે.

આ બધી સંભાવના વચ્ચે ભારત ભૂકંપને પહોંચી વળવા માટે કેટલું તૈયાર છે તે મોટો સવાલ છે. આપણે સાવધાની, ભૂકંપપ્રતિરોધક મકાન બાંધકામ, ઇમરજન્સી યોજનાઓ અને જનજાગૃતિના સ્તરે તરત જ કામ કરવાની જરૂર છે. તેનું કારણ એ છે કે જ્યારે પ્રકૃતિ ત્રાટકે છે ત્યારે પૂર્વતૈયારીથી વધારે સારું કે મોટું બીજું કોઈ શસ્ત્ર નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !