MANTAVYA Vishesh/ તેલના ખેલમાં તેલિયા રાજાઓનો ગ્રાહકોને લૂંટવાનો કારસો

ઝેર તો પીધા જાણી-જાણી કહેવત છે, હવે ગુજરાતમાં આ કહેવત જુદાં જ સંદર્ભમાં લાગુ પડી શકે છે, અહીં રાજ્યમાં તેલના ચાલતા ખેલમાં કહી શકાય છે કે ‘તેલ તો લીધા જાણી-જાણી’ . ગુજરાતમાં ગ્રાહકો તેલ લેવા જાય તો તેમા તેલ નીકળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Mantavya Vishesh

ઝેર તો પીધા જાણી-જાણી કહેવત છે, હવે ગુજરાતમાં આ કહેવત જુદાં જ સંદર્ભમાં લાગુ પડી શકે છે, અહીં રાજ્યમાં તેલના ચાલતા ખેલમાં કહી શકાય છે કે ‘તેલ તો લીધા જાણી-જાણી’ . ગુજરાતમાં ગ્રાહકો તેલ લેવા જાય તો તેમા તેલ નીકળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેલ લેતા ગ્રાહકોને બીચારાને ખબર જ નથી કે તે કેટલી સીફતતાથી લૂંટાઈ રહ્યો છે.

રાજ્યના બે ટોચના ઉદ્યોગપતિઓએ ખાદ્યતેલના ધંધામાં વર્ચસ્વ જમાવવા માટે જે જંગ શરૂ કર્યો છે, તેનો લાભ લઈને રિટેલરો છડેચોક ગ્રાહકોને લૂંટી રહ્યા છે. તેલના ખેલમાં ગોલમાલનો જે ખેલ શરૂ કરવામાં આવ્યો છે તેમા અનોખી ટેકનિક અપનાવવામાં આવી રહી છે. સામાન્ય નિયમ જ છે કે કોઈપણ તેલનો ડબ્બો હોય તેના પર લિટરની સાથે-સાથે કિલોનું માપ લખવું ફરજિયાત છે, પરંતુ બંને ઉદ્યોગપતિઓ આ નિયમ ઘોળીને પી ગયા છે. તેમની ફોરચ્યુન અને તિરુપતિ બ્રાન્ડમાં લિટરની બાદબાકી જ કરી દેવામાં આવી છે. અહીં ફક્ત વજન પર જ માલ અપાય છે. લિટરનું માપ જ કાઢી નાખવામાં આવ્યું છે.

કંપનીઓ તો વજન મુજબ જ માલ આપે છે, પરંતુ આ બંને કંપનીઓના પગલાંના લીધે રિટેલરોને મજા પડી ગઈ છે. આ પ્રકારના કિસ્સામાં કંપનીઓ તો તેના નિર્ધારિત માપદંડ મુજબ પેક કરીને માલ આપી દે છે, પરંતુ અહીં જે ખેલ થાય છે તે MRPના આધારે ખેલ થાય છે. રિટેલરો આ વજનના ખેલમાં ગ્રાહક પાસેથી બમણો નફો વસૂલે છે. ખાલી મોટી બ્રાન્ડ્સે એક માપ મૂકવાના નિયમનો ભંગ કર્યો તેમા તો રિટેલરોને ફાવતું જડી ગયું છે.

હવે આ વજનની સાથે પ્રિન્ટમાં MRPમાં કરવામાં આવતા ખેલને થોડા ઊંડાણપૂર્વક સમજીએ તો સમજી શકાય કે રિટેલરો ગ્રાહકોને કેવી રીતે લૂંટી રહ્યા છે. આ રિટેલરોનું આગવું ગણિત આંકડાશાસ્ત્રીઓને પણ ભરમાવી દે તેવું છે, તેમા બિચારા ગ્રાહકને તો ખબર જ ક્યાંથી પડે.

નિયમ પ્રમાણે 15 લિટરના તેલમાં 13.650 કિલોગ્રામ વજન દર્શાવવાનું ફરજિયાત હોય છે, પરંતુ હવે તેમા 13.650ના બદલે ફક્ત 13 કિલો જ તેલ ભરવામાં આવે છે. આ પાછું એટલા નાના અક્ષરમાં લખ્યું હોય છે કે તે દેખાતું હોતું નથી. આ જ રીતે તેલના પાંચ લિટરના જારમાં 4.550 કિલોના બદલે 4,350 કિલો જ તેલ હોય છે. આ પેકિંગ પર બતાવાય છે પણ તે અત્યંત નાના અક્ષરોમાં હોવાથી તેની ખબર પણ પડતી નથી. આ જ રીતે તેલના એક લિટરના તેલમાં 910 ગ્રામ તેલ હોવું જોઈએ તેના બદલે ફક્ત 870 ગ્રામ તેલ જ તેમા હોય છે. વાસ્તવમાં આ પ્રકારના ફેરફારની વેપારીએ ગ્રાહકને સમજ આપવી જોઈએ, પરંતુ તેવું થતું નથી. રિટેલરો ગ્રાહકોને ક્યારેય આ વાત સમજાવતા નથી અને ગ્રાહક પણ પૂરેપૂરુ બિલ અને માલના પેકિંગની ચકાસણી કરીને માલ ખરીદતો નથી, છેવટે લૂંટાવવાનું તેણે જ આવે છે. આમ ગ્રાહક જ રાજા છે અને ગ્રાહક જ ભગવાન છે તે ઉક્તિ ભૂલાઈ છે અને તેના બદલે તેની સદંતર અવગણના કરવામાં આવે છે.

તેથી હવે જો ગ્રાહક ખરેખર ચેક કરીને ખરીદી કરે તો તેને આ ખેલ સમજાય, પરંતુ ગ્રાહક આ પ્રકારની તસ્દી લેતો જ નથી. હવે ગ્રાહકો સાથે સરેઆમ ચાલતી લૂંટને સમજીએ તો અહીં તે જ્યારે એક લિટર, પાંચ લિટર અને 15 લિટરનું પેક લે છે ત્યારે લૂંટવામાં આવે છે. છૂટક લેતા હોય તેને તો કોઈ તકલીફ જ નથી. પહેલા એક લિટરથી શરૂ કરીએ તો એક લિટર ઓઇલના પેકમાં 910 ગ્રામ તેલ હોય છે. તેમા ડીલર, ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર માટેનો ભાવ પ્રતિ લિટર 143 રૂપિયા જેટલો હોય છે. જ્યારે આ લિટરના પેક પર MRP 170-180 રૂપિયા પ્રિન્ટ થયેલી હોય છે. જ્યારે રિટેલર ગ્રાહક પાસેથી રૂ. 150થી રૂ. 160 વસૂલે છે. હવે નવા પેકિંગમાં એક લિટરના પેકમાં તેલ 910 નહીં પણ 870 ગ્રામ હોય છે. તેમા ડીલર,ડિસ્ટ્રિબ્યુટલર અને રિટેલર માટેનો ભાવ રૂ. 137 હોય છે. અહીં MRP રૂ. 160થી રૂ. 170 હોય છે, પરંતુ રિટેલર ગ્રાહક પાસેથી તો રૂ. 150-160 જ વસૂલે છે. આમ એક લિટરના પેકમાં તેલનો જે જથ્થો ઘટ્યો તેનું ગ્રાહકને નુકસાન પણ થયું, આમ છતાં ગ્રાહકે તો કિંમત તેટલી જ ચૂકવવાની આવે છે. તેને ઘટેલા જથ્થાનો કોઈ ફાયદો મળતો નથી. ગ્રાહક આ વધારાની કિંમત શું કામ ચૂકવે તે મોટો સવાલ છે.

આવું જ પાંચ લિટર અને 15 લિટરમાં થાય છે. નાના પેકિંગમાં નાની લૂંટ તો મોટા પેકિંગમાં મોટી લૂંટ થાય છે. ગ્રાહકને તો ખબર જ નથી કે તેને મળતો ઓઇલનો પુરવઠો ઘટી ગયો છે, પરંતુ ભાવ તેટલો જ રહ્યો છે. આ બાબતને લઈને ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલીબિયા સંગઠન મેદાનમાં ઉતર્યુ છે, તેણે આ અંગે ગ્રાહક બાબતોના મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને જાણ કરી છે. તેની સાથે આગ્રહ કર્યો છે કે તેલ માફિયાઓએ ગ્રાહકોને ખંખેરવા માટે નવી રીતરસમો અપનાવી છે તેના પર તંત્ર ધ્યાન આપે. તંત્ર દરેક પેકિંગ પરના માપતોલના રાષ્ટ્રીય નિયમોનું પાલન કરાવે અને ગ્રાહકોના હિતોની રક્ષા કરે. આ મામલે સ્થાનિક સ્તરે પગલાં ન લેવાયા તો સંગઠનની કેન્દ્ર સરકાર સુધી પણ જવાની તૈયારી છે. નિયમોનું પાલન ન કરનારા તેલિયા રાજા સામે આકરાં પગલાં લેવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત ગ્રાહકોને પણ આ રીતે થતાં નિયમભંગ સામે જાગૃત થવા જણાવ્યું છે. દરેક વસ્તુની ખરીદી કરતા ચકાસણી કરીને જ લેવાનો સંગઠને આગ્રહ કર્યો છે.

ડિસ્ક્લેમરઃ ઉપરોક્ત માહિતી પ્રસ્તુત વિગતોના આધારે આપવામાં આવી છે. તેના સ્ત્રોતની અધિકૃતતા માટે મંતવ્ય ન્યૂઝ (ડિજિટલ) જવાબદાર રહેતું નથી. તેથી દરેકે તેને આધાર માનીને આગળ વધતા સ્વતકેદારી રાખવી જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો