MANTAVYA Vishesh/ વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ છે. આ આક્રોશ ચરમસીમાએ હોવાનું કારણ પણ છે. આ કારણ છે GETCOની ગુંડાગર્દી. આ સરકારી સંસ્થાએ જાણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂતોને બાનમાં લઈ લીધા હોય તેવી પરિસ્થિતિ છે. આના લીધે ખેડૂતોએ રીતસરનો સમરાંગણનો શંખ ફૂંકવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Mantavya Vishesh

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ છે. આ આક્રોશ ચરમસીમાએ હોવાનું કારણ પણ છે. આ કારણ છે GETCOની ગુંડાગર્દી. આ સરકારી સંસ્થાએ જાણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂતોને બાનમાં લઈ લીધા હોય તેવી પરિસ્થિતિ છે. આના લીધે ખેડૂતોએ રીતસરનો સમરાંગણનો શંખ ફૂંકવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સરકારે ખેડૂતોને દિવસના વીજળી આપવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયનો અમલ હવે GETCO જેવી સંસ્થાને સોંપાયો છે. આ સંસ્થા સરકારના નિર્ણયનો અમલ કરવા માટે ખેડૂતો સહિતના લોકોની આજીવિકાની પરવા કર્યા વગર કેવી બેફામ રીતે કામ કરે છે તેનું ઉદાહરણ હવે GETCO બની છે. મચ્છુ ડેમમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક લાઇન વાંકાનેર તાલુકાના નાના ખેડૂતોની જમીનમાંથી પસાર થઈ રહી છે. આના કારણે માંડ-માંડ પેટનું પૂરુ કરી ખાતા ખેડૂતોની આજીવિકા પર સવાલ ઊભો થયો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે ખેડૂતોની આ તકલીફોને લઈને સાંસદો, સ્થાનિક ધારાસભ્યો, વિધાનસભ્યોથી લઈને સરપંચો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં GETCOએ જાણે બધાને ઘોળીને પઈ ગઈ હોવાનું ચિત્ર ઊભું કર્યુ છે. તેણે ખેડૂતોની તો ઠીક જનપ્રતિનિધિઓની રજૂઆત પણ કાને ધરી નથી. તે રીતસરની પોતાની મનમાની કરવા પર ઉતરી આવ્યું છે. કોઈપણ પ્રકારનો માનવીય અભિગમ આ સંસ્થા દાખવી રહી નથી અને કેન્દ્ર સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળની પ્રિયાવડ સાપર 220 કે.વી.ની વીજલાઇન કોઈપણ ભોગે આ નાના ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવાની જીદ લઈ બેઠી છે, પછી ભલેને તે ખેડૂતો રસ્તા પર આવી જાય, તે ખેડૂતો ભૂખે મરે તેમા આ સંસ્થાને કોઈ રસ નથી. સંસ્થાને કોઈપણ ભોગે કામ પાર પાડવામાં રસ છે, પછી ખેડૂતોને ભલેને જે થવું હોય તે થાય.

આના કારણે સૌથી વધારે અસર જાલસીકા ગામના ખેડૂતોને પડી રહી છે. આ ગામના ખેડૂતોએ આ વીજલાઇન જો તેમના ખેતરમાંથી પસાર થઈ તો રીતસરના ભૂખે મરવાના દહાડા આવી શકે છે. પણ GETCOને આમાના કોઈની પડી નથી. કેટલીય રજૂઆતોના પગલે GETCO ન માનતા ખેડૂતોએ પણ તેની સામે બાંયો ચઢાવી છે અને નક્કી કરી  લીધું છે કે તેઓ કોઈપણ સ્થિતિમાં તેમના ખેતરમાંથી આ વીજલાઇન પસાર નહીં થવા દે. ખેડૂતોની ઉગ્રતાના કારણે હાલમાં તો GETCOએ તેની કામગીરીને બ્રેક મારવી પડી છે, પણ તે આ જ ખેતરોમાંથી લાઇન પસાર કરવાનો ઇરાદો તો હજી પણ ધરાવે છે.

ખેડૂતોએ રીતસર રજૂઆત કરીને જણાવ્યું છે કે આ જમીન તેમની જમીનમાંથી નહીં પણ બાજુની સરકારી ખરાબાની જમીનમાંથી પસાર કરવામાં આવે તો તેમને થતું નુકસાન અટકી શકે છે. આમ 220 કે.વી.ની આ હાઇ વોલ્ટેજ લાઇન તેમના ખેતરમાંથી જ પસાર કરવું જરૂરી નથી. તેના માટે અન્ય વિકલ્પ પણ છે. ઉપરથી જો આ લાઇન સરકારી ખરાબાની જમીનમાંથી પસાર કરવામાં આવે તો તેની લંબાણ પણ ઘટી જશે તેમ ખેડૂતોનું કહેવું છે.

આ માટે જાસલીકા ગામના 13 ખાતેદારોએ રીતસરની લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની રજૂઆતો GETCOના બહેરા કાને અથડાઈને પાછી આવી છે. તેઓએ જાણે નક્કી કરી જ લીધું છે કે ખેડૂતોની કોઈ વાત પર ધ્યાન જ આપવાનું નથી. ખેડૂતોની આજીવિકાને તો તેઓએ ભયમાં મૂકી જ છે, તેની સાથે લગભગ 500 જેટલી ગાયો માટેના ઘાસચારાની વ્યવસ્થા જે ખેતરોમાંથી થાય છે તે ખેતરોને પણ તેણે હડફેટે લઈ લીધા છે. આમ GETCOએ વ્યાપક પાયા પર ખેડૂતોની પાયમાલી નોતરવાનું નિશ્ચિત કરી દીધું હોય તેવી છાપ અહીં ઊભી થાય છે.

આ ખેડૂતો નાના ખેડૂતો છે, તેમની પાસે માંડ પાંચ કે દસ વીઘા જમીન છે. આ જમીન તેમની મરણમૂડી છે. હવે આટલો મોટી હાઇ વોલ્ટેજ લાઇન તેમના ખેતરમાંથી પસાર થાય તો તેઓ તેમના ખેતરમાં કશું કરી શકવા સમર્થ નહીં રહે. ફક્ત એટલું જ નહીં તેમના જમીનની કિંમત પણ શૂન્ય થઈ જશે. આ ઉપરાંત અહીં વળતરનો તો ઉલ્લેખ સુદ્ધ કરવામાં આવ્યો નથી. આની તો કોઈ વાત જ કરતું નથી. આ સ્થિતિમાં ખેડૂતો ઇચ્છવા ન છતાં પણ આંદોલન કરવું પડે તેવી સ્થિતિ છે.

ખેડૂતોની વારંવારની રજૂઆતો છતાં પણ GETCOના અધિકારીઓ રીતસર જડતા અને સંવેદનહીનતાનો અહેસાસ કરાવીને તેમની વાત ધ્યાનમાં લીધી નથી. આટલું ઓછું હોય તેમ આના કારણે 31 માર્ચ 2023ના રોજ વાંકાનેરના નાયબ કલેક્ટરે GETCOને અનુસરતા હોય તેમ આદેશ આપ્યો હતો, ખેડૂતોએ તેના વિરોધમાં કલેક્ટર સમક્ષ પણ અપીલ કરી હતી, પરંતુ આજના દિવસ સુધી હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોની આ પ્રકારની વરવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના કેબિનેટ મંત્રીઓથી લઈને સાંસદો, ધારાસભ્યો સહિતના બધા જાણે એક જ હરોળમાં આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ જોતા એમ જ લાગે કે ગરીબ હોવું જાણે ગુનો થઈ ગયો છે, ગરીબની કોઈ વાત પણ સાંભળતું નથી.

ખેડૂતોની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, વિધાનસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉદયભાઈ કાનગડ સહિતના અનેક રાજકારણીઓને લેખિતમાં અને મૌખિકમાં બધી રીતે રજૂઆત કરવામાં આવી છે, વિનંતી કરવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે. આ આગેવાનોએ પણ ઘટતું કરવા કહ્યુ છે, તેઓએ પણ વાત આગળ પહોંચાડી છે અનેક વખત આદેશ આપ્યા છે. તેની સાથે યોગ્ય વિકલ્પ વગર ખેડૂતોની જમીનમાંથી હાઇ વોલ્ટેજ વીજલાઇન પસાર ન કરવાનું જણાવ્યું છે. આમ છતાં GETCO રીતસરની હુંસાતુંસી પર ઉતરી આવ્યું છે. તે જાણે કોઈને ગાંઠતું જ નથી તેવું ચિત્ર ઊભું થઈ રહ્યુ છે. તેના અધિકારીઓ રીતસરની મનમાની કરી રહ્યા છે.

તેઓના પર જાણે કોઈના ચારેય હાથ હોય તેવી તો આ સંસ્થાના અધિકારીઓની દાદાગીરી છે. જાલસીકા ગામના ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમણે કલેક્ટર સમક્ષ કરેલી અપીલનો જવાબ આવ્યો નથી. અરજી પેન્ડિંગ હોય ત્યારે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ માને એ GETCO શેની. તેના ઉચ્ચ અધિકારીઓની દાદાગીરી સહન ન કરી શકાય તેવી સ્થિતિએ પહોંચી છે. તેઓએ સ્થળ પર આવીને ખેડૂત ખાતેદારોને ધમકીઓ આપી છે. આ બતાવે છે કે સરકારી સંસ્થાઓ હવે ગુંડા ભાડે રાખતી નથી, પોતે જ ગુંડાગર્દી કરવા પર ઉતરી આવે છે.

આ ઉપરાંત ખેડૂતોને મીટિંગમાં બોલાવ્યા અને તેમની સહી લઈ લીધી છે. વાસ્તવમાં મીટિંગમાં હાજર હોવાનો અર્થ એવો ન થાય કે ખેડૂતો સંમત થઈ ગયા. પણ હવે GETCOએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મીટિંગ બોલાવી ખેડૂતોની જાણબહાર તેમની સહીઓ લઈ લીધી છે અને હવે તે ખેડૂતોએ સહીઓ કરી દીધી હોવાનો દાવો કરે છે. આમ તેણે રીતસરની છેતરપિંડી આચરી છે. વાસ્તવમાં આ મીટિંગ ખેડૂતોની વાત સાંભળવા માટેની હતી, હવે ખેડૂતોની ખોટી રીતે સહી લઈને તેનો ઉપયોગ તેમની સામે જ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો સાથે ભૂમાફિયાઓ તો છેતરપિંડી આચરે જ છે, પણ સરકારી સંસ્થાઓ પણ આ પ્રકારની છેતરપિંડી સરેઆમ આચરવા લાગી હોવાનું ખેડૂતો કહે છે.

GETCO ફક્ત આટલેથી જ અટકી નથી, છેતરપિંડી કરવા ઉપરાંત હવે તે ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ હાલમાં ખેડૂતોના વિરોધ વચ્ચે હોલમઢ ગામ ખાતે આ લાઇન નાખી દેવામાં આવી છે. જાલસીકા સુધી લાઇન હજી સુધી આવી નથી. આ એજન્સી ઘીઆવડના ખેડૂતોને પણ આ જ રીતે જંગી નુકસાનના ખાડામાં ઉતારી રહ્યુ છે. તેના કારણે સમગ્ર પંથકના આ સરકારી એજન્સી સામેનો આક્રોશ ઉગ્ર બન્યો છે. તેઓએ જાતે ડ્રોન દ્વારા શૂટ કરીને હાઈ વોલ્ટેજ વીજ લાઇનના વિકલ્પો તંત્ર સુધી પહોંચાડ્યા છે. હવે જો તંત્ર આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો ખેડૂત આંદોલનના મંડાણ નિશ્ચિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !