Ahmedabad News : કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર હંકારીને નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. બીજીતરફ પોલીસ તપાસમાં જણાયું છે કે અકસ્માત કરનાર સગીરનો આ પહેલો અકસ્માત નથી, અગાઉ પણ તેણે 15 વર્ષની ઉંમરે અકસ્માત કરી એક વ્યક્તિનો જીવ લીધો હતો. આ ઉપરાંત સગીરનો 200ની સ્પીડે ગાડી ચલાવી સ્ટંટ કરતો વીડિયો, પોલીસ સ્ટેશનમાંથી નંબર વગરની AUDI લઇને નીકળતો હોય એવો, ફાયરિંગ કરતો હોય એવો વીડિયો વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કિશોર લંગડાનો પૌત્ર વોન્ટેડ હતો અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતો હતો ત્યારે તેને શાહીબાગમાં અકસ્માત કર્યો હતો. તેણે ગાંધીનગરમાં અનીષ રાજપાર અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો.
આ બધા વચ્ચે સવાલ એ ઊઠી રહ્યો છે કે જો પોલીસે વર્ષ 2022માં જ્યારે સગીરે અકસ્માત કરી એકનો જીવ લીધો ત્યારે જ કડક કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હોત તો ગઈકાલે કોઈ માસૂમ નાગરિકનું અકસ્માતમાં મોત ના થયું હોત.
છેલ્લા ઘણા સમયથી કિશોર લંગડાનો પૌત્ર વોન્ટેડ હતો અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે ઓળખાણ લગાવી રહ્યો હતો. ગઇકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતો હતો ત્યારે તેને અકસ્માત કર્યો હતો. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઇ ગઇકાલે ફોરચ્યુનર કારની રાહ જોઇ રહ્યા હતા ત્યારે કાર અને આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી લીધો હતો. કિશોર લંગડાના પૌત્રએ ગાંધીનગરમાં અનીષ રાજપાર અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો.નિકોલ ગામમાં આવેલી ઇન્દ્રજીત સોસાયટીમાં રહેતા અનીષ રાજપારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા કિશોર લંગડાના પૌત્ર વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી હતી. અનીષને સાયકલનો શો-રૂમ છે અને મોનાર્ક યુનીવર્સિટીમાં ઓટો મોબાઇલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

થોડા દિવસ પહેલા અનીષ તેના મિત્ર મહિપાલ અને માનવ સાથે ગાંધીનગર ગિફ્ટસિટી ખાતે નાસ્તો કરવા માટે ગયા હતા. AUDI કાર લઇને ત્રણેય મિત્રો જઇ રહ્યા હતા ત્યારે બે ફોર્ચ્યુનર આવી હતી. ફોર્ચ્યુનર કારના ચાલકે AUDIને આંતરી લીધી હતી અને અનીષ, મહિપાલ અને માનવ સાથે મારઝૂડ કરી હતી. બંને કારમાંથી સાતેક લોકો ઉતર્યા હતા અને જૂની અદાવતને લઇને હુમલો કરી દીધો હતો.
લાકડી ધારીયા સહિતના હથિયારોથી ત્રણેય યુવક પર હુમલો કરીને ફોર્ચુયનર ચાલકો નાસી ગયા હતા. હુમલો કરનાર માસ્ટરમાઇન્ડ પોતાની જાતને રાઠોડ હોવાનું કહેતો હતો અને તારાથી થાય તે કરી લેજે તેવી પણ ધમકી આપી હતી. અનીષ રાજપરાએ આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં હુમલાખોરો ફરાર હતા. ઇન્ફોસિટી પોલીસે કિશોર લંગડાના પૌત્ર સહિત સાત લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.શાહીબાગના સરદાર પટેલ સ્મારક પાસેથી ગઈકાલે સવારે અસારવામાં રહેતા 43 વર્ષીય મહેન્દ્રભાઈ દીકરાને સ્કૂલે મૂકીને એક્ટિવા પર જઈ રહ્યા હતા.
એ દરમિયાન અસારવાના કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના 17 વર્ષના સગીર પૌત્રએ પૂરઝડપે ફોર્ચ્યુનર ગાડીથી ટક્કર મારતાં મહેન્દ્રભાઈ એક્ટિવા સાથે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા અને ડિવાઈડર સાથે અથડાયા હતા, જેમાં તેમના માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ તેમનું મોત થયું હતું. બનાવ અંગે એફ ડિવિઝન ટ્રાફિક-પોલીસે સગીર અને તેના પિતા સામે તપાસ શરૂ કરી છે.પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સગીરે વર્ષ 2022માં પણ જ્યારે તેની ઉંમર 15 વર્ષ કરતાં પણ ઓછી હતી ત્યારે પણ આજ પ્રમાણે ગાડી ચલાવી અકસ્માત કરી નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો, એટલે કે સગીરે છેલ્લાં ત્રણ વર્ષમાં લાઇસન્સ ન હોવા છતાં ગાડી ચલાવી બે નિર્દોષ લોકોના જીવ લીધા છે. સગીરના દાદા કિશોરસિંહ રાઠોડ અને તેના પિતા દિલીપસિંહ રાઠોડ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
બંને સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.સગીરના અકસ્માત બાદ ગઈકાલે ગાડીમાં બેસીને હથિયાર બતાવતો હોય એવો વીડિયો સામે આવ્યો હતો. એ બાદ સગીરના અન્ય વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આ સગીર 200ની સ્પીડે ગાડી ચલાવતો હોય એમ દેખાય છે. આ ઉપરાંત ચાર-પાંચ ગાડીઓના કાફલા સાથે સ્ટંટ કરતો તથા ગાડીમાંથી ઊભાં ઊભાં હાથમાં બે બંદૂક લઈને ફાયરિંગ કરતો હોય એવો પણ વીડિયો સામે આવ્યો છે. આ બધામાં એક ચોંકાવનારો વીડિયો એ પણ છે કે એમાં આ સગીર નંબર વગરની AUDI લઇ પોલીસ સ્ટેશનમાંથી નીકળી રહ્યો છે.
એફ ડિવિઝન પીઆઇ આર.બી રાઠોડે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર સગીર હોવાથી તેના પિતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. લાઇસન્સ ન હોવા અને સગીર હોવા છતાં પિતાએ પુત્રને ગાડી આપી હતી, જેથી પિતા સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. સગીરના વીડિયો બાબતે પણ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ સગીરે એક અકસ્માત કર્યો છે, જે મામલે તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો
આ પણ વાંચો:મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત
આ પણ વાંચો:મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા
