MANTAVYA Vishesh/ ભાજપમાં ભડકો, ભૂતપૂર્વ મંત્રી જવાહર અને લાડાણી સામસામે

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને જવાહર ચાવડાની ટિકિટ કાપીને જ જીતેલા અરવિંદ લાડાણીએ ચાવડાની સામે મોરચો ખોલ્યો છે. ચાવડાની પક્ષવિરોધી પ્રવૃત્તિથી અકળાયેલા પક્ષે પણ તેમને ચાવડા સામે મોરચે માંડવો છૂટો દોર આપ્યો હોવાનું કહેવાય છે.

Mantavya Vishesh

સૌરાષ્ટ્રના રાજકારણમાં વિસાવદરની ચૂંટણીથી શરૂ થયેલી ગરમી ઓસરવાનું નામ લેતી નથી. વિસાવદરની બેઠકમાં આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો હતો. તેમા ભાજપના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પાછલા બારણે રહીને મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. વળી આપની સભામાં પણ જવાહર ચાવડાના માણસો દેખાયા હતા.

હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને જવાહર ચાવડાની ટિકિટ કાપીને જ જીતેલા અરવિંદ લાડાણીએ ચાવડાની સામે મોરચો ખોલ્યો છે. ચાવડાની પક્ષવિરોધી પ્રવૃત્તિથી અકળાયેલા પક્ષે પણ તેમને ચાવડા સામે મોરચે માંડવો છૂટો દોર આપ્યો હોવાનું કહેવાય છે. અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ રોજગાર અભિયાન શરૂ કર્યુ છે, હવે તે પોતે આટલા વર્ષોથી સ્થાનિક રાજકારણમાં સક્રિય છે, કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. જો તેમણે રોજગારી પૂરી પાડી હોય તો આ સ્થિતિ જ આવી ન હોતને.

અરવિંદ લાડાણીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે 35-35 વર્ષ સુધી રાજકારણમાં કાઢ્યા પછી પણ રોજગાર યાત્રા કાઢવી પડે તે શું બતાવે છે. તેમણે શું આટલા વર્ષ સુધી લોકોના કામ કર્યા નથી ત્યારે આ દહાડા આવ્યાને. જો તેમણે લોકોના કામ કર્યા હોત તો આ સ્થિતિ આવી હોત, ન આવી હોત. તેથી મારી તો તેમને સલાહ છે કે તેઓ આ પ્રકારના રોજગાર અભિયાનના નાટકો બંધ કરે અને લોકોને વાસ્તવિક ધોરણે રોજગારી પૂરી પાડવાનું કામ કરે. તેમણે આવા નાટકો કરવાના બદલે પ્રજાના કામ કર્યા હોત તો ટિકિટ કપાઈ ન હોત.

તેમણે જણાવ્યું હતું કે જવાહર ચાવડા 1988-89થી 2021-22 સુધી માણાવદર માર્કેટિંગ યાર્ડના વડા હતા. તેમણે આ વડા તરીકે કેવો કારભાર કર્યો છે તે બધા જાણે છે. એક સમયે જીનિંગ મિલોથી ધમધમતો આ વિસ્તાર તેમના જ કાર્યકાળમાં ખતમ થયો છે. તેના કારણે કેટલાય લોકો બેકાર થઈ ગયા, હવે લોકોને બેકાર કરનાર જવાહર ચાવડા રોજગાર અભિયાન શરૂ કરવાના નાટક કરે ત્યારે મને તો ઠીક લોકોને પણ હસવું આવે છે. લોકો કહેશે, ભાઈ આવા નાટક કરવા કરતાં બંધ પડેલી જિનિંગ મિલો શરૂ કરાવને. આખો વિસ્તાર એક સમયે માંચેસ્ટર તરીકે ઓળખાતો હતો, તેનો વિકાસ કરવાની વાત તો દૂર રહી, પણ તેને સાવ ખતમ કરી દીધો. તે બતાવે છે કે ચાવડાએ કેવો ભ્રષ્ટાચાર કર્યો હશે. તે ખેડૂતોના હક્કના 50 કરોડ રૂપિયા ઓળવી ગયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. તેઓ હજી સુધી આ રકમનું શું કરી ગયા તેનો હિસાબ આપી શક્યા નથી. લાડાણીએ આ ઉપરાંત જવાહર ચાવડા પર પક્ષવિરોધી પ્રવૃત્તિનો પણ આક્ષેપ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડાના અંગત સમર્થકો હાલમાં એક પછી એક આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે તે સમયે જ ભાજપમાંથી તેમના પર પ્રહારો થઈ રહ્યા છે. ફક્ત અરવિંદ લાડાણી જ નહીં જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પણ જવાહર ચાવડા સામે મોરચો ખોલ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જવાહર ચાવડા જબરદસ્ત ભ્રષ્ટાચારી છે. તેના કેટલાય માણસોનો પગાર માર્કેટિંગ યાર્ડમાં કે ડેરીઓની દૂધમંડળીમાં પડે છે. જ્યારે વાસ્તવમાં તેમ ન હોવું જોઈએ.

ખટારિયાએ દાવો કર્યો હતો કે જવાહર ચાવડાએ તેમની ચેરમેન તરીકેની સત્તાનો દૂરુપયોગ કરીને વહીવટમાં અનેક પ્રકારની ઘાલમેલ કરી છે. તેમણે માર્કેટિંગ યાર્ડના ભોગે તેમની કંપનીને સમૃદ્ધ કરી છે. તેમની જીનિંગની ફેક્ટરીમાં કામ કરતાં કેટલાક લોકોનો પગાર સીધો માણાવદરના માર્કેટિંગ યાર્ડમાં પડે છે. હવે ફેક્ટરીમાં કામ કરતાં લોકોનો પગાર માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કેમ ચૂકવે, પણ માર્કેટિંગ યાર્ડમાં આવા જ ધાંધિયા ચાલે છે. આ ઉપરાંત ભાદર અને ઓજતમાં ચાલતી બધી જ ગેરકાયદે લીઝમાં જવાહર ચાવડા કંઇ હપ્તા ઉઘરાવતો નથી, તેનો તેમા સીધો ભાગ જ છે. આજે ગેરકાયદે લીઝિંગની બધી પ્રવૃત્તિ જવાહર ચાવડાને આભારી છે. તેમણે કેબિનેટ મંત્રી તરીકે તેને છૂટો દોર આપ્યો હતો. આજે આ પંથકમાં ચાલતા ગેરકાયદે લીઝિંગને ચાવડાના આશીર્વાદ છે.

દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે ચાવડાએ માણાવદર માર્કેટિંગ યાર્ડના ભ્રષ્ટાચારના આંકડા મારી પાસે છે. તેમના એકીએક ભ્રષ્ટાચારનો અમે પર્દાફાશ કરીશું. આમ ભૂતપૂર્વ કેબિનેટ સામે વર્તમાન વિધાનસભ્ય અને સહકારી ડેરીના ચેરમેનનું આગઝરતું નિવેદન બતાવે છે કે આગામી દિવસમાં સોરઠ ભાજપમાં મોટી નવાજૂનીના એંધાણ છે. જવાહર ચાવડાની પક્ષે ટિકિટ કાપી ત્યારથી જ તેમને અસંતોષ હતો, હવે તેમને બીજું કોઈ મોટું પદ ન મળતા તે પક્ષની અંદર રહીને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આના પગલે સોરઠના રાજકારણમાં આગામી દિવસોમાં કોઈ નવો જ ખેલ જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર