Surendranagar News : સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં સમાવિષ્ટ વઢવાણ શહેર એ ઐતિહાસિક શહેર છે. આજે પણ અનેક સ્મારકો વઢવાણના ઉજળા ઇતિહાસની સાક્ષી પૂરતા હયાત છે. ત્યારે મનપા દ્વારા વઢવાણને હેરિટેજ શહેર તરીકે વિક્સાવવાનું આયોજન કરીને લોક જાગૃતતા માટે મનપા અને અતુલ્ય વારસો નામની સંસ્થા દ્વારા આગામી તા.10 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં આજે પણ અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે. જેમાં ખાસ કરીને વઢવાણનો કિલ્લો, હવા મહેલ, ગંગાવાવ, રાણેક દેવીનું મંદિર, માધાવાવ જેવા પુરાતત્વની રક્ષિત અનેક સ્મારકો આવેલા છે.
પરંતુ જાળવણીના અભાવે આ ઐતિહાસિક ધરોહર ખંડેર બની રહ્યા છે. સફાઇના અભાવે વાવોમાં ગંદકી જોવા મળી રહી છે. આથી જ આવા મહામૂલા સ્થળોની મુલાકાતે ખૂબ ઓછા લોકો આવતા હોય છે. ત્યારે મનપા કમિશનર નવનાથ ગવહાણે, ડેપ્યુટી કમિશનર અર્જુન ચૌહાણ સહિતની મનપાની ટીમે વઢવાણના આ ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરવાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપી વઢવાણના આ સ્થળોની સાફસફાઇ કરવાની કામગીરી તો ચાલુ કરી દીધી છે.
પરંતુ તેની સાથે સાથે ખાસ કરીને વઢવાણના લોકો પણ પોતાની પાસે રહેલી આ અમૂલ્ય વિરાસતનું મૂલ્ય સમજે અને પોતાની સંસ્કૃતિથી અવગત થાય તે પણ ખૂબ જરૂરી છે. કારણ કે સ્થાનિક લોકો પણ આ વિરાસતની જાળવણી કરે તે જરૂરી છે. આ ઉપરાંત આ સ્થળોનો વિકાસ કરીને વઢવાણને હેરિટેજ સિટી તરીકે વિક્સાવવાનું આયોજન પણ મનપાનું છે. જેની કરીને વધુ ને વધુ પ્રવાસીઓ વઢવાણની મુલાકત લે અને આપણા આ વારસાની ખ્યાતિ દેશ-વિદેશ સુધી પહોંચે.
તેના માટે મનપા અને અતુલ્ય વારસો નામની સંસ્થા દ્વારા આગામી તા.10 જૂનના દિવસે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હવા મહેલથી હેરિટેજ વોક ચાલુ થશે અને ખાંડીપોળ થઇને માધાવાવ સુધી જશે. જ્યાં સાંજના સમયે દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:રત્ન કલાકારોને મોતના મોઢામાં મોકલનાર ‘રત્ન’ની ધરપકડ
