FoodLifestyle: મશરુમ એક એવી ફૂગ છે, કે જે ફક્ત સ્વાદમાં જ મજેદાર નથી, પરંતુ એનુ સેવન સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, બજારમાં લેવા જઇએ તો મશરૂમ મોંઘા પડે છે, સાથોસાથ એમાં હાનિકારક રસાયણો વપરાયા હોવાનું જોખમ પણ રહેલું હોય છે. આવા સંજોગોમાં જો તમને પણ મશરુમ ખાવાનું પસંદ હોય તો નિ:શંકપણે, તમે એને ઘરે પણ ઉગાડી શકો છો.
મશરુમ ઉગાડવા માટે તમને આટલી વસ્તુઓની જરુર પડશે
મશરુમના બીજ (Spawn, જેને તમે ઑનલાઇન અથવા તો કૃષિ સ્ટોરમાંથી ખરીદી શકો છો),
સબસ્ટ્રેટ ( જેમ કે ઘઉં કે ડાંગરનું ભૂસું અથવા લાકડાનો વહેર)
એક કન્ટેનર અથવા પૉલીબૅગ (જેમાં મશરુમ ઉગાડી શકાય) તથા
એક પાણી છાંટવા માટે સ્પ્રે બોટલ.
કઇ રીતે ઉગાડશો?
સૌપ્રથમ સબસ્ટ્રેટ તૈયાર કરો. આ માટે ભૂસાને 8-10 કલાક પાણીમાં પલાળી દો. પછી બરાબર નિચોવીને એક સાફ કપડા ઉપર એને સારી રીતે ફેલાવી દો જેથી એનું વધારાનું પાણી નીતરી જાય. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે સબસ્ટ્રેટ ન વધારે સૂકું હોય કે ન વધારે ભીનું.
હવે આ રીતે તૈયાર કરેલા ભૂસામાં મશરુમના બીજ (સ્પૉન) સારી રીતે ભેળવી દો.
આટલું કર્યા બાદ, આ મિશ્રણને એક સ્વચ્છ કોથળી(પૉલીબૅગ) અથવા તો કોઇ કન્ટેનર, જેમ કે ડોલમાં ભરી દો. જો તમે પૉલીબૅગનો વપરાશ કરી રહ્યા છો તો એમાં ઝીણાં-ઝીણાં કાણા પાડી લેવા, જેથી આ છિદ્રોમાંથી હવા પસાર થઇ શકે.
મશરુમના ઉછેર માટે ઠંડી (20-25°C તાપમાન) અને અંધારી જગ્યાની જરુર પડે છે. પૉલીબૅગ અથવા ડોલને જ્યાં તડકો ન આવતો હોય એવા કોઇ ખૂણામાં મૂકી દો.
દરરોજ 1-2 વખત સ્પ્રે બોટલ વડે થોડું-થોડું પાણી છાંટો જેથી ભેજ જળવાઇ રહે.
બસ આટલું કર્યા બાદ, 7 થી 10 દિવસની અંદર જ ડોલમાં સફેદ તાંતણા જેવા સ્ટ્રક્ચર ફૂટેલાં જોવા મળશે. 15-20 દિવસે તો એમાંથી નાના-નાના મશરુમ ઊગવા લાગશે. જ્યારે એ થોડાક મોટા (લગભગ 3-5 સેમી) થઇ જાય, ત્યારે આ તૈયાર મશરુમને કાપીને તમે એમનો વિવિધ વાનગીઓમાં ઉપયોગ કરી શકો છો.
આ બાબતોનું રાખવું ધ્યાન
મશરુમ ઉછેર દરમિયાન વધુપડતું પાણી નાખવું નહિ, બસ ભેજ જળવાઇ રહે તેટલું જ પર્યાપ્ત છે. વધારે પાણી આપવાથી મશરુમનો પાક ખરાબ થઇ શકે છે.
કન્ટેનરને વારંવાર ખોલવું નહીં.
સ્વચ્છતાનું ધ્યાન રાખીને મશરુમ ઉછેરનું કાર્ય કરવું, ગંદકીના લીધે આ ફૂગનું ઉત્પાદન ખરાબ થઇ શકે છે.
આ પ્રકારે, ઝીણવટભરી બાબતોનું ધ્યાન રાખીને તમે ફક્ત 15 થી 20 દિવસમાં જ ઘરે બેઠા મશરુમ ઉગાડી શકશો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
આ પણ વાંચો:
